ઘરના ઘરનું સપનું ‘ચકનચુર’
આવાસ યોજનાના લાભાર્થીઓને સમયસર ઘર આપવાના બદલે રૂડા માત્ર વાયદા જ આપે છે, તંત્રને વધુ એક આવેદન
દરેકનું સપનું હોય કે, જીવનમાં ‘ઘરનું ઘર’ હોય તેમાં પણ મઘ્યમ ગરીબ વર્ગ માટે ઘરના ઘરનું સ્વપ્નું સ્વર્ગ રમણીય હોય છે. ત્યારે રાજકોટમાં 2018 થી આવાસ યોજનાના નિયમીત હપ્તા ભરીને થાકી કંટાળી હતાશ થયેલા લાભાર્થીઓને હવે તો ઘરના ઘરનું સપનું ચકનાચુર થઇ જાય તેવો સંદેહ ઉભો થયો છે.
‘અબતક’ની મુલાકાતે આવેલા દર્શનભાઇ નથવાણી, મીનાબેન ધુંધવાણી સહીતના ભોગ બનનારાઓ એ વ્યથા ઠાલવી હતી કે ઘર વિહોણા માટે પ્રધાન મંત્રી આવાસ યોજનાની જાહેરાત થઇ ત્યારે ઘરના ઘરનું સપનું પુરુ થશે તેવી આશા જાગી હતી. 17-2-18 ન રોજ યોજનામાં જોડાયા હતા અને બે વર્ષમાં ઘર મળશે તેવા વિશ્ર્વાસ સાથે હપ્તા ભરવાનું શરુ કર્યુ ચાર વર્ષ થવા છતાં હજુ મકાન મળ્યા નથી અનેક રજુઆત છતાં મકાન નહીં પણ વાયદા જ મળ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનની રાહ જોઇ રહેલા લાભાર્થીઓએ રૂડાના સી.ઇ.ઓ. ને આવેદન પત્ર આપી તાત્કાલીક મકાન ફાળવવા માંગ કરી છે. જો હવે આવાસો નહીં મળે તો જલદ આદોલન ચુંટણી બહિષ્કાર જેવા રસ્તા અપનાવવા પડશે તેવી વ્યથા ઠાલવી હતી.