દેશનો ત્રીજા ભાગનો જોખમી કચરો ગુજરાતમાં ઉત્પન્ન થાય છે
એક વર્ષમાં દેશમાં 1.23 કરોડ મેટ્રિક ટન હાનિકારક કચરો ઉત્પન્ન થયો જેમાં 42 લાખ મેટ્રિક ટન કચરો એકલા ગુજરાત રાજ્યનો
સિક્કાની બે બાજુ હોય તેમ ગુજરાત વિકાસમાં બેસ્ટ છે.તો સામે વેસ્ટમાં પણ અવ્વલ નંબરે છે. ગુજરાતમાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોવાથી જોખમી કચરો પણ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.અહેવાલ મુજબ ગુજરાત એકલુ દેશના ત્રીજા ભાગનો જોખમી કચરો પેદા કરે છે.
વર્ષ 2021-2022માં દેશમાં પેદા થયેલા જોખમી કચરામાં 34% હિસ્સો એકલા ગુજરાત રાજ્યનો છે, જે અન્ય તમામ રાજ્યો કરતાં વધુ છે. વર્તમાન સંસદ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે 2021-22માં 42 લાખ મેટ્રિક ટન કરતાં વધુ જોખમી કચરો પેદા થયો હતો.
2020-21ની સરખામણીમાં 2021-22માં ગુજરાતમાં પેદા થયેલ જોખમી કચરામાં 31%નો વધારો થયો છે. ડેટા અનુસાર, ગુજરાતમાં 2021-22માં 42 લાખ મેટ્રિક ટન, 2020-21માં 32 લાખ મેટ્રિક ટન અને 2019-20માં 25 લાખ મેટ્રિક ટન જોખમી કચરો પેદા થયો હતો.
2021-22માં, ભારતે 1.23 કરોડ મેટ્રિક ટન જોખમી કચરો ઉત્પન્ન કર્યો હતો. આ કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો પર્યાવરણ સાથે અનેક મનુષ્ય સહિતના અનેક જીવોને હાનિ પહોંચી શકે છે.
બીજી તરફ ગુજરાતની સ્થિતિ જોઈએ તો અહીં ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ વધુ છે. જેને લીધે ભારતના અર્થતંત્રને ગુજરાત બળ પૂરું પાડે છે. પણ બીજી બાજુ જોખમી કચરાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. વધુમાં આ કચરાનો યોગ્ય નિકાલ થાય તો જ અર્થતંત્ર અને પર્યાવરણ બન્ને સરખી રીતે ચાલી શકે.