સિલેકટ થયેલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન ઝળકાવવાની તક
મહાનગરપાલિકા તથા સ્વિમિંગ એસોસીએશનના સંયુકત ઉપક્રમે શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગર ખાતે ગુજરાત સ્ટેટ એકવેટીકસ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી ૨૦૦ જેટલા સ્વીમર્સોએ ભાગ લીધેલ હતો. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસીએશનના ઉમેશભાઈ રાજયગુરુ તથા ફીના ટેકનીકલ સ્વીમીંગ કમિટીના વાઈસ ચેરમેન વિરેન્દ્ર નાણાવટી ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં રાજકોટ સ્વિમિંગ એસોસીએશનના પ્રમુખ ઉમેશ રાજયગુરુએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાંથી ઈન્ટર ડિસ્ટ્રીકટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહિંયાથી સિલેકટ થયેલા ખેલાડીઓને નેશનલ કક્ષાએ મોકલવામાં આવશે. અમે ઓલ ઈન્ડિયા કક્ષાએ પણ રજુઆત કરી છે કે રાજકોટમાં ખુબ જ સારા સ્વીમીંગ પુલની સુવિધા હોવાથી નેશનલ કક્ષાની હરીફાઈ પણ યોજાઈ. રાજકોટમાં સ્વિમિંગ એકેડેમી ચાલે છે. ઘણા સારા સ્વિમિંગ પુલો પણ થઈ ગયા છે. મહિલાઓ માટે પણ અલગથી સ્વિમિંગ પુલ ગુજરાતમાં ફકત રાજકોટમાં ચાલે છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી જયારે તરણવીરો આવે છે ત્યારે તેઓ પણ ખુબ ખુશ થઈને અહીંથી જતા હોય છે. સ્વિમિંગ એસોસીએશનો પોતાનો પુલ કયાંય નથી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ અમને ખુબ સારી જગ્યા ફાળવી છે જયાં અમે અમારો પોતાનો સ્વિમિંગ પુલ બનાવવા જઈ રહ્યા છીએ જે પૂર્ણતાના આરે છે. રાજકોટનું પરફોમન્સ રાષ્ટ્રીય લેવલ ખુબ સારું થાય તો માટે એસોસીએશન હંમેશા પ્રયત્નશીલ રહે છે.
વધુમાં ઈન્ટરનેશનલ પ્લેયર માના પટેલ જે અમદાવાદના સ્થાનિક છે તેમણે જણાવ્યું હતું કે, તે છેલ્લા ૮ વર્ષથી પ્રોફેશનલ સ્વિમિંગ કરે છે તે ૨૦૧૩ થી લઈને અત્યાર સુધીની ભારતની ફાસ્ટેડ બેક સ્ટોકર મહિલા છે. તેઓ ભવિષ્યમાં આવતા વર્ષ યોજનારી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવાના છે તે માટે હાલ તે ખુબ હાર્ડ ટ્રેનીંગ કરી રહ્યા છે. અત્યારે જમાનો ઘણો બદલાઈ ગયો છે. જયાં ફિલ્ડ પહેલા ફકત પુરુષો જ હતા ત્યાં હવે મહિલાઓનું વર્ચસ્વ પણ વધી રહ્યું છે. વેટ લિફટીંગ જેવી રમતમાં મીરાબાઈએ ગોલ્ડ મેડલ દેશ માટે જીત્યો આ રીતે મહિલાઓ પણ હવે સ્પોર્ટમાં ઘણી આગળ વધી રહી છે.
ઈન્ટરનેશનલ પ્લેયર જીગર ઠકકરે જણાવ્યું હતું કે, તે છેલ્લા ૧૨ વર્ષથી સ્વિમિંગ કરે છે. નેશનલ લેવલે તેમને ૧૩ ગોલ્ડ મેડલ, ૧ સિલ્વર મેડલ તથા ૧ બોન્ઝ મેડલ મેળવેલ છે. ૨૦૧૭-૨૦૧૮માં જર્મની ખાતે વર્લ્ડ સીરીઝમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મન કી બાતમાં પણ મારી સિઘ્ધિઓનો ઉલ્લેખ કરેલ છે તે મારા માટે ખુબ ગર્વની વાત છે. તેમનું ભવિષ્યનું લક્ષ્ય જણાતા એસીશન ગેમમાં પસંદગી પામ્યા છે. તેમાં મેડલ મેળવવાની તથા પેરા ઓલ્મિપીકમાં પણ મેડલ મેળવવાનું તેમનું લક્ષ્ય છે. વધુમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્વિમિંગ એસોસીએશન તથા કોચનો ખુબ આભાર વ્યકત કરું છું. જેના થકી હું આટલું આગળ આવી શકયો.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસને લઈને ઉત્સાહી કામગીરી કરવામાં આવે છે. ખાસ તો રાજકોટ એક માત્ર એવું શહેર છે જેમાં મહિલાઓ માટે અલગ સ્વીમીંગ પુલ છે. સાથો સાથ રાજકોટ રેસકોર્સમાં ઈન્ડોર સ્ટેડિયમ ઉપરાંત ફુટબોલ, હોકી તમામ ગેમ માટે ખુબ જ સુંદર કોપ્લેકસ છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બાળકો સ્પોર્ટસ ગેમમાં ભાગ કેમ લઈ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત રહી છે. ખાસ તો ધનસુખભાઈએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, ખેલાડીઓમાં ઉત્સાહ હોય તો જ તમામ કાર્ય શકય બને. ઉપરાંત મુખ્યમંત્રી બાદ વડાપ્રધાન બનેલ નરેન્દ્રભાઈ મોદી કે જેમણે ખેલ મહાકુંભ શરૂ કરાવ્યું. જેથી આજરોજ ગુજરાતનો ખેલાડી ક્રિકેટ ઉપરાંત એથ્લેટિકસમાં પણ એટલો જ આગળ જોવા મળે છે. ખાસ તો ઓલમ્પીક ગેમમાં બાળકોને ખુબ જ સારી સવલત મળી રહે છે. એ કેટેગરી ૨૫ લાખ, બી કેટેગરીમાં ૧૫ લાખ અને સી કેટેગરીમાં ૫ લાખ આમ ગુજરાતનાં બાળકોને અલગ-અલગ ઈવેન્ટમાં, સ્પોર્ટસમાં ભાગ લેવા માટે સહાય મળે તેનામાટે સરકાર તત્પર જ છે. કોઈ વિદ્યાર્થી નેશનલ લેવલ મેડલ મેળવે તો ગોલ્ડ માટે ૫ લાખ, સિલ્વર માટે ૪ લાખ અને બ્રોઝ મેડલ માટે ૩ લાખ સરકાર આપશે. આ યોજના ખુબ જ સારી છે. આ યોજનાથી વિદ્યાર્થીને પુરુ પ્રોત્સાહન મળી રહેશે. ઉપરાંત પરફોમન્સ આધારીત સહાય આપવા માટે પણ સરકાર વિચારી રહી છે. ખાસ કરીને ગુજરાતનો બાળકો રમતમાં શ્રેષ્ઠ બને તે સરકારના પ્રયાસો છે. આ તકે માના પટેલ કે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ બેક સ્ટોકર છે તેનું સન્માન મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું.
ચીફ એકસ્યુકેટીવ ઓફિસર સ્વીમીંગ ફેડ્રેશન ઓફ ઈન્ડિયા સ્વીમીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ એકસ્યુકેટીવ ઓફિસર વિરેન્દ્ર નાણાવટીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત રાજયની ૬૦મી ગુજરાત સ્ટેટ એથ્લેટીક ચેમ્પીયનશીપ રાજકોટ ખાતે યોજાઈ રહી છે. ગુજરાતનાં લગભગ ૨૦૦ જેટલા તરણવિરો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાંથી રાષ્ટ્રકક્ષાની ટીમનું સિલેકશન થશે. સ્વીમીંગ, ડાયગીંગ, વોટરપોલો ત્રણેય ઈવેન્સની સ્પર્ધા અહીં યોજાશે. ખાસ તો રાજકોટ મહાનગરપાલિકા સ્વીમીંગને ખુબ જ પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત બે નેશનલ ચેમ્પીયનશીપ રાજકોટમાં કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મનપાનો પુરો સહયોગ રહ્યો હતો. ગુજરાત અત્યારે રમત ક્ષેત્રે ખુબ જ આગળ છે. આ વખતે ૧૮મી ઓગસ્ટે જકારતા ખાતે એશીયન ગેમ શરૂ થઈ રહી છે. તેમાં ગુજરાતમાંથી માત્ર એક ખેલાડી અંશુલ કોઠારી જઈ રહ્યા છે. ગુજરાતનું ગૌરવ છે કે ૧૧ તરણવીરો ભારતમાંથી જઈ રહ્યા છે. તેમાં ગુજરાતનાં તરણવિર પણ જઈ રહ્યા છે હવેના લોકો જાગૃત થયા છે અને ક્રિકેટ સિવાયની રમતમાં પણ રસ બતાવી રહ્યા છે.