આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે આશિર્વાદરૂપ સાબિત થઇ શકે છે પરંતુ હાલ ગઠીયાઓ નાણાકીય છેતરપિંડી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે જે ખુબ જ ચિંતાની વિષય છે. દિન પ્રતિદિન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી લોકોને છેતરવાના બનાવો વધી રહ્યા છે. આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગઠીયાએ એક મહિલાને વોઇસ મોડ્યુલેશનનો સહારો લઈને રૂ. 1.4 લાખનો ચૂનો ચોપડ્યો છે.
અવાજ બદલી નાણાંકીય છેતરપિંડી આચરવાનો સાયબર ગઠીયાઓનો નવો કીમિયો
અદ્યતન ટેક્નોલોજીનો સહારો લઈને લોકોની મહેનતની કમાણી લૂંટનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સાયબર ફ્રોડના આ કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી, તે કૌભાંડના કિસ્સાઓ હેડલાઇન્સમાં છે, જ્યાં સ્કેમર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ) થી સજ્જ સાધનોનો ઉપયોગ કરીને તેમનો અવાજ બદલીને લોકોના પૈસા લૂંટી રહ્યા છે. તાજેતરની ઘટના પણ આને લગતી છે, જ્યાં એક 59 વર્ષની મહિલા સાથે તેના ભત્રીજાના અવાજની નકલ કરીને વાત કરવામાં આવી હતી અને 1.4 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ કેનેડામાં રહેતા તેના ભત્રીજાના અવાજની નકલ કરતા એક કોલર, એક દુખદ વાર્તા સંભળાવી અને મદદ કરવાના નામે મહિલા પાસેથી પૈસા માંગ્યા હતા. કોલ મોડી રાત્રે કરવામાં આવ્યો હતો અને મહિલાનું કહેવું છે કે પુરુષનો અવાજ બિલકુલ તેના ભત્રીજા જેવો હતો. સ્કેમરની વાત કરવાની શૈલી પણ તેના ભત્રીજા જેવી હતી.
સ્કેમરે જણાવ્યું હતું કે, તેનો અકસ્માત થયો હતો અને કાનૂની મુશ્કેલીઓના કારણે તેને શક્ય તેટલી વહેલી તકે પૈસાની જરૂર હતી. આ સાંભળીને મહિલાએ સ્કેમરે સૂચવેલા ખાતામાં તરત જ રૂ. 1.4 લાખ ટ્રાન્સફર કરી દીધા.
તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ આ વોઈસ ચેન્જર ટૂલ્સનો ઉપયોગ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે આ ઘટનાઓમાં વધુ વધારો થયો છે. સ્કેમર્સ આ દેશોમાં અટવાયેલા સંબંધીઓની આડમાં લોકોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના સેન્ટર ફોર રિસર્ચ ઓન સાયબર ઈન્ટેલિજન્સ એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સના ડિરેક્ટર પ્રસાદ પાટીબંધલા કહે છે કે, એઆઈ વૉઇસ ઈમિટેટિંગ ટૂલ્સ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિના વૉઇસનું અનુકરણ કરી શકે છે, કૉપિ કરી શકે છે. ચોક્કસ વિદેશમાં મુશ્કેલીભરી પરિસ્થિતિમાં ફસાયેલા હોવાનો ડોળ કરીને આ કૌભાંડો વધુ અસરકારક બને છે.
આ વર્ષે ઓગસ્ટમાં, દિલ્હીમાં કૌભાંડીઓએ ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારીની પુત્રી હોવાનો ઢોંગ કર્યો અને એક નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી 48 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. આરોપીએ અધિકારીના બેચમેટની પુત્રી હોવાનો ડોળ કર્યો અને દાવો કર્યો કે તેની માતા બિહારની હોસ્પિટલમાં દાખલ છે અને તેને આર્થિક મદદની જરૂર છે.
હાલ ગઠીયાઓ કસ્ટમર કેર સર્વિસના નામે કોલ કરીને બેંક ડિટેઇલની માંગ કરતા હોય છે. તે સિવાય સરકારી અધિકારીનો ડોળ કરીને લોકોને ફસાવવામાં આવે છે. જેથી લોકોએ સામેવાળી વ્યક્તિની સાચી ઓળખ પ્રસ્થાપિત કર્યા વિના કોઈ જ અંગત વિગતો આપવી જોઈએ નહીં. જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય છે.