આજે લાભપાચમના શુકનવંતા શુભમુહુર્તે સવારથી બજારો ખૂલી છે સૌ કોઈ દિવાળી વેકેશન માણ્યા બાદ પોત-પોતાના કામ ધંધે લાગ્યા છે. આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ પોતાનો વેપાર તેમજ ધંધાર્થીઓ ઔદ્યોગિક એકમોએ મશીનરીનું પુજન કરી ધંધો શરૂ કર્યો છે તો શહેરમાં ઘણી જગ્યાએ વણજોયા મૂહર્ત એવા લાભ પાંચમે નવી દુકાનોનું ઉદઘાટન પણ થયું છે. શહેરની મુખ્ય બજારો જેમાં પરાબજાર, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ વગેરે વેપાર ધંધાર્થી આજથી ધમધમી છે.
જોકે હજુ વિદ્યાર્થીઓને વેકેશન હોય ફરવાના શોખીનો, સહેલાણીઓ ફરવાના સ્થળે ઉમટયા હતા તેઓ પણ મજા માણી પરત ફરી કામ ધંધે ચડી જશે. શાળા-કોલેજો શરૂ થયા બાદ બજારમાં સંપૂર્ણ રોનક જોવા મળશે. આગામી દિવસોમાં લગ્નસરાની સીઝન પુરબહારમાં ખીલશે ત્યારે ફરી લોકો લગ્નની ખરીદી, સોના-ચાંદીના દાગીના, કપડાની ખરીદી માટે બજારમાં ઉમટી પડશે.