21મી સદીના વિશ્ર્વમાં હવે ટેકનોલોજીના પરિવર્તનની સાથે પરંપરાગત ઉર્જાના વપરાશ અને તેના સ્ત્રોતમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. અત્યારે વીજળીના ઉત્પાદન માટે હાઈડ્રોકાર્બન એટલે કે પેટ્રોલ-ડિઝલનો સવિશેષ ઉપયોગ થાય છે. ક્યાંક-ક્યાંક પવન અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પેટ્રોલીયમ પેદાશોના ઈંધણથી ગ્લોબલ વોર્મિંગ અને હાઈડ્રોકાર્બન એમીશનની સમસ્યાના વિકલ્પ તરીકે વિશ્ર્વમાં હવે અણુ ઉર્જાના ઉપયોગનું ચલણ વધ્યું છે ત્યારે ખરબો ડોલરના અણુ પાવર પ્લાન્ટના ધંધાને હસ્તગત કરવા વિશ્ર્વની મહાસત્તાઓ વચ્ચે હરિફાઈ ઉભી થઈ છે. ભારત-અમેરિકા વચ્ચે થયેલા અણુ સંધીના કરારોની સામે રશિયા અને ચીને સૌથી મોટા ન્યુક્લીયર પાવર પ્રોજેકટ પર 19મી મે એ હસ્તાક્ષર કર્યા હતા.
રશિયા અને ચીન સાથે મળીને ન્યુક્લીયર એનર્જી પ્રોજેકટની સૌથી મોટી પરિયોજના સાથે કામ કરશે. મોસ્કોના સહયોગથી ચીનમાં બે પાવર પ્રોજેકટ અને બે રશિયામાં ઉભા કરવામાં આવશે. બુધવારે ચીનના વિદેશ મંત્રીના પ્રવકતાએ આ સમાચાર જાહેર કર્યા હતા. જિનપીંગ અને પુતીને વિડીયો લીંકથી આ સંધી કરી હતી.
ચીન અને રશિયાએ 2018માં બન્ને દેશોના સહયોગથી 7 થી 8 પરિયોજના ઉભી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં તૈનવાન ન્યુક્લીયર પાવર પ્લાન્ટ અને જુડેપુ પાવર પ્લાન્ટના કુલ 7 થી 8 કેન્દ્રો ઉભા કરવામાં આવશે. તૈનવાન ન્યુક્લીયર પ્રોજેકટ ચીનના જિયાંગશું પરગણાના લીયાનયુગેગ શહેર નજીક અને જુડેપુ, જિગચેંગ શહેર નજીક ઉભુ કરવામાં આવશે.
રશિયા અને ચીન પોત પોતાના દેશમાં 2-2 ન્યુક્લીયર પાવર પ્રોજેકટ ઉભા કરશે. ચીનના બન્ને પ્રોજેકટમાં પાવર પ્રોજેકટને લગતા માલ-સામાન અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધનનું કાર્ય કરવામાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ભારત વચ્ચે થયેલા પાવર પ્રોજેકટને લઈને ગુજરાતના સુરતના કાંકરાપોરમાં અણુ પાવર પ્રોજેકટનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેકટમાં ચીનના પ્રોજેકટમાં તૈયાર થનારા સ્પેર પાર્ટસ ઉપયોગી થશે. ગુજરાતમાં ઉભા થનારા પાવર પ્રોજેકટ માટે અમેરિકા, જાપાન અને જર્મનીથી સ્પેર પાર્ટસ મંગાવવાના બદલે ચીનના એનર્જી પ્લાન્ટમાંથી ભારતની જરૂરીયાત પૂરી થઈ શકે.
રશિયા અને ચીન દ્વારા સંયુક્ત રીતે 4 એકમો ઉભા કરવામાં આવી રહ્યાં છે જેનો હેતુ કાર્બનડાયોકસાઈડનું પ્રમાણ વાતાવરણમાં ઘટાડવા અને બન્ને દેશોના સહયોગથી એક નવી ધરી ઉભી થશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ચીન અને રશિયા દ્વારા પોત-પોતાના પાવર પ્રોજેકટની સફળતા માટે અમેરિકા અને યુરોપીન દેશોની નારાજગી નજર અંદાજ કરવામાં આવી રહી છે.વિશ્ર્વમાં અત્યારે અણુ પરિયોજનાની આવશ્યકતા ઉભી થઈ છે. અમેરિકા અને ભારતના અણુ કરારો સામે ચીન અને રશિયાએ હાથ મિલાવ્યા છે.
વિશ્ર્વભરના દેશોમાં અણુ પાવર પ્રોજેકટ અને અણુ ટેકનોલોજીના વિકાસ માટે એક હોડ જામી છે જેમાં ભારત પણ એક મહત્વની તકો ધરાવતો દેશ બન્યો છે. અમેરિકાએ ભારત સાથે અગાઉ જ સફળ સંધી કરી લીધી હતી અને ગુજરાતમાં અમેરિકાના સહયોગથી સુરત નજીક અણુ ન્યુક્લીયર પાવર પ્રોજેકટ પ્લાન બની રહ્યો છે. આગામી દિવસોમાં દુનિયામાં ઉર્જાની જરૂરીયાત પૂરી કરવા પેટ્રોલ-ડિઝલના વપરાશના બદલે યુરોનિયમ આધારીત વીજ ઉત્પાદન કેન્દ્રોનો દબદબો ઉભો થશે. ગુજરાતમાં આ અંગે બહુ મોટી તકો અને આગોતરા આયોજન થઈ રહ્યાં છે. સુરત નજીકનો ગુજરાતનો પાવર પ્રોજેકટના વિકાસ માટે ચીનના આ બન્ને પ્રોજેકટ સ્પેર પાર્ટની આયાત માટે ઉપયોગી બની શકશે. આવનાર દિવસોમાં અણુ પાવર પ્રોજેકટના વિકાસના યુદ્ધમાં પણ ગુજરાત કેન્દ્રમાં રહે તેવું દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં સુરત કોંકરાપારમાં એટોમીક પાવર પ્રોજેકટ
ભારત-અમેરિકાએ કરેલી અણુ સંધીના ફલશ્ર્વરૂપે ગુજરાતમાં સુરત નજીક એટોમીક પાવર પ્રોજેકટ આકાર લઈ રહ્યો છે. રશિયા અને ચીન વચ્ચેના અણુ કરારોમાં રશિયામાં બે અને ચીનમાં બે એટોમીક પાવર પ્રોજેકટના યુનિટો ઉભા થશે જેમાં ચીનના યુનિટમાં એટોમીક પ્રોજેકટના સ્પેર પાર્ટસ અને ચીજવસ્તુનું ઉત્પાદન થશે. ગુજરાતના સુરત નજીકના અણુ પ્રોજેકટમાં ચીનના સ્પેર પાર્ટસ કામ આવશે. આવનાર દિવસોમાં ગુજરાતમાં એટોમીક પ્રોજેકટ વિશ્ર્વ માટે મહત્વના બની રહેશે.