કોરોના કાચિડાની જેમ “કલર” બદલી રહ્યો છે… એક પછી એક નવા વેરીએન્ટ સામે આવી રહ્યા છે. ઘણાં દેશો કોરોનાની બીજી તો ઘણા દેશો ત્રીજી લહેરમાં સપડાયા છે. ભારતમાં પણ હવે ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. પરંતુ ભારતમાં બીજી અને ત્રીજી લહેર એક સાથે ચાલુ જ તેમ ઘણાં નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો છે. તેમણે ખુલાસો કરતા કહ્યું કે ભારત ઉપરાંત ઘણાં દેશો સમન્વયી લહેરની ઝપેટમાં આવ્યા છે. એમાં પણ કોરોના આવ્યો એ તો ઠીક છે પણ એમાંથી મુક્ત થયા બાદ પણ તેની જે અસર રહી જાય છે તે હાલ એક મોટી ચિંતાનું કારણ બની છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ 87 % એવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે કે જેઓમાં હજુ કોરોનાનો ઓછામાં ઓછું એક લક્ષણ હોય. અને આ લક્ષણો આશરે 2 થી 3 મહિના સુધી રહે જ છે.
સાજા થઈ ગયા બાદ પણ કોરોના કેડો મૂકતો નથી; નેગેટીવ રીપોર્ટ પછી પણ 87 ટકા દર્દીઓમાં જોવા મળ્યા લક્ષણો
વાયરસ બહાર નહીં, અંદર જ છે…કોરોનાગ્રસ્ત થયા પછી તેની આડઅસરોને દૂર કરવામાં લાગતો સમય ઘણો લાંબો, સારવારની જરૂરિયાત વધી
એટલે જ તો કહેવાય છે કે વાયરસ બહાર નહીં પણ આપણી અંદર જ છે… કોરોના શરીરમાંથી ચાલ્યા ગયા બાદ પણ તેની અસર છોડી જાય છે. અને આના કારણે જ કોરોના દર્દીઓની સારવાર માટે જેમ બેડ સહિતની હોસ્પિટલની સુવિધાની વધુ માંગ ઉભી થઈ હતી એમ હવે આવા નેગેટિવ રિપોર્ટ વાળા દર્દીઓની સારવાર માટે પણ બેડ ઉભી કરવાની જરૂરિયાત વધી છે. નિષ્ણાંતોના મતાનુસાર, કોવિડ પછીની ગૂંચવણોની સૂચિ વધતી જાય છે. મુંબઇમાં તો ખાનગી અને સરકાર સંચાલિત હોસ્પિટલોને કોવિડ પછીના પુનર્વસન માટે વિશિષ્ટ ઓપીડી શરૂ કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે.
ધ જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન દ્વારા તાજેતરમાં ઇટાલીના રોમમાં ગેમેલી યુનિવર્સિટી અને તેની એક હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવેલ એક અભ્યાસ પ્રકાશિત કર્યો હતો. હોસ્પિટલમાં ઓપીડીની મુલાકાત લેતા 143 કોવિડ પોસ્ટ દર્દીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ વિશ્લેષણમાં બહાર આવ્યું કે કોવિડ-19 માંથી બેઠાં થયેલા 87..4 ટકા દર્દીઓને કોઈ ને કોઈ લક્ષણ જોવા મળ્યા છે. ઓછામાં ઓછું એક લક્ષણ નોંધ્યું છે. જે લગભગ બેથી ત્રણ મહિના સુધી જોવા મળે છે. આ પ્રકારને નિષ્ણાંતોએ લોંગ કોવિડ નામ આપ્યું છે. એક વ્યાપક અધ્યયનમાં, સેંટ લૂઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનકારોએ શોધી કાઢયું છે કે કોવિડ-19થી બચી ગયા હોય જેઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે એટલા બધા માંદા પણ નથી, છતાં તેઓને નિદાન પછીના છ મહિનામાં મૃત્યુનું જોખમ વધારે છે.
સંશોધનકારોએ કોવિડ -19 સાથે સંકળાયેલ અસંખ્ય રોગોની કટલોઝ તૈયાર કરી છે. જેમાં હૃદયરોગ, કિડની બીમારી વગેરે જેવા રોગનો સમાવેશ છે. કોવિડ -19ની લાંબા ગાળાની ગૂંચવણોનું મોટું ચિત્રણ આપ્યું અને આવનારા વર્ષોમાં આ રોગ વિશ્વની સમગ્ર વસ્તી પર મુકાય તેવી ભીતી વ્યક્ત કરી છે. આ અભ્યાસમાં યુ.એસ. ડેટાબેસમાં 87 હજારથી વધુ કોવિડ દર્દીઓ પર અભ્યાસ કરાયો છે.