એક એવો દેશકાળ હતો કે જયારે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલી યુનિવર્સિટી ભારતમાં સ્થપાઇ હતી. તક્ષશિલા નામની આ યુનિવર્સિટીમાં સમગ્ર વિશ્વના દેશોમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના વિષયોનાં ભણતર ભણવા આવતા હતા. આ ઉપરાંત, નાલંદા વિદ્યાપીઠ પણ વિવિધ વિષયોના વિદ્યાભ્યાસ માટે દેશ દેશાવરમાં પંકાઇ હતી. રાજનીતિરીતા અને અર્થશાસ્ત્ર સહિત પ્રથમ પંકિતના મહામુત્સદ્દીફ તરીકે નામના પામેલા ચાણકય પણ એના જ ફરજંદ હતા.
શ્રીકૃષ્ણ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં અજોડ વિદ્યા પામ્યા હતા. એ અરસામાં અને અત્યારે પણ એવું મનાય છે કે કોઇપણ દેશનું ભવિષ્ય તેના શિક્ષણની ગુણવતા પર નિર્ભર હોય છે.
અત્યારે દેશમાં પ્રાથમીક શિક્ષણ વિષે વિચાર કરીએ તો એવો ખ્યાલ ઉપસે છે કે પ્રાથમીક શાળામાં ભણતા બાળકોને ભણતર કંટાળાજનક અને બોજરૂપ લાગે છે, વાસ્તવમાં પ્રાથમીક શિક્ષણ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપનારું, સર્જનાત્મક અને બાળકના વ્યકિતત્વનો સંપૂર્ણ વિકાસ તે પ્રકારનું હોવું જોઇએ.
એમ કહેવાય છે કે બાળકોને રમતાં રમતાં મોટાં કરી દે, તેનું નામ રમકડું, અને બાળકોનો ખેલતાં-કૂદતા વિકાસ સાધી દે તે ખરૂ ભણતર ! જો કે બાળકોનો આ પ્રકારે સર્વાગી વિકાસ સાધવો, અને તેઓ હોંશે હોંશે ભણતર ભણે, સવાલો પૂછે અને જીજ્ઞાસાઓને સંતોષે એવું તેમનામાં પરિવર્તન લાવવું એ કપરાં ચઢાણ જેવું છે, અવિચારી સરકારી નિયંત્રણો તથા કોર્ટના ચૂકાદાઓ ભણતરની સાહજિકતાને તથા સ્વાભાવિકતાને જટિલ બનાવે છે.
આઇઆઇટીએસ અને આઇઆઇએમએસ જેવી સંસ્થાઓમાં ઉતકૃષ્ટ ગુણવત્તાઓ હોય છે. પરંતુ સમગ્ર શિક્ષણ જગતમાં તે છૂટાછવાયા ટાપુ સમાન બની રહે છે.
દેશના શિક્ષણમાં સર્વ સ્તરોએ ગંભીર ઉણપો રહેલી છે. દેશમાં ઉત્તમ શિક્ષણ સંસ્થાઓની ભારે અછત હોવાનો અજંપો અનુભવાય છે. એમાં પણ વિશ્વસ્તરની સંસ્થાઓ તો જૂજ હોવાનું કલંક પણ આપણા દેશની આબરૂ પર કૂઠારાઘાત કરે છે.
બહુવિધ નિયંત્રણ સત્તા તંત્રો આપણી શાળાઓ અને કોલેજોની ગુણવત્તા વિષે નિર્ણય લ્યે છે. આ સંસ્થાઓ આધુનિક શિક્ષણની માગણીઓ સાથે તાલ મિલાવી શકતી નથી.
આપણી શાળાઓ, કોલેજો, કોલેજો અને આઇઆઇટીમાં ગુણવાન શિક્ષકોની અછત છે તેનો અર્થએ છે કે જે વિદ્યાર્થીઓએ અતિ વિકટ પરીક્ષાઓ પસાર કરી હોય તેમને જ તેઓ લાયક ગણે છે. એનું પરિણામ એ આવે છે કે, લાયકાતવાળા શિક્ષકો મળતા નથી અને નોકરીની તકોથી તેઓ વંચિત રહે છે અને શિક્ષકોની તંગી રહ્યા કરે છે. આ ઉપરાંત ટેકનીકલ અને વ્યવસાયી સંસ્થાઓમાં સંબંધીત વિષયોની લાયકાત ધરાવતા શિક્ષકોની અછતને કારણે એમની માગણી તો ઊભી ને ઊભી રહે છે. અને એ પૂરી કરવા જાહેરાતોનું પુનરાવર્તન કરતાં રહેવું પડે છે !
ભારતના વિકાસ પાછળ, અર્થતંત્ર અને તેના પછીના નવા ક્ષેત્રોમાં વિસ્તરણની માંગને આ ટેકનિકલ અને વ્યવસાયી સંસ્થાઓ સંતોષી શકતી નથી.
હાલની પરિસ્થિતિની હકિકતો જોઇએ તો શાળા અભ્યાસ પૂરો કરનાર નવ બાળકોમાંથી એક જ કોલેજ સુધી પહોંચે છે.
વિશ્વમાં ભારત ઉચ્ચતર શિક્ષણમાં વિદ્યાર્થીઓનો સારી પેઠે નીચો આંક ધરાવે છે, અને તેમાં માતબર સુધારા માટે જંગી રકમની જરુર રહે છે. સરકાર એના બહુ નાનકડા હિસ્સો જ ફાળવે છે. એવી ટકોર થતી રહે છે.
માનવજાત અજબ જેવી છે!
એનો ઇતિહાસ પણ અજબ જેવો છે!
એની દુનિયા અને એની સંસ્કૃતિ આશ્વર્ય પમાડે તેવાં છે!
કોઇપણ દેશની ઉન્નતિ-અવનતિનો આધાર એની સંસ્કૃતિ, સંસ્કાર અને શિક્ષણ (કેળવણી) ઉપર અવલંબે છે!
આપણા દેશની વસ્તી એક અબજ અને વીજ કરોડથી વધારે છે. બીજી રીતે કહીએ તો બે અબજ અને ૪૦ કરોડ હાથ ધરાવતો આ દેશ છે. એમની ટચલી આંગળીઓને કામે લગાડાય તો આ દેશની ઉન્નતિ અનેક ગણી થઇ શકે ?
લોકસભાની ચુંટણીના વાયરા વાતા થયા છે. આ સદીના શેષ સમયને સુવર્ણયુગના સમયમાં પરિવર્તિત કરવાની તમન્ના આ દેશની પ્રજા સેવતી રહી છે! પરંતુ આ દેશના શિક્ષણ ક્ષેત્રે બેસુમાર અરાજકતા પ્રવર્તે છે અને તેનાં અહીં ઉપર દર્શાવ્યું છે તેમ ઘણાં કારણો છે. કોઇપણ રાષ્ટ્રને શિક્ષણ ક્ષેત્રે બેસુમાર અરાજકતા પ્રવર્તતી રહે તે ન જ પાલવે. રાષ્ટ્રના અપેક્ષિત વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રની અરાજકતાને નેસ્તનાબુદ કરવાનું અનિવાર્ય બને છે, અને એવું કરી બતાવે એવા ‘સો-હજારમાં એક’ સમો સરસ્વતિ પુત્ર માતૃભૂમિ માગે છે. ‘કળિયુગમાં સતયુગનો સૂરજ ઊગાડી બતાવે’ એવા ઇતિહાસ પ્રસિઘ્ધ સમ્રાટ અશોકનો આ દેશને ખપ છે… તેણે અસંખ્ય લડાઇઓ કરી અને જીતી. એ અજય રહ્યો અને ગૌતમ બુઘ્ધને શરણે જઇને તેણે સમ્રાટપદને તિલાંજલી પણ આપી… તેણે મહોયોઘ્ધાનો ‘તાજ’ પણ પહેર્યો અને સમર્પણ ભીના ‘મહાત્યાગ’ની ભભૂતિ પણ લગાડી ! રાજપાટ છોડી દીધાં અને તથાગત બુઘ્ધને શરણે જઇને ‘ધમ્મં શરણમ ગચ્છામિ ’ના મંત્રોચ્ચાર સાથે આ ફાની દુનિયાથી તથા આ માતૃભુમિ વિદાય લીધી!
સમ્રાટ અશોક જેવો મહાયોઘ્ધો આ દેશને લોકસભાની ચૂંટણી પહેલા કે તુરંત બાદ સાંપડે તો તે આપણી બધાની સદનશીબી લેખાશે નહિતર અધ:પતન નિશ્ચીત ! શિક્ષણક્ષેત્રે અરાજકતા અને લોલેલોલ કયાં સુધી ચાલવા દેવાશેએ સવાલ મહત્વનાં છે.