દર મહિને રૂ.1250ની આર્થિક મદદ આપે છે સરકાર
લાભાર્થીઓનાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં વારસદારોને એક લાખની સહાય પણ મળવા પાત્ર
નિરાધાર ગંગા સ્વરૂપા બહેનો (વિધવાઓ) સન્માનપૂર્વક તેનું શેષ જીવન જીવી શકે અને સમાજમાં તેમનું યોગ્ય પુન:સ્થાપન થઇ શકે તેવા ઉમદા હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “નિરાધાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” વર્ષ 1979 થી અમલમાં મુકાઇ છે. આ યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં વર્ષ 2022માં 54,641 ગંગાસ્વરૂપા બહેનો દર મહિને રૂ. 1250 ની સહાય મેળવી રહ્યા છે. તેમ મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેએ જણાવ્યુ હતુ.
આ યોજનાનો લાભ મેળવતાં હર્ષિદાબેન સોની કહે છે કે, મારા પતિનું દશ વર્ષ પહેલા અકસ્માતે મૃત્યુ થયું હતું. મારા દીકરાઓ મજૂરી કામ કરે છે. અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. એવા કપરા સંજોગોમાં મને વિધવાઓ માટેની આ સરકારી યોજના વિશે ખબર પડતાં મેં અરજી કરી. હવે બે વર્ષથી મને પણ આ યોજનાનો લાભ મળી રહયો છે. દર માસે નિયમિત રીતે મારા બેંકના ખાતામાં રૂ.1250 જમા થઇ જાય છે. આ યોજનાની સહાયથી મારા જેવી અનેક મહિલાઓને અંગત ખર્ચા માટે મારે ઘરમાં કોઇ પાસે હાથ લાંબો કરવો પડતો નથી.
ગ્રામ્ય કક્ષાએ રૂ. 1.20 લાખની અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખથી વધુની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી 21 વર્ષથી વધુ ઉંમરની અને સંતાન ધરાવતી કોઇ પણ વિધવાને આ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. જે મેળવવા માટે મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકાશે. આ સહાય મેળવતી લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારની ગુજરાત સામૂહિક જૂથ(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારોને એક લાખ મળવાપાત્ર છે. વિધવા સહાય મેળવનાર 18 થી 40 વય જૂથના લાભાર્થી મહિલાને ફરજિયાતપણે બે વર્ષના સરકાર માન્ય કોઇ પણ ટ્રેડની વ્યવસાયલક્ષી તાલીમ મેળવવાની રહે છે. જેથી મહિલા પગભર બની શકે.
આ યોજનાનો લાભ લેવા અરજી કરતી વખતે કુટુંબની આવક અંગેનો દાખલો, અરજદાર અને તેના બાળકોની ઉંમર અને શાળા છોડયાનું પ્રમાણપત્ર, અરજદારના આધારકાર્ડ – રેશનકાર્ડ, અરજદારના પતિનું-પેઢીનું નામ, રહેઠાણ અંગેનો કોઇ પણ એક પુરાવો વગેરે આપવાના રહેશે.
રાજયના મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અનેક દીકરીઓ- મહિલાઓ સશકત બને તે માટની વિવિધ યોજનાઓનું સુચારૂ અમલીકરણ થઇ રહયુ છે. આવી મહિલાલક્ષી યોજનાઓમાં વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા પુન: આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, અભિયમ 181 હેલ્પ લાઇન, ધર દિવડા, સુક્ધયા સમૃધ્ધિ યોજાના, મહિલા શકિત કેન્દ્ર, કસ્તુરબા પોષણ સહાય યોજના, મહિલા ખેલાડીઓને સ્કોલરશીપ, કુંવરબાઇનું મામેરૂ વગેરેનો સમાવેશ થાય છે.