દિલ્હીથી આવેલી કેન્દ્રીય આરોગ્ય અધિકારીઓની ટીમે સિવિલ હોસ્પિટલની કામગીરીનો તાગ મેળવ્યો
કેન્દ્રીય આરોગ્ય ટીમ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મુલાકાત કરીને શહેર-જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરશે
નીરજ ધીંગર, વાય.સી.પોરવીન, આર.કે.મહાજન અને અનિલકુમાર સહિતના કેન્દ્રીય આરોગ્ય અધિકારીઓએ આર.ડી.ડી., મેડિકલ કોલેજ ડીન અને તબીબી અધિક્ષક સહિત જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી
શહેરમાં છેલ્લા એક માસથી પણ વધુ સમયગાળાથી ચાલી રહેલી કોરોનાની મહામારી સામે લડવા તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય અધિકારી નિરજ ધીંગર, વાય.સી.પોરવીન, આર.કે.મહાજન અને અનિલકુમાર સહિત ૧૧ અધિકારીઓ દિલ્હીથી અને ૫ જેટલા અધિકારીઓ ગાંધીનગરથી કોરોના કોવિડ વાયરસ સામે થતી સારવાર અને કામગીરીનો તાગ મેળવવા મેડિકલ કોલેજ ખાતે આવ્યા હતા. કોલેજ ખાતે રિઝનલ ડેપ્યુટી ડાયરેકટર ડો.રૂપાલી મહેતા, ડીન ડો.ગૌરવી ધ્રુવ, તબીબ અધિક્ષક ડો.મનીષ મહેતા સહિત જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી સિવિલ હોસ્પિટલની કોરોના વાયરસની સારવાર માટે શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે તેમ જણાવ્યું હતું.
કોરોના કોવિડ-૧૯નો સૌપ્રથમ રાજ્યનો કેસ રાજકોટ ખાતે ગત ૧૮મી માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારબાદ રાજ્યના ત્રણ મહાનગરો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. પરંતુ રાજકોટમાં એક માસથી પણ વધુ સમયગાળા દરમિયાન કુલ ૪૨ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું કોરોનામાં મૃત્યુ નિપજયું નથી. આ સાથે રાજકોટમાં ૧૨ પોઝિટીવ દર્દીએ કોરોનાને મહાત આપી જિંદગીની જંગ જીતી છે. ત્યારે પાંચ દિવસથી દિલ્હી ખાતેથી કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજ્યના રેડ ઝોન એવા પાંચ મહાનગરોની મુલાકાતે આવી છે. જેમાં દિલ્હીના કેન્દ્રીય આરોગ્ય અધિકારી નિરજ ધીંગર, વાય.સી.પોરવીન, આર.કે.મહાજન અને અનિલકુમાર સહિતની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ આજરોજ સવારે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે પધારી હતી. અત્રે મેડિકલ કોલેજ ખાતે દિલ્હી આરોગ્ય અધિકારીની ટીમ અને આર.ડી.ડી. મેડિકલ કોલેજ ડીન, તબીબ અધિક્ષક અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજી હતી.
આ બેઠકની સમીક્ષામાં કેન્દ્રીય આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા રાજકોટની કોરોના વાયરસ વિરુધ્ધની સારવારને બિરદાવી હતી. સાથે સાથે કેન્દ્રીય સરકારની ગાઈડ લાઈન મુજબ સારવાર થતાં રાજકોટમાં કોમ્યુનિટી સ્પ્રેડનો ફેલાવા પર કાબુ હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે કલ્સ્ટર વિસ્તાર એવા જંગલેશ્ર્વરની સમીક્ષામાં જણાવતા કહ્યું હતું કે, માત્ર શહેરના એક વિસ્તારને છોડી અને અન્ય ૨૧ સેન્ટરમાં લોકલ ટ્રાન્સમીશન દ્વારા ફેલાવા પર ઘણો કાબુ છે. આ સાથે કેન્દ્રીય આરોગ્ય અધિકારીને તેની ભવિષ્યમાં પણ સજ્જ રહેવા માટેની કામગીરીની માહિતી મેળવી જરૂરી સુચનો પણ અધિકારીઓને દર્શાવ્યા હતા.
દિલ્હીથી આવેલી કેન્દ્રીય આરોગ્ય અધિકારીની ટીમ બેઠક બાદ નવા બનેલા પીએમએસએસવાય બિલ્ડીંગમાં જ્યાં આઈસોલેશન વોર્ડ અને કોરોનાની સારવાર થાય છે ત્યાં મુલાકાત લઈ દર્દીઓને આપવામાં આવતી સારવાર તથા ફેસેલીટીસ અને આઈસીયુ સાથે આઈસોલેશન વોર્ડ અને સેમ્પલના ટેસ્ટ કરવામાં આવતી માઈક્રોબાયોલોજી લેબની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષાઓ પણ વર્ણવી હતી. આ સાથે હોસ્પિટલની મુલાકાત બાદ કેન્દ્રીય આરોગ્ય અધિકારીની ટીમ કલેકટર રેમ્યા મોહન, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ અને કોરોનાની ફરજ પર રહેલા ખાસ અધિકારી ડો.રાહુલ ગુપ્તા સાથે મુલાકાત કરી રાજકોટ શહેર અને જિલ્લાઓની કામગીરી અને સારવાર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરશે તેવું આર.ડી.ડી. ડો.રૂપાલી મહેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આ સાથે વધુ વિગત જણાવતા કેન્દ્રીય આરોગ્ય અધિકારીની ટીમે રાજકોટ શહેરની તબીબોની ટીમ અને આરોગ્ય અધિકારીઓની ટીમને ગાઈડ લાઈન પ્રમાણે કામગીરી ચાલુ રાખવા અને કોમ્યુનિટી સ્પ્રેડ વધુ ન થાય તે માટે જરૂરી સુચનો પણ આપ્યા હતા. ગર્વમેન્ટ પોલીસી પ્રમાણે કામગીરી ચાલુ રાખી સિન્ટેમીટીક સેમ્પલીંગમાં પણ વધારે ટેસ્ટ કરવા અંગે પણ જણાવ્યું હતું. રાજકોટમાં હોટસ્પોટ તરીકે જાહેર થયેલા જંગલેશ્ર્વર વિસ્તારમાં હાઈએસ્ટ સેમ્પલીંગ ટેસ્ટીંગ દ્વારા કોરોનાની ઝપેટમાં આવેલા લોકોની ભાળ મેળવી કામગીરી શરૂ કરી હતી. આ સાથે હોટસ્પોટ વિસ્તારની આસપાસના હેલ્થ વર્કર અને કામ કરતા લોકોનું પણ સેમ્પલીંગ મેળવી ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં કોરોના ૧૦૫ દર્દીઓને ભરખી ગયો
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૨૫૫૯ થઇ
ગુજરાતમાં કોરોના કોવિડ ૧૯ની મહામરીના પગલે આરોગ્યતંત્ર સહિત તબીબો પણ જંગ લડી રહ્યા છે. પરંતુ રાજ્યમાં અત્યાર સુધી એક માસના સમયગાળા દરમિયાન ૧૦૫ લોકોને કોરોનાનો વાયરસ ભરખી ગયો છે. ગઈ કાલે કોરોનાગ્રસ્ત વધુ ૧૫ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે વધુ ૧૫૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં જ વધુ ૯૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં ૩૦, વડોદરામાં ૧૪ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં લેવાયેલા ૨૧ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાએ સંકજો વિકસાવ્યો હોય તેમ ગઈ કાલે વધુ ૧૩ કોરોનાગ્રસ્ત દર્દીઓએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક ૧૦૦ને પાર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગત ૨૨મી માર્ચના રાજ્યનું પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતું. એક માસના સમયગાળામાં મૃત્યુઆંક ૧૦૦ને પાર પહોંચતા દેશમાં મૃત્યુઆંક માં ગુજરાત બીજા ક્રમે આવી ગયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૨૫૫૯ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૦૫ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભાવનગરમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. હોટસ્પોટ વિસ્તારમાં રહેતા સતારભાઇ અબ્દુલભાઇ જેઠવા ઉ.વ.૬૦નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આથી તેઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. જ્યારે બોટાડમાં બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ૭૮ વર્ષના વૃઘ્ધ અને ૪૮ વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગરમાં કુલ ૩૪ કેસ થયા છે. જેમાં પ ના મોત થયા છે. ૧૮ લોકો ડિસ્ટાર્જ થયા છે અને ૧૦ લોકો આસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. અને રાજકોટમાં ૩૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ર૮નો રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને ૯ ના રીપોર્ટ આવવા બાકી છે.