પુત્રીના ભાગને લઈ માતૃપ્રેમને ધોકા પડયા
રાજકોટના બેટીરામપરા ગામે પુત્રીને વડિલોપાર્જીત જમીનમાંથી ભાગ આપવા મુદ્દે કોળી દંપતિને તેની પુત્રવધુ, તેની માતા, તેના ભાઈ સહિત ચાર શખ્સોએ ઝઘડો કરી ધોકાથી મારમારી ધમકી આપ્યા અંગેની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવ અંગે ફોજદાર પી.એસ.આઈ બી.પી.મેઘલાતરે વધુ તપાસ હાથધરી છે.
બનાવ અંગે બેટીરામપરા ગામે રહેતા જયાબેન સામતભાઈ ભલગામડીયા (ઉ.વ.૫૫)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં લીંબડીના ટીંબલા ગામે રહેતી પુત્રવધુ મીતલ રમેશ ભલગામડીયા, તેના મમ્મી જયાબેન ગોવિંદ મેટારીયા તેના માસી સવિતાબેન, તેના ભાઈ જયદેવ મેટારીયા વિરુઘ્ધ ધોકા વડે મારામારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
ગત તા.૧૬ના રોજ જયાબેન ભલગામડીયા (ઉ.વ.૫૫)એ પોતાના ઘરે પતિ સામતભાઈ સાથે ટીવી જોતા હતા ત્યારે લીંબડી તાલુકાના ટીંબલ ગામે માવતરે રહેતી પુત્રવધુ મીતલ રમેશ ભલગામડીયા, તેના મમ્મી જયાબેન મેટારીયા તેના માસી સવિતાબેન, તેના ભાઈ જયદેવ મેટારીયાએ આવી ‘તમે તમારી દીકરીને કેમ વડીલોપાર્જીત જમીનમાંથી એક એકર ભાગ આપો છો’ કહી ઝઘડો કર્યા બાદ વેવાણ જયાબેન તથા સવિતાબેને કોળી દંપતીને ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કોળી દંપતિને માથામાં લોહીયાળ ઈજા થતા પાડોશીએ વધુ મારથી છોડાવી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બી.પી.મેઘલાતરે વધુ તપાસ હાથધરી છે.