પીઠડિયા ટોલનાકા પાસે હત્યા કરી બાદ ગોંડલ શહેરમાં કારમાં લાશ મૂકી દીધાનું ખુલતાં,જામીન બાદ નિકુંજ રૈયાણી ફરાર હોવાથી ચુકાદો અનામત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર અને ગુજસી ટોકના ગુનામાં સાબરમતી જેલમાં હાઈ સિક્યુરિટી ઝોનમાં રહેલા નિખીલ દોંગાને સંડોવતા વનરાજ ધાંધલની હત્યા કેસમા જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટએ નિખિલ દોંગા સહિત ચાર આરોપીને શંકાનો લાભ છોડી મૂક્યાંનો હુકમ કર્યો છે . જ્યારે હત્યામાં સામેલ પાંચમો આરોપી હજુ ફરાર હોવાથી તેને આ ચુકાદાથી અલગ રાખ્યો હતો.
11 નવેમ્બર 2013ના રોજ ગોંડલ શહેરની સોસાયટીના પાર્કિંગમાં રાખેલી એક કારમાંથી જેતપુરના વનરાજ ધાંધલની માથામાં ગોળી ધરબી હત્યા થયેલી લાશ મળી આવી હતી. જેમાં ગોંડલ પોલીસે નિખિલ દોંગા, મહેશ કોલડીયા, જીતેશ વૈષ્ણવ, ચિરાગ ધાનાણી અને નિકુંજ રૈયાણી સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન હત્યા પીઠડિયા ટોલનાકા પાસે થઈ હોવાનું અને હત્યા બાદ ગોંડલ શહેરના હદ વિસ્તારમાં કારમાં લાશ મૂકી દીધાનું ખુલતાં, આ તપાસ વીરપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હતી. તત્કાલીન સમયે હત્યાનો બનાવ સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ ચગ્યો હતો. હત્યાનો ભોગ બનનાર વનરાજ ધાંધલના હત્યારાઓને કડક સજા મળે તે માટે કાઠી સમાજ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી. સરકાર દ્વારા વનરાજભાઈ ની હત્યા કેસને ગંભીરતાલય સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી હતી.
આ હત્યામાં પાંચેય આરોપી સમયાંતરે જામીન પર છુટેલા જેમાંથી નિકુંજ રૈયાણી કોર્ટની તારીખમાં પણ આવતો ન હોય તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા ના આધારે આ ચકચારી કેસ જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જ્જ આર.આર. ચૌધરીએ 161 પેઈજનો ચુકાદો આપીને નિખિલ સહિત ચાર આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતાં. જ્યારે નિકુંજ રૈયાળીને ફરાર જાહેર કરી તેને આ ચુકાદામાંથી મુક્ત રાખી તે હાજર થયે તેની સામે કેસ ચાલવાનો ચુકાદો આપ્યો હતો.
અસંખ્ય કેસમાં જેલવાસ ભોગવતો નિખિલ દોંગાને હત્યા કેસના ચુકાદાથી રાહત મળી છે..