કોરોના કાળમાં સરકાર અન્યથા વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી વિશે સોશ્યલ મીડિયામાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને લોકો ઉભરો કાઢી રહ્યા છે ત્યારે હવે આવુ કરવું મોંઘું પડી શકે છે. જે લોકો સોશ્યલ મીડિયામાં આ પ્રકારનું ઘસાતું લખશે તેમનું આવી બનશે. સાઇબર ક્રાઇમની બાજ નજર હવે સોશ્યલ મીડિયા પર રહેશે અને આવું કરનાર વિરુદ્ધ ગુન્હો નોંધી તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવશે.

અમદાવાદ સાઇબર ક્રાઇમ સેલે એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ વડાપ્રધાન, ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને પોસ્ટ મુકનાર વિરુદ્ધ  ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ફેસબુકમાં કપિલ પરમાર નામથી એકાઉન્ટ ધરાવનાર યુઝરે આવી પોસ્ટ મૂકી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમના પોલીસકર્મી હરિશ્ચંદ્રસિંહ ભીમભાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, તેમને સોશ્યલ મીડિયા પર નજર રાખવાની ફરજ સોંપવામાં આવી છે. દરમિયાન, કપિલ કુમાર નામના ફેસબૂક યુઝરે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિજય રૂપાણી અંગે ટિપ્પણી કરી હતી. આ પ્રકારની પોસ્ટથી લોકોમાં જૂથવાદ ઉભું થઈ શકે તેવી દહેશતને પગલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 500, 505(1) (બી) અને 506 (1) હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.