ધોળકી તળાવના કારણે આસપાસની વાડીમાં આવેલા ૬૦ જેટલા કૂવામાં નવા પાણી આવ્યા, વરસાદ ખેંચાય એવા સંજોગોમાં કૂવાના પાણીથી મોલાત બચી જશે

સુજલામ સુફલામ જળ અભિયાન રાજકોટ તાલુકાના ખેરડી ગામના ૬૦ જેટલા ખેડૂતો માટે સોના જેવી સાબીત થઇ છે. ગત્ત માર્ચ માસ દરમિયાન રાજકોટ તાલુકાના ખેરડી ગામની સીમમાં આવેલું અને ધોળકી તળાવ નામે ઓળખાતું જળાશય સુજલામ સુફલામ જળ અભિયાન દરમિયાન ઊંડુ ઉતારવામાં આવ્યું હતું અને હવે આ જળાશય મોસમના પ્રથમ વરસાદમાં છલોછલ ભરાઇ જતાં આસપાસની ૩૦૦ એકર જેટલી જમીનને ફાયદો થયો છે.

ખેરડી ગામના જળ અભિયાનમાં સહભાગી બનવા માટે રાજકોટ શહેરમાં કાર્યરત ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળીએ તત્પતા દાખવી હતી અને તેને રાજકોટ શહેર-૨ પ્રાંત અધિકારી શ્રી જસવંત જેગોડાએ તુરંત પ્રતિસાદ આપી ઉક્ત તળાવ ઊંડુ ઉતારવા મંજૂરી આપી હતી. ગત્ત ઉનાળા દરમિયાન અહી જરૂરત મુજબના બૂલડોઝર ધોળકી તળાવને ઉંડ ઉતારવાના કામે લાગી ગયા હતા. તળાવમાંથી નીકળતી માટી સાવ વિનામૂલ્યે ૨૦થી ૨૫ ખેડૂતોને આપવામાં આવી હતી. આ માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં નાખી હતી.

લાગલગાટ ચાલેલા કામ દરમિયાન ૩૩૦૦ ઘન ફૂટ જેટલી માટી ખોદી કાઢવામાં આવી હતી. એનો સીધો અર્થ થયો કે તળાવની એટલી જળસંગ્રહ ક્ષમતા વધી હતી. તળાવના ખોદકામ દરમિયાન નીકળેલી કેટલીક માટીથી તળાવના પાળા પણ મજબૂત કરવામાં આવ્યા.

આ વર્ષાઋતુમાં પડેલા મોસમના પ્રથમ  અને એ વિસ્તારના સારા વરસાદને પગલે આખું તળાવ છલકાઇ ગયું. પ્રથમ વરસાદ હતો એટલે પાણી પણ સીધુ જમીનમાં ઉતર્યું. તેમ કહેતા ગામના અગ્રણી શ્રી શિવલાલભાઇ પીપળિયાએ ઉમેર્યું કે, ધોળકી તળાવના કારણે આસપાસની વાડીમાં આવેલા ૬૦ જેટલા કૂવામાં નવા પાણી આવ્યા છે. વરસાદ ખેંચાતા પાણીની જરૂરત ઉભી થઇ છે. એવા સમયે જ આ તળાવના કારણે કૂવા જીવતા થતાં મોલાતને બચાવી શકાશે. આ તળાવની કામગીરી માટે ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળી દ્વારા રૂ. એક લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. જેમાંથી આ કામગીરી કરવામાં આવી છે.

તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારની સુજલામ સુફલામ જળ અભિયાન યોજના કારણે જળાશયો ઊંડા ઉતારવામાં આવ્યા તે ખેડૂતો માટે સારી બાબત છે. વરસાદી પાણીનો સારી રીતે સંગ્રહ થઇ શક્યો છે. ગુરુ દત્તાત્રેય શરાફી સહકારી મંડળીના પ્રાયોજક અને પૂર્વ ધારાસભ્ય શ્રી ટપુભાઇ લિંબાસિયાએ પણ આ અભિયાનની પ્રશંસા કરી પોતાની મંડળી દ્વારા કાગદડીમાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ધોળિયું તળાવ છલકાવાની સાથે તેમાં વરસાદ પાણી લાવતી નદીમાં પણ દૂર સુધી ઓટ આવ્યો છે. એટલે કે, તળાવનો જળસ્ત્રાવ વિસ્તાર વધ્યો છે. હવે આ સ્થળ રમણીય લાગી રહ્યું છે. બતક જેવા પક્ષીઓ આ તળાવમાં વિહાર કરવા આવવા લાગ્યા છે. ખેરડી ગામમાં સુંદર નજારો ખડો થાય છે.

આ વેળાએ બિનઅનામત આયોગના શ્રી હંસરાજભાઇ ગજેરા, શ્રી રોહિતભાઇ પીપળીયા, શ્રી કિરણભાઇ ડોબરિયા, શ્રી વલ્લભભાઇ પીપળિયા, શ્રી જીવણભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

benefits-of-300-acres-filled-up-in-the-water-expedition
benefits-of-300-acres-filled-up-in-the-water-expedition

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.