ફકત ૭૦ મીટરનું બાકી કામ કરવામાં બે વર્ષથી એજન્સીના અખાડા: ધીમી પ્રક્રીયા અને અનેક નોટિસો બાદ આખરે ટર્મિનેટ
અનેક જગ્યાએ બાવળનું સામ્રાજય: તાત્કાલીક પણે કેનાલનું કામ પૂર્ણ થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી
દરીયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા માંગરોળ પંથકની નોળી-નેત્રાવતી નદીને જોડતી સ્પ્રેન્ડિંગ કેનાલનું કામ ૧૩ વર્ષ બાદ પણ પૂર્ણ થયું નથી!. નવાઈની વાત તો એ છે કે વર્કઓર્ડર અપાયા બાદ એજન્સીની બેદરકારીથી ફક્ત ૭૦ મીટરના બાકી કામમાં બે વર્ષથી વધુ સમય વિતી ચુક્યો છે. તાલુકાના અનેક ગામોની ખેતીની જમીનને સીધો ફાયદો થાય તેવી આ કેનાલનું તાકીદે કામ પૂર્ણ થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
સમુદ્રના ખારા પાણીને ખેતીની જમીનમાં પ્રસરતા અટકાવવા તેમજ ભૂગર્ભ પાણીના તળ ઊંચા લાવવા માધવપુરથી ચોરવાડ સુધીના દરીયાકાંઠે કેનાલ ખોદવામાં આવી છે. જે પૈકી માંગરોળ નજીકના શીલથી શારદાગ્રામ બંધારા સુધીની ૧૯ કિ.મિ.ની કેનાલ ર૦૦૬માં મંજૂર થઈ હતી. ૮ કરોડથી વધુના ખર્ચે બનેલી આ કેનાલનો અમુક ભાગ વિવાદને લીધે કોર્ટમેટર થતા કેટલાક ભાગનું કામ બાકી રહી ગયું હતું. પરંતુ તેનું નિરાકરણ આવ્યા બાદ ટેન્ડર બહાર પાડી ૨૦૧૭માં ઢેલાણાની એક એજન્સીને વર્કઓર્ડર અપાયો હતો. હાલમાં મકતુપુરની સીમમાં એક થી દોઢ માસમાં પૂર્ણ થઈ શકે તેવું આ કેનાલના ૭૦ મીટરનું ખોદાણ બાકી છે. અધુરા રહેલા કામ બાબતે ખારાશ મહાસંઘ તથા આજુબાજુના ખેડુતોએ અનેકવાર આવેદનો આપ્યા છે. પરંતુ કોઈ કારણોસર કામગીરી જ શરૂ થઈ નથી. અનેક નોટીસો છતાં એજન્સીએ દરકાર જ ન કરતા હાલમાં તેને ટર્મિનેટ કરવામાં આવી છે. પરંતુ આ પ્રક્રિયામાં અઢી વર્ષનો લાંબો સમયગાળો પસાર થઈ જતા ખેડુતો માટે નુકશાનરૂપ જ સાબિત થયું છે.
શીલ, લોએજ, રહીજ, મકતુપુર, શાપુર અને શેરીયાજ સહિતના ગામોની ૧૮,૦૦૦ વીઘા ખેતીની જમીનન માટે ફાયદાકારક આ કેનાલ હાલ અનેક જગ્યાએ ગંદકીથી ગદબદે છે. કચરો અને ઠેકઠેકાણે ઉગી નીકળેલા બાવળથી થોડેઘણે અંશે કેનાલ બુરાઈ પણ ગઈ છે. આવતા વર્ષે વરસાદની સિઝનમાં કેનાલ છલોછલ ભરાય તો પાકનું ચિત્ર ઉજળું બને તેમ હોય, અધુરું રહેલું કામ તાકીદે પુરું થાય તેમજ સાફસફાઈ કરી કેનાલને ચોખ્ખી કરવામાં આવે તેમજ સમયનો વેડફાટ થતો અટકાવવા એજન્સી કે કોન્ટ્રાકટરને બદલે સરકારી મશીનરીના ઉપયોગ વડે કામગીરી થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે.
મકતુપુર ગામના સરપંચ નારણભાઈ વાજાએ જણાવ્યું હતું કે, શીલથી શેરીયાજ સુધીની આ સ્પ્રેન્ડિંગ કેનાલ ખેતીવાડી વિસ્તાર માટે જીવાદોરી સાબિત થાય તેમ છે. ૭૦ મીટરનું કામ બાકી છે તેના લીધે વરસાદની ઋતુમાં શીલ તરફથી પાણી આવે છે. જયારે શારદાગ્રામ, શેરીયાજ તરફથી પાણી આવતું નથી અને અડધો ભાગ ખાલી રહે છે. નાના કટકાના કામને વાંકે દરીયામાં પાણી વહી જાય છે. તાત્કાલિક કામ પૂર્ણ થાય તો કેનાલમાં કાયમી ધોરણે પાણી રહે અને ખેડુતો ત્રણ મૌસમ લઈ શકે.