- રાજકોટ: દાગીના પવિત્ર થતાં થશે ગઠીયાઓ કળા કરી ગયા
- ત્રણ લાખના દાગીના પવિત્ર કરવા લઈ નજર ચૂકવી નાશી ગયા : પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
ગઠિયાઓએ લોકોને છેતરવા ફરી કીમિયો શરૂ કર્યો છે.જેમાં મૂળ જસદણના અને મવડી ચોકડી નજીક બાપાસીતારામ ચોકમાં રહેતા વૃધ્ધાને મહિલા સહિત ત્રણ ગઠીયાઓએ કુળદેવીના દર્શન કરવા માટે તેના દાગીના પવિત્ર કરાવા પડશે તેમ કહી વૃધ્ધાના ત્રણ લાખના દાગીના લઈ તેમની નજર ચૂકવી ત્યાંથી નાસી ગયા હતા જે અંગે પોલીસે તેમને પોલીસ ફરિયાદ કરતા પોલીસે મહિલા સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથધરી છે.
આ અંગે મવડીમાં રહેતા જયાબેન શંભુભાઈ કલકાની એ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે સવારે ભાભી ગીતાબેન સાથે એસ.ટી. બસમાં બેસી જૂનાગઢ મરણના પ્રસંગે ગયા હતા.
ત્યાંથી એસ.ટી. બસમાં બેસી રાજકોટ પરત ફર્યા બાદ પુનિતના ટાંકા પાસે ચોકમાં બસમાંથી ઉતરી બીઆરટીએસ બસમાં બેસી મવડી ચોકડી આવ્યા હતા. ત્યાંથી પગપાળા ઘરે જતા હતા ત્યારે બાપા સીતારામ ચોકમાં અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેમને ઉભા રાખી કહ્યું કે હું રાજસ્થાનથી આવું છું અને પાવાગઢ કાળકા માના મંદિરે ગયો હતો.
આટલી વાત કર્યા બાદ પુછ્યું કે તમારા કુળદેવી ક્યા છે જેથી તેમણે ખોડીયાર માતા હોવાનું કહ્યું હતું. તે સાથે જ તે શખ્સ કહ્યું કે તમને સાક્ષાત હાથમાં દર્શન દેશે. પરંતુ તે માટે તમે પહેરેલા દાગીના પવિત્ર કરવા પડશે. આ રીતે દાગીના ન પહેરાય. તેવામાં અજાણી મહિલા ત્યાં આવી હતી. જેને દાગીના થેલીમાં નાખો અને તમે સામેના ચોકમાં જાવ એટલે તમને હનુમાન દાદાના દર્શન થશે.આ વાત સાંભળ્યા બાદ તે મહિલાએ પોતાના દાગીના તે શખ્સની થેલીમાં નાખી દીધા બાદ સામેના ચોકમાં જઈ પાછા આવી કહ્યું કે મને હનુમાન દાદાના દર્શન થયા છે. એ સાથે જ તે શખ્સ તેમને પણ પોતાના દાગીના થેલીમાં નાખી અજાણી મહિલાને આપી દેવાનું કહ્યું હતું. સાથો સાથ એવી સુચના પણ આપી કે તમે ચાર ચોક સામે જુઓ, બીજું કંઈ જોતા નહીં, તો જ તમારા કુળદેવીના દર્શન થશે અને તમારા દાગીના પવિત્ર થશે. આ વાત સાંભળી તેમણે હાથમાં પહેરેલ સોનાની ચાર બંગડી, કાનમાં પહેરેલી બુટી, આંગળીમાં પહેરેલી બે વિંટી થેલીમાં નાખી તે મહિલાને આપી દીધી હતી.તે સાથે જ તે શખ્સ હરીઓમના જાપ શરૂ કર્યા હતા. પોતે ચોકમાં જતા રહ્યા હતા. એક મિનિટ બાદ પાછુ વળીને જોયું તો અજાણી મહિલા અને અજાણ્યો શખ્સ તેમના દાગીના લઈ ગુમ થઈ ગયા હતા. જેથી તેને રાજકોટ તાલુકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી અત્યારે તેમની શોધખોળ શરૂ કરી છે.