વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નીકટતા ધરાવતા એવા ગુજરાત કેડરના સિનિયર સનદી અધિકારી એ.કે. શર્માની સ્વૈચ્છિક નિવૃત્તિ: યુપીના રાજકારણમાં પ્રવેશ કરે તેવી સંભાવના
સરકારી નોકરોમાં જાણે નેતા બનવાની હોડ જામી હોય એમ એક પછી એક ઉચ્ચ અધિકારીઓ પોતાના હોદાના લીધે મોટા ગજાના નેતાઓના સંપર્કમાં આવ્યા બાદ તેમના વિશ્વાસુ બનીને રાજકારણમાં પ્રવેશી રહ્યા છે. આવું જ ગુજરાત કેડરના એક સિનિયર સનદી અધિકારીએ પણ કર્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટ સબંધ ધરાવે છે અને તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને રાજકારણમાં પ્રવેશવાની તૈયારીઓ આરંભી દીધી હોવાના અહેવાલો મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અને ૧૯૮૮ બેન્ચના ઈંઅજ એ.કે.શર્માએ તેમના દિલ્હીના સેક્રટરી તરીકેના ડેપ્યુટેશન પરથી સોમવારે જ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી છે. હવે તેઓ ઉત્તરપ્રદેશમાં રાજકારણમાં જોડાશે તેવું સૂત્રોનું કહેવું છે. તેઓ ઉત્તરપ્રદેશ ભાજપના નેતા થશે અને ત્યાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શકયતા ટોચના સૂત્રોએ વ્યકત કરી છે. જોકે હાલના તબક્કે પ્રાથમિક જાણકારી પ્રમાણે શર્મા વડાપ્રધાન મોદીની ગુડબુકમાં હોવાથી તેમને ચોક્કસ મિશન સાથે જ રાજકારણમાં ઉતારવામાં આવ્યા છે. જો કે તેમના રાજકારણના પ્રવેશે સૌ અધિકારીઓને ચોંકાવી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં એ.કે. શર્મા ફરજ બજાવતા હતા. આ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થતા તેમને દિલ્હી લઇ ગયા હતા. દિલ્હીમાં ફરજ બજાવ્યા પછી હજુ નોકરીના ૨ વર્ષ બાકી હોવા છતા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ સોમવારે જાહેર કરી છે. તેમની નિવૃત્તિ સાથે જ ગુજરાત સહિત દેશભરના આઇએએસ-આઇપીએસ લોબીમાં ચર્ચાનું કેન્દ્ર તેઓ બની ગયા છે. જો કે, આ મુદ્દે ભાજપના સુત્રોનું એવું કહેવું છે કે, ઉત્તર પ્રદેશમાં બે બે નાયબ મુખ્યમંત્રી છે, આમ છતા હજુ જોઇએ તેવું પરિણામ મળતું ન હોવાનું કેન્દ્રિય મોવડી મંડળનું માનવું છે.
યુપીમાં કેશવ પ્રસાદ મોર્ય અને ડો.દિનેશ શર્મા એમ બે નાયબ મુખ્યમંત્રી છે અને બંન્ને ભાજપના જ છે. આમ છતા એે.કે.શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવશે તેવું સુત્રોનું કહેવું છે. હવે એ.કે.શર્માને ત્રીજા નાયબ મુખ્યમંત્રી બનાવશે કે પછી હાલમાં જે ૨ નાયબ મુખ્યમંત્રી છે તેમાંથી એકને હટાવશે કે શું કરશે તેના પર સૌની મીટ છે.