કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદ પાસેથી જીપીએસ સિસ્ટમ, કમ્પ્યુટર અને સીમ કાર્ડ સાથે બે ઝબ્બે: વાત્રાની દરગાહના સંચાલક સહિત બંને શકમંદોની જોઇન્ટ ઇન્ટ્રોગેશનમાં પૂછપરછ
કચ્છની આંતર રાષ્ટ્રીય સરહદ નજીક આવેલા વાત્રા ગામ નજીકથી જીપીએસ સિસ્ટમ, કમ્પ્યુટર અને બે સીમ કાર્ડ સાથે દરગાહના સંચાલક સહિત બે શખ્સોને ઝડપી લીધા છે. બંને શખ્સો પાસેથી કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાથી પોલીસે બંને શકમંદોને જોઇન્ટ ઇન્ટ્રોગેશન હવાલે કર્યા છે.
કચ્છના બેરડો નજીક આવેલા વાત્રા ગામ પાસેથી પોલીસે પાંચ શકમંદને ઝડપી તેની પાસેથી જીપીએસ સિસ્ટમ, એક કમ્પ્યુટર અને બે સીમ કાર્ડ મળી આવ્યા હતા. બોર્ડર રેન્જના આઈજીપી એ.કે.જાડેજા અને પશ્ર્ચિમ કચ્છના એસ.પી. મકરંદ ચૌહાણના માર્ગ દર્શન હેઠળ પૂછપરછ કરવામાં આવતા પાંચ પૈકી ત્રણ શખ્સો પાસેથી કંઇ મહત્વની વિગતો ન મળતા જવા દીધા હતા અને વાત્રા દરગાહના સંચાલક સહિત બે શખ્સો કેટલીક વિગતો છુપાવતા હોવાથી બંને શખ્સોને ક્ચ્છના જોઇન્ટ ઇન્ટ્રોગેશન હવાલે કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદ નજીક જ વાત્રા આવેલું હોવાથી અને જીપીએસ સિસ્ટમ, કમ્પ્યુટર અને સીમ કાર્ડ મળી આવતા પોલીસ સ્ટાફ પણ ચોકી ઉઠયો છે. અને ઇલેકટ્રોનિક ઉપકરણનો બંને શખ્સો શુ ઉપયોગ કરતા તે અંગે ઉંડાણ પૂર્વક બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જીપીએસ સિસ્ટમના કારણે પરફેકટ લોકેશન મળી રહે છે. જ્યારે કમ્પ્યુટરની હાર્ડ ડીશની તપાસ કરી તેમાંથી કોઇ સંદેશા વ્યવાહર થયા છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સીમ કાર્ડમાં કોના મોબાઇલ નંબર છે અને કોના સંપર્કમાં હતા તે અંગેની માહિતી મળી રહે તેમ હોવાનું બોર્ડર રેન્જ આઇજીપી એ.કે.જાડેજાએ જણાવ્યું હતું.
તાજેતરમાં જ આજ વિસ્તારમાંથી પાકિસ્તાની બનાવટના સેટેલાઇટ ફોન મળી આવ્યા હતા. ત્યારે આ ફોનનો ઉપયોગ કેટલાક ઇન્ટર નેશનલ ફલાઇટના ઉડાન થતા હોય તેવા વિસ્તારોમાં કરવામાં આવ્યો છે કે કેમ તે હજી સ્પષ્ટ થયુ ન હોવાનું એક પોલીસ અધિકારી જણાવે છે. તેમજ આ શકમંદો સાથે સેટેલાઇટ ફોનને જોડી સિગ્નલ મેળવી અને જીપીએસ રિકવર થયા હોય તેમજ કમ્પ્યુટર અને સીમ કાર્ડનો ઉપયોગ થયો હોય તે બાબતે શંકા હોવાનું વધુમાં જણાવી રહ્યા છે.
પશ્ર્ચિમ કચ્છના એસપી મકરંદ ચૌહાણ આ અંગે જણાવે છે કે, શનિવારે બેરડો ગામ ફરતે પોલીસ બંદોબસ્ત કરાયો હતો. ત્યારે તેમને આ કોમ્બીગ અંતર્ગત કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. તેમજ વાત્રાની દરગાહના સંચાલક ૪૬ વર્ષીય શખ્સ વધુ શંકાના દાયરમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ગુજરાત એટીએસ દ્વારા છ માસ પૂર્વે ભૂજ પાસેથી આઇએસઆઇના એજન્ટને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આ વિસ્તાર આઇએસઆઇ એજન્ટનો વધારો ઉતરોત્તર નોંધાઇ રહ્યો છે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા બે વ્યક્તિ દ્વારા આઇએસઆઇને બોર્ડર એરિયામાંથી માહિતી પહોચાડવામાં આવી રહી હતી. ખાસ કરીને તે વખતે કે જ્યારે પીઓકેમાં ભારતીય આર્મી દ્વારા સર્જીકલ સ્ટાઇક હાથ ધરવામાં આવી હતી.