હિજાબનો મામલો સ્થાનિક છે તેને વારંવાર દિલ્હી લાવી, સુપ્રીમમાં ઉઠાવીને તેને રાષ્ટ્રીય સમસ્યા તરીકે રજૂ ન કરવા સુપ્રીમની તાકીદ
કર્ણાટકના હિજાબ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ કહ્યું કે સમાજ વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાઓ સાથે છેડછાડ કરવાવાળાઓથી સાવધાન રહો. હિજાબનો મામલો સ્થાનિક છે તેને વારંવાર દિલ્હી લાવી, સુપ્રીમમાં ઉઠાવીને તેને રાષ્ટ્રીય સમસ્યા તરીકે રજૂ ન કરવો જોઈએ.
દેવદત્ત કામત ઉપરાંત અન્ય એક વકીલ આદિલ અહેમદે પણ સુપ્રીમ કોર્ટ પાસે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તેના પર ચીફ જસ્ટિસ રમનાએ આ મામલે અરજી દાખલ કરનારા તમામ લોકોને સલાહ આપતા કહ્યું કે, “આ સ્થાનિક મામલો છે. તેને વારંવાર દિલ્હી લાવી, સુપ્રીમમાં ઉઠાવીને તેને રાષ્ટ્રીય સમસ્યા તરીકે રજૂ ન કરો.” આની સુનાવણી હાઈકોર્ટમાં થવા દેવી સારી રહેશે.
સુપ્રીમ કોર્ટે હાલમાં કર્ણાટક હિજાબ કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ગુરુવારે હાઈકોર્ટે શાળા કોલેજોમાં વિદ્યાર્થીનીઓના હિજાબ પહેરવા પર વચગાળાનો પ્રતિબંધ લાદી દીધો હતો. અરજદારોએ સુપ્રીમ કોર્ટ પાસે આ આદેશ પર સ્ટે માંગ્યો હતો. પરંતુ ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી
ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે હાલમાં તેઓ હાઈકોર્ટમાં જ સુનાવણી હાથ ધરવાના પક્ષમાં છે. કોર્ટે અરજદારોને સ્થાનિક મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયાસ ન કરવાની પણ સલાહ આપી હતી.
કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે હાલમાં તમામ વિદ્યાર્થીઓએ શાળા-કોલેજમાં ધાર્મિક વસ્ત્રો પહેરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. હાઇકોર્ટે આગામી સુનાવણી સોમવારે બપોરે 2.30 કલાકે કરવા જણાવ્યું છે. હાઈકોર્ટના આ વચગાળાના આદેશ સામે ઘણા અરજદારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. તેને ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારમાં હસ્તક્ષેપ ગણાવીને સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.
વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે આ મામલો ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ સમક્ષ મૂક્યો હતો. કામતે કહ્યું, “હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ વચગાળાનો આદેશ બંધારણની કલમ 25નું સીધું ઉલ્લંઘન છે, એટલે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું. એક રીતે, કોર્ટ કહી રહી છે કે મુસ્લિમ છોકરીઓએ હિજાબ ન પહેરવું જોઈએ, શીખ વિદ્યાર્થીઓએ પાઘડી અને અન્ય રીતે ન પહેરવી જોઈએ.ધર્મના વિદ્યાર્થીઓએ પણ કોઈ ધાર્મિક વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. વરિષ્ઠ વકીલે માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી આજે અથવા સોમવારે કરે. પરંતુ ચીફ જસ્ટિસ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે સંમત હોય તેવું લાગતું ન હતું.
ચીફ જસ્ટિસે કહ્યું, “અમે સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. હાલમાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અમને આમાં દખલ કરવાની જરૂર દેખાતી નથી. હજુ સુધી હાઈકોર્ટનો લેખિત આદેશ પણ આવ્યો નથી. જો જરૂરી હોય તો, સુપ્રીમ કોર્ટ લોકોને બંધારણીય અધિકારો આપી શકે છે પરંતુ તરત જ આવું કરવાની જરૂર નથી. જ્યારે યોગ્ય સમય હશે, ત્યારે અમે તેની સુનાવણી કરીશું.”