ફરિયાદના આધારે ચેકીંગ કરાતા 11 આવાસો ભાડે આપી દેવાયા હોવાનો ઘટસ્ફોટ
આવાસ યોજનાના ફ્લેટમાં મૂળ લાભાર્થીઓ રહેતા ન હોવાની ફરિયાદ મળતા તાજેતરમાં આવાસ યોજના વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલી શ્રી રામ ટાઉનશિપમાં ચેકીંગ દરમ્યાન 11 ફ્લેટ મૂળ માલિકોએ ભાડે ચડાવી દીધું હોવાનું માલૂમ પડતા તમામ ફ્લેટને સીલ કરવા માટે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના સ્પિડ વેલ પાર્ટી પ્લોટની બાજુમાં જીવરાજપાર્ક પાસે આવેલી કોર્પોરેશનની શ્રીરામ ટાઉનશિપમાં આવાસના મૂળ માલિકના બદલે અન્ય લોકો વસવાટ કરતા હોવાની માહિતી મળતા તાજેતરમાં આવાસ યોજના વિભાગના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન શ્રીરામ ટાઉનશીપના 11 આવાસોમાં મૂળ માલિકના સ્થાને અન્ય લોકો રહેતા હોવાનું માલૂમ પડતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન આ કિસ્સાની સમિક્ષા કર્યા બાદ તમામ 11 આવાસ સીલ કરવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
રૈયાધાર આવાસ યોજનામાં ઘૂસણખોરી કરનાર સામે પોલીસ ફરિયાદ
મ્યુનિ.કમિશનર આનંદ પટેલના આદેશ બાદ આવાસ યોજના વિભાગ દ્વારા ગત શનિવારે શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા બીએસયુપી-3 ચાર માળીયા ક્વાર્ટર ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આવાસ નંબર-એમ-1માં રહેતા પંકજ પરમાર નામના વ્યક્તિએ ગેરકાયદેસર રીતે આવાસમાં કબ્જો જમાવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. આવાસ તાત્કાલીક અસરથી ખાલી કરાવી સીલ કરી દેવાયું હતું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.