સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ૭ અરજન્ટ બિઝનેશ સહિત કુલ ૩૨ દરખાસ્તોને મંજૂરીની મહોર કેપેસીટીસ ફેઈસ-૨ પ્રોજેકટ માટે ‘ઈકલી’ સાઉથ આફ્રિકા સાથે એમઓયુ કરશે કોર્પોરેશન
શહેરના વોર્ડ નં.૧માં અલગ અલગ વિસ્તારોમાં જનભાગીદારીથી પેવીંગ બ્લોકના કામ હાથ ધરવા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં અલગ અલગ ૮ દરખાસ્તોમાં તગદી ઓન આવતા સ્ટેન્ડીંગ કમીટી દ્વારા તમામ દરખાસ્તો નામંજૂર કરી રિ-ટેન્ડરીંગ કરવાની સુચના આપવામાં આવી હતી. દરમિયાન ૮ પૈકી ૬ દરખાસ્તો રિ-ટેન્ડરીંગ કરવામાં આવતા પેવીંગ બ્લોકના કામમાં રૂા.૧૭.૪૩ લાખનો ફાયદો થયો છે.
કોર્પોરેશનમાં આજે ચેરમેન ઉદયભાઈ કાનગડના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ૭ અરજન્ટ બિઝનેશ સહિત કુલ ૩૨ દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.૧૫.૩૮ કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં.૧માં આલાપ ગ્રીન સિટીના ખુલ્લા પ્લોટ, લાભદીપ સોસાયટીમાં રસ્તાની સાઈડ સોલ્ડરમાં, ગૌતમનગરમાં સાઈડ સોલ્ડરમાં, અક્ષરનગર, હરીઓમ સોસાયટી, સત્યનારાયણ નગર, કષ્ટભંજન સોસાયટી, મોચીનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં જન ભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્લોક લગાવવા માટે અલગ અલગ ૮ દરખાસ્તો અગાઉ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અન્ય વોર્ડમાં પેવીંગના કામમાં ઓછા ભાવે ઓફર આવી હતી ત્યારે વોર્ડ નં.૧માં અલગ અલગ વિસ્તારમાં પેવીંગ બ્લોકના કામમાં તગડી ઓન સાથે ઓફર આપવામાં આવી હોય સ્ટેન્ડીંગ કમીટી દ્વારા તમામ ૮ દરખાસ્તો નામંજૂર કરી રિ-ટેન્ડરીંગનો આદેશ આપવામાં આવ્યો હતો.
દરમિયાન ૮ પૈકી ૬ દરખાસ્તોનું રિ-ટેન્ડરીંગ કરવામાં આવતા મહાપાલિકાની રૂા.૧૭.૪૩ લાખ જેવો ફાયદો થવા પામ્યો છે. આજે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા પેવીંગના કામો માટે રૂા.૨.૯૦ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
તેઓએ ઉમેર્યું હતું કે, કેપેસીટીસ બિલ્ડીંગ પ્રોજેકટ ઓન લો કાર્બન એન્ડ કલાઈમેટ રેસીલીયન્ટ સિટી ડેવલોપમેન્ટ ઈન ઈન્ડિયા (કેપેસીટીસ) ફેઈસ-૨ પ્રોજેકટ અંતર્ગત રાજ્ય સરકારના અર્બન ડેવલોપમેન્ટ ડિર્પામેન્ટ, કલાઈમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ, રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ આફ્રિકા વચ્ચે થનારા એમઓયુને માન્યતા આપવા અંગેની દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે. આ એમઓયુ આગામી દિવસોમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આજે સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં કુલ ૨૫ દરખાસ્તો નિયમીત રજૂ કરાઈ હતી.
જ્યારે ૭ દરખાસ્તો અરજન્ટ બિઝનેશ તરીકે રજૂ કરવામાં આવી હતી. જે તમામને બહાલ કરી રૂા.૧૫.૩૮ કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે.
તેઓએ ઉમેર્યું હતું કે, કેપેસીટીસ પ્રોજેકટ અંતર્ગત મહાપાલિકા દ્વારા આજી વોટર ફિલ્ટર પ્લાન્ટ પર સોલાર પાવર પ્લાન્ટનું અમલીકરણ, ક્રાંતિવીર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં સોલાર પાવર સીસ્ટમનું અમલીકરણ, સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોન કચેરી ખાતે ૨ લોકેશન પર પાર્ટીક્યુલેટ મેટર સહિતના અલગ અલગ ૮ જેટલા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા હતા જેને તમામને સફળતા મળી છે અને વીજ વપરાશમાં પણ જબરો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં આ પ્રોજેકટને આગળ ધપાવવા માટે ટેકનીકલ સહયોગ મેળવવા કેપેસીટીસ ફેઈસ-૨ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.