સૌરાષ્ટ્રનાં ૪૦૦ રનનો જુમલો બંગાળને ભારે પડશે? સૌરાષ્ટ્ર ૪૨૫ રનમાં સમેટાય, બંગાળનો સ્કોર વિના વિકેટે ૧૦ રન
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ખાતે રણજી ફાઈનલનો મેચ રમાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની ટીમ ડ્રાઈવીંગ સીટ ઉપર હોવાથી બંગાળને અત્યંત ભારે પડી રહ્યું છે. સૌરાષ્ટ્ર ૪૨૫ રનમાં સમેટાય, બંગાળનો સ્કોર વિના વિકેટે ૧૦ રન, સૌરાષ્ટ્ર દ્વારા ૪૦૦ રનનો જુમલો ભારે પડશે તે પણ એક ચિંતાનો વિષય બંગાળ માટે ઉદભવિત થયો છે. સૌરાષ્ટ્રની તાકાત તેનો બોલીંગ વિભાગ છે પરંતુ કયાંકને કયાંક બંગાળનાં બોલરો પીચ ઓળખવામાં થાપ ખાઈ ગયા હોય તેવું લાગે છે. સ્પીનરોને મદદ ન મળતી હોવા છતાં તેઓ ચેતેશ્ર્વર પુજારાને લેગ સાઈટ પરનાં બોલ રમાડતા નજરે પડયા હતા. હાલ સૌરાષ્ટ્રે ૪૦૦ રન પાર કરી ૯ વિકેટ ગુમાવી છે ત્યારે ત્રીજા દિવસે વિકેટ હાડ થતા સૌરાષ્ટ્રનાં બોલરોને તેનો મહતમ લાભ મળશે ત્યારે એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે, બંગાળ જયારે બેટીંગ કરવા ઉતરશે તો વિકેટ બંગાળને ડાન્સ પણ કરાવશે તો નવાઈ નહીં.
અર્પિત વસાવડાએ સતત બીજી ઇનિંગ્સમાં સેન્ચુરી મારી ટીમને મજબૂત સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે. આ તેની ચાલુ સીઝનની ચોથી સેન્ચુરી છે. તેણે એકપણ ફિફટી મારી નથી. ઇન્ડિયાના નંબર ૩ ચેતેશ્વર પુજારા ૬૬ રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. બંનેએ ૩૮૦ બોલમાં ૧૪૨ રનની ભાગીદારી કરી હતી. થ્રોટ ઇન્ફેક્શન અને તાવના કારણે રિટાયર્ડ હર્ટ થયેલા પુજારાએ પોતાની નેચરલ શૈલીથી બેટિંગ કરતા ૬૬ રન કર્યા હતા. તેણે આ માટે ૨૩૭ બોલ રમ્યા હતા અને તેમાં ૫ ફોર મારી હતી. તેની અને અર્પિતની ભાગીદારીએ સૌરાષ્ટ્રને મેચમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધું છે. તે બંનેએ છઠ્ઠી વિકેટ માટે ૩૮૦ બોલમાં ૧૪૨ રન જોડ્યા હતા. તેમજ આ દરમિયાન ૨૯૭ મિનિટ સાથે બેટિંગ કરી હતી.
ત્રીજા દિવસની શરૂઆતમાં ચિરાગ જાની ૧૪ રન બનાવી આઉટ થયો હતો ત્યારે બેટીંગમાં ઉતરેલા જયદેવ ઉનડકટ અને ધર્મેન્દ્ર જાડેજા હાલ દાવ લઈ રહ્યા છે જેમાં ધર્મેન્દ્ર જાડેજા ૨૬ રન અને જયદેવ ઉનડકટ ૯ રનની સાથે ક્રિસ પર બેટીંગ કરી રહ્યા છે. બંગાળની ટીમ જયારે બેટીંગ કરવા ઉતરશે ત્યારે જયદેવ ઉનડકટ, ચિરાગ જાની જેવા ઘાતક બોલરો સામે બંગાળ માટે કપરા ચઢાણ સમાન બની રહેશે ત્યારે ૪૦૦ રનનો જુમલો બંગાળ માટે ભારે પડશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે હાલ રણજી ફાઈનલમાં સૌરાષ્ટ્રની સ્થિતિ મજબુત જોવા મળી રહી છે અને ડ્રાઈવીંગ સીટ પર જોવા મળે છે.