દેશભરમાં કોરોનાની બીજી લહેરને રોકવા માટે ઘણા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારોએ લોકડાઉન, કર્ફયુ જેવા નિયમો લગાવ્યા છે. આ સાથે ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા માટે રાત્રિ કર્ફ્યૂ સહિતના જુદા જુદા પ્રતિબંધ લગાવ્યા છે. આ બધી પાબંધી વચ્ચે અમદાવાદમાં રાત્રે નકલી પોલીસનો ત્રાસ જોવા મળ્યો છે.
રાજ્યભરમાં કર્ફ્યૂનું પાલન કરાવવા માટે પોલીસ ખડે પગે ફરજ બજાવી રહી છે. ત્યારે અમદાવાદમાં ઠગાઈ કરવા માટે નકલી પોલીસનો ત્રાસ જોવા મળ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં નકલી પોલીસે યુવકને રાત્રિ કર્ફ્યૂમાં લૂંટ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક કર્ફ્યૂ દરમિયાન રાત્રે બહાર નીકળ્યો હતો, નકલી પોલીસે તેને પકડી 188 ની કલમની ધાક આપી રૂપિયા પડાવવાનું કાવતરું કર્યું હતું.
આ બાબતની જાણકારી પોલીસને થતા તેને તાપસ હાથ ધરી હતી. આ મામલાની તાપસમાં બે શખ્સનું નામ સામે આવ્યું, તેમાંથી પોલીસે પ્રદીપ મોરે નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રદીપની પુછપરછ કરતા તે TRB નો જવાન હોવાનું સામે આવ્યું છે. બીજો શખ્સ જે ફરાર છે, તેની શોધખોળ અત્યારે ચાલુ છે.