સુરતને હવે ડાયમંડ સીટીની સાથે ફ્રોડ સીટી તરીકે ઓળખાવા લાગે તો પણ ખોટું નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરતમાં છેતરપીંડીની ઘટનામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. લોકોને કોઈને કોઈ રીતે છેતરપીંડીનો શિકાર બનાવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને ઓનલાઇ ફ્રોડનો ભોગ લોકો વધુ બની રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગઠીયાઓએ બેંકમાં રુપિયા ભરવા ગયેલા રત્નકલાકારને રૂમાલમાં કાગળની નોટો પધરાવી 30 હજારની છેતરપિંડી આચરી હતી. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને ગડ્ડી ગેંગના ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારની છે જ્યાં ૧૯એપ્રિલના રોજ હીરાબાગ સર્કલ પાસે ગડ્ડી ગેંગના આરોપીઓ દ્વારા છેતરપીંડી આચરવાની ઘટના બની હતી. સવારે રત્નકલાકાર હિતેશ બેન્કમાં પૈસા ભરવા માટે ગયો હતો. બેન્કમાં રુપિયા જમા કરાવવા લાઇનમાં ઊભો હતો, તે વખતે એક ગઠિયો પાછળ ઊભેલો હતો. ગઠિયાએ હિતેશને કહ્યું કે, મારી પાસે 2.80 લાખની રકમ છે. જો કે, મને બેન્ક ખાતા નંબર યાદ નથી, મારી મદદ કર એમ કહી બહાર લઈ ગયો હતો અને વિશ્વાસમાં લઈને ખોટી નોટો પકડાવી દીધી હતી.
રત્નકલાકાર બહાર લઇ ગયા ત્યાં અન્ય એક ગઠિયો ઊભેલો હતો. બેન્કમાં મળેલા શખ્સે કહ્યું કે, આ મારો મિત્ર છે અને તેની માતા યુપીમાં રહે અને તે બીમાર છે. મારા મિત્રને પૈસાની જરૂર છે અને તેને મળવા માટે યુપી જવું છે. રત્નકલાકારને વિશ્વાસમાં લઈ રૂમાલમાં વિટાળેલા 1.80 લાખની રકમ આપી છે એમ કહીને તેની પાસેથી 30 હજારની રકમ પડાવી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
રત્નકલાકારે બેન્કમાં રુપિયા ભરવા માટે રુમાલ ખોલ્યો તો તેમાંથી કાગળની નોટો મળ્યા બાદ જાણ થઈ હતી કે મારા સાથે છેતરપીંડી કરવામાં આવી છે ત્યારે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મિતેષભાઇ રાઠોડ (રહે. કસ્તુરબા સોસાયાટી, તળાજા, જકાતનાકા, ભાવનગર), કમલેશભાઇ ઉર્ફે રાજશા સત્યનારાયણ તિવારી (રહે. રામક્રિષ્ના કોલોની પટેલનગરની બાજુમાં ગોડદરા આસપાસ) અને વિનયસિંગ અનિલસિંગ રાજપુત (રહે. પટેલ નગર રાજેશભાઇના ભાડાના મકાનમાં ગોડદરા આસપાસ) ઝડપી પાડ્યા છે.