લદાખ સરહદે અને કાશ્મીર સીમાએ સખળડખળના અહેવાલોથી ભારતની ગંભીર સમસ્યાઓમાં એકનો ઉમેરો
કોરોના અને અર્થતંત્રીય કટોકટીમાં ઘેરાયેલા આપણા દેશની બેહાલી ટાંકણે જ પાકિસ્તાન-ચીનને સાંકળતી નવી મુસિબત પ્રતિ આંખ આડા કાન કરવાનું આપણા દેશને લગીરે નહિ પાલવે: રાજકીય લેખાજોખાં હાલની પરિસ્થિતિને વધુ કથળાવવાની ડોકાતી સંભાવના !
આપણો દેશ એની કોરોનાગ્રસ્ત મુશિબતો અને અર્થતંત્રીય સમસ્યાઓથી ઘેરાયેલો છે. વરસાદ અને ચોમાસાની આખી મોસમ દરમ્યાન પાણી અને પૂર-ઘોડાપૂર, વાવાઝોડા સહિતની સંભવિત હાલાકીઓમાંથી નવરો પડતો નથી તેને કારણે તે પાકિસ્તાન, ચીન અને કાશ્મીર-લડાખને સાંકળતા સ્ફોટક સળવળાટ પ્રત્યે બે ધ્યાન રહ્યો છે.
ભારતમાં અને વિશ્ર્વના અન્ય દેશોમાં સતત બનતી રહેલી ગંભીર કે વધુ ગંભીર ઘટનાઓ તરફ આપણા સત્તાધીશો કાંતો ઉપેક્ષિત બન્યા છે. અથવા એને માટે સમય મળ્યો નથી!
બદલતા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રવાહો વચ્ચે આપણા દેશની આવી બેહાલી તરફ બેધ્યાન રહેલુ એ અમંગળ એંધાણ ગણાશે!
પાકિસ્તાનનો જન્મ સાંપ્રદાયિક ભૂમિકા ઉપર થયો છે. મહમદઅલી જિન્નાહના નેતૃત્વ હેઠળના મુસ્લીમ લીગ પક્ષની કટ્ટર જીદ અને અમે હિન્દુઓ સાથે રહી શકીએ તેમ નથી. અમને હિન્દુસ્તાનનું વિભાજન કરીને મુસ્લીમ કોમ માટે અલગ દેશ પાકિસ્તાન આપો એવી કટ્ટર જીદ સાથેની માગણીના આધારે પાકિસ્તાનનો જન્મ થયો હતો. મહાત્મા ગાંધી આ દેશના વિભાજનના સખ્ત વિરોધી હતા તેમ છતાં તે વખતના અંગ્રેજી રાજની રાજકીય લુચ્ચાઈના કારણે હિન્દુસ્તાનના ભાગલા થયા હતા.
ભારત-પાકિસ્તાનની વચ્ચે કોઈને કોઈ કારણોસર લશ્કરી યુધ્ધો થઈ ચૂકયા છે. એમાં પાકિસ્તાનની બુરી રીતે હાર થઈ છે. અને ભારતીય લશ્કરનો શાનદાર વિજય થયો હોવાનું આખી દુનિયા જાણે છે.
ઓછામાં પૂરૂ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કટ્ટરવાદી આતંકીઓનાં સામનો કરવામાં ભારતને પૂરેપૂરો સાથ આપવાની જાહેરાત કરી છે.
ભારતીય અને ચીની સેના વચ્ચે લદાખ ક્ષેત્રમાં તણાવને લઈને વિદેશ મંત્રાલયે મોટુ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયએ કહ્યું કે, ભારતીય સૈનિક સરહદ ક્ષેત્રથી સારી રીતે પરિચિત છે. ચીની સૈનિકોએ ભારતીય ટુકડી દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં વિઘ્ન પાડયું છે.ભારતીય સૈનિક ભારતની સરહદની અંદર ગતિવિધિઓ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસતવે કહ્યું કે, બંને પક્ષ વાતચીત કરી રહ્યા છે. અમે ચીનની સાથે લાગેલી સરહદ પર શાંતિ બનાવી રાખવા માટે પ્રતિબધ્ધ છીએ.
આ દિવસોમાં ચીન દ્વારા ભારત અને ચીન લદાખ બોડરે વચ્ચે તનાવ ચાલી રહ્યો છે. જે થોડો સમય પહેલા ડોકલામમાં બહાર આવવા જેવો જ હતો. ચીની બાજુથી પેંગોગ તળાવ નજીક તંબુ ગોઠવવામાં આવ્યા છે. ભારતે પણ ત્યાં તંબુ મૂકયો છે. અને યોગ્ય જવાબ આપવા તૈયાર છે.
પાકિસ્તાનઅને ચીન, એ બંને પેદા થયા તે વખતથી ભારતના શત્રુઓ જ રહ્યા છે. અને ભારતને રંજાડવાની કે ભારતના અર્થતંત્રને તેમજ ભારતની આંતરિક શાંતિને ડખોળવાની કોઈ તકને જવા દેતા નથી.
પાકિસ્તાન સાથેનાં યુધ્ધો અને ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના સુત્રો વચ્ચેય ભારત અચાનક ઉપર ચઢાઈ કરવાના વખતથી હમણા સુધી તેમની ભારત વિરોધી અવળચંડાઈ ચાલુ જ રહ્યા છે.
કોરોનાના ફૂંફાડા અને અર્થતંત્રીય ખાનાખરાબીનાં હાલના સ્થિતિ-સંજોગો વચ્ચેય તેમની શત્રુતા જેમની તેમ રહી છે. ભારતે હરપળે સાવધાન રહ્યા વિના છૂટકો નથી ગમે તેવી ગફલત ભારત પસ્તાવો કરવો પડે તેવી નીવડે તેમ છે!