દિવાળીના તહેવારના મીની વેકેશન આજે પૂર્ણ થયું છે. આજે શુકનવંતા લાભ પાંચમના દિવસે વેપારીઓએ શુભ મૂહૂર્તે પોતાના ધંધા રાજેગારનો શુભારંભ કર્યો હતો.

રાજય સરકાર દ્વારા આજથી રાજયનાં માર્કેટીંગ યાર્ડોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શ‚ કરી દીધી છે.

દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમના દિવસથી બજારો ફરી ધમધમી ઉઠી છે. વેપારીઓએ આજે શુભમૂહૂર્ત પોતાના ધંધા રોજગાર શ‚ કર્યા છે.

દિવાળી બાદ વેપારીઓનું મિનિ વેકેશન પૂર્ણ થાય અને બજારો ધમધમી ઊઠે એવો મહત્ત્વનો દિવસ એટલે લાભપાંચમ.

તા.૨૫મી ઓક્ટોબરે લાભપાંચમ છે ત્યારે મોટાભાગના વેપારીઓ નવા વર્ષનું મુહૂર્ત કરતાં હોય છે. આ વર્ષે બે ચોથ આવી જતાં મિનિ વેકેશન એક દિવસ લંબાઈ ગયું હતું. આ દિવસ જૈન સમાજ માટે પણ જ્ઞાન પંચમીનો દિવસ છે ત્યારે જ્ઞાનપૂજન કરવામાં આવે છે. વિદેશમાં પણ જૈન સેન્ટરોમાં આ દિવસે જ્ઞાનપૂજન થશે. જ્યારે કારતક સુદ પાંચમને લાભપાંચમ, જ્ઞાનપંચમી, પાંડવપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

જૈન ધર્મમાં સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને રત્નત્રયી અર્થાત્ મોક્ષનો માર્ગ કહ્યો છે. તેમાં સમ્યક્ જ્ઞાન એટલે સાચું જ્ઞાન જે જ્ઞાન આત્માની જાણકારી અપાવે તે. આ જ્ઞાન એ ભારતીય પરંપરાનો મુખ્ય શોધનો વિષય રહ્યો છે અને ઋષિ-મુનિઓએ સ્વની ખોજ કરવાની વાત કરી છે. જૈન ધર્મમાં જ્ઞાનપંચમીની આ આરાધના જ્ઞાનની પૂજા, અર્ચના અને ગ્રંથલેખનના સાધનોની પૂજા દ્વારા કરવામાં આવે છે. પરંપરાગત રીતે પોથીઓ, પુસ્તકો, સાપડા, કલમ આદિ જ્ઞાનના સાધનોને સુંદર રીતે પ્રદર્શિત કરાય છે અને જ્ઞાનની પૂજા કરાય છે. જ્ઞાનના મંત્રનો જાપ કરવામાં આવે છે. ઓમ્ હ્રીં નમો નાણસ્સ મંત્રની સાધના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જૈનો આ દિવસે ઉપવાસ આદિ તપ કરે છે. મૂળભૂત રીતે તો ચાર મહિનાના ચાતુર્માસના દિવસો હવે પૂર્ણાહુતિના આરે આવીને ઊભા છે અને ચાતુર્માસ દરમિયાન એક સ્થળે રહેલા સાધુ-સાધ્વીજી ભગવંતોએ અભ્યાસ માટે જ્ઞાનભંડારમાંથી જે પુસ્તકો કાઢ્યા હોય તે પુસ્તકોને પાછા મૂકતાં પહેલાં કારતક મહિનાનો મુલાયમ તડકો આપી તેમાં આવી ગયેલા ભેજને દૂર કરીને પાછા સુંદર રીતે બાંધી અને ગ્રંથભંડારમાં મૂકવામાં આવે છે. જેથી જીવ-જંતુઓ કે ધૂળ વગેરેના કારણે ગ્રંથને નુકસાન ન થાય. આ પરંપરા હજારો વર્ષથી ચાલી આવે છે. આવી રીતે જ્ઞાનની પૂજા કરવાનો અને જ્ઞાનની સુરક્ષા કરવાના કારણે જ જૈનો પાસે જૈન અને જૈનેતર ગ્રંથોનો વિપુલ સંગ્રહ જોવા મળે છે. જેસલમેર, પાટણ, ખંભાત અને અમદાવાદના જ્ઞાનભંડારો અતિ સમૃદ્ધ ભંડારો છે. જેની મુલાકાત લેવા માટે દેશ-વિદેશના લોકો આવે છે. વિદ્વાનો આ ગ્રંથોનું અધ્યયન, સંશોધન કરે છે. જેથી આપણી જ્ઞાનની ધરોહર સચવાઈ રહી છે. આ જ્ઞાનના ઉત્તમ પર્વને જ્ઞાનની પૂજા દ્વારા ઉજવવામાં આવે છે. વિદેશમાં આવેલા જૈન સેન્ટરોમાં પણ જ્ઞાનપંચમીના દિવસે જૈનો જ્ઞાનપૂજા કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.