રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ SLCની રચના કરીને તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો
આ કમિટિ નિયમીત ધોરણે આ બાબતોની સમીક્ષા દેખરેખ રાખે તેવી સૂચના પણ મુખ્યમંત્રીએ બેઠકમાં આપી હતી.એટલું જ નહિ, બાયોડિઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણ એ રાજ્ય સરકારની આવકને નુકશાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા બેઠકમાં વાત કરવામાં આવી હતી.
રાજ્યમાં, હાલ બાયોડિઝલની નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડિઝલના છૂટક વેચાણને કે રીટેઇલ આઉટલેટ મારફતે બાયોડિઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી. આ સંજોગોમાં બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટલેટ મારફતે કરી શકાશે નહિ, ફકત ઓઇલ માર્કેટીંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરીને વેચાણ કરી શકશે. ઓઇલ માર્કેટીંગ કંપની સિવાયનું તમામ વેચાણ ગેરકાયદેસર ગણાશે.
બાયોડિઝલને હાઇસ્પીડ ડિઝલમાં નિયત માત્રામાં મિક્ષ / બ્લેન્ડીંગ કરીને ઉપયોગ કરવાની ભારત સરકારની નીતિ છે. આના પરિણામે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટશે તેમજ પેટ્રોલિયમ પેદાશો પર થતા વિદેશી હૂંડિયામણમાં પણ ઘટાડો થશે. શુદ્ધ બાયોડિઝલનું ઉત્પાદન જેટ્રોફા, કરંજતેલ, બળેલા તેલ વગેરેમાંથી મિથાઇલ અથવા ઇથાઇલ એસ્ટરના મિશ્રણથી થતું હોય છે. આવું શુદ્ધ બાયોડિઝલ બનાવતા MSME સહિતના ઊદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને પણ પૂરક આવક મળી રહે તેવા હેતુથી આવા ઉત્પાદકો-ઊદ્યોગ સાહસિકોને GPCBની તેમજ અન્ય નિયત મંજૂરીઓ મેળવી ઓઇલ માર્કેટીંગ કંપનીઓને હાઇસ્પીડ ડિઝલ સાથે મિશ્રણ કરવા અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકે તે સંદર્ભની સૂચનાઓ-માર્ગદર્શિકા આગામી દિવસોમાં જાહેર કરવા અંગે પરામર્શ થયો હતો.
આવા ઉત્પાદન અને વેચાણની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. એટલું જ નહિ, આ અંગે ઉત્પાદન અને વેચાણની વિગતોના યોગ્ય રેકોર્ડ પણ તેમણે નિભાવવાના રહેશે એ બાબતે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં બાયોડિઝલ નીતિ અંગેનું વિગતવાર પ્રેઝન્ટેશન અન્ન, નાગરિક પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદે પ્રસ્તુત કર્યુ હતું.