અંબાજીમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ.6909 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
અબતક, રાજકોટ
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીનો અંબાજી ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો તેઓ હસ્તે રૂ.6909 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, મા અંબાના દર્શન અને પૂજન કરવાનો અવસર મળ્યો. આ વખતે એવા સમયે આવ્યો છું જયારે વિકસીત ભારત નુ વિરાટ સંકલ્પ દેશે લીધો છે. 130 કરોડ દેશવાસીઓએ 25 વર્ષની અંદર ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવીને રહીશું. માં અંબાના આશિર્વાદથી દરેક સંકલ્પોની સિદ્ધી માટે શક્તિ મળશે તાકાત મળશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએે વધુમાં કહ્યુ કે એ આપણા સંસ્કાર જ છે કે આપણા દેશને પણ માતા સ્વરૂપ ગણીએ છીએ અને આપણી જાતને મા ભારતીના સંતાન માનીએ છીએ. આ આપણા દેશની મહાન સંસ્કૃતિ જ છે. આપણા દેશને પણ માતાના સ્વરૂપે જોઈએ છીએ. આપણે ત્યાં વીર પુરુષોના નામ માતા સાથે જોડાયા છે. કૃષ્ણને પણ આપણે દેવકીનંદન કહીએ છીએ. આપણા સંસ્કારમાં જ નારી સન્માન છે. વર્ષ 2014 પછી આપણી સરકારે જે ગરીબોને પાકા ઘર બનાવી આપશે તે મહિલાના નામે હશે અથવા તેના પતીના નામનું હશે. અત્યાર સુઘી દેશમાં ગરીબોને ત્રણ કરોડ થી વધુ ઘર બનાવી ગરીબોને આપવામાં આવ્યા છે. વડાપ્રધાનએ જણાવ્યું કે, છેલ્લા બે દશકમાં માતાઓ અને બહેનોના સશક્તિકરણ માટે કામ કરવાનુ સૌભાગ્ય મળ્યુ છે. બનાસકાંઠામાં જ્યાં દીકરીઓના ઓછા શિક્ષણ બાબતે હંમેશા ચિંતા રહેતી. જ્યા માતા અંબાજી અને માતા નડેશ્વરી બિરાજમાન છે ત્યા દીકરીઓને શિક્ષિત કરવાનુ બીડુ ઉઠાવ્યુ છે. પરંતુ બનાસકાંઠાની બહેનોએ મારા આગ્રહનો સ્વીકાર કર્યો અને મોટી સંખ્યામાં શિક્ષણ લેતી થઈ છે. હું પહેલેથી જ કહેતો આવ્યો છુ સ્ત્રીઓ નહીં ભણે તો લક્ષ્મી નહીં આવે.
દેશ જ્યારે ગુલામ હતો ત્યારે આ રેલ લાઈન બનાવવાનો નિર્ધાર અંગ્રેજોએ 1930માં કર્યો હતો. આ વિસ્તારમાં 100 વર્ષ પહેલા રેલવે નાખવાનું વિચારવામાં આવ્યુ હતુ. પરંતુ 100 વર્ષ સુધી લટકી રહ્યુ. આઝાદી મળ્યા બાદ પણ ફાઈલો સડતી રહી. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે પણ આ રેલવે લાઈનનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ ત્યારે તેના પર ધ્યાન આપવામાં ન આવ્યુ. આજે અમારુ સૌભાગ્ય છે કે આજે અમને આ કામને સાકાર કરવાનો અવસર મળ્યો. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, આવનારા સમયમાં વિશેષ કિસાન ટ્રેન અહીંથી શરૂ થશે. અમે દુનિયાભરમાં જ્યાં જ્યાં મા અંબાનું સ્થાન છે તેની રેપ્લિકા અહીં બનાવી છે. આથી દેશના 51 શક્તિપીઠોના દર્શન અહીં થઈ જાય છે. અંબાજી આવવાથી જ શક્તિપીઠના દર્શન થઈ જશે. આજે ગબ્બરતિર્થના વિકાસનું કામ પણ નિર્માણાધિન છે. પાલિતાણાની જેમ તારંગા હિલનો પણ વિકાસ થશે અને તેનુ મહત્વ પણ વધશે. તેનાથી નાના વેપારીઓને પણ ધંધા રોજગાર મળી રહેશે. ધરોઈ ડેમથી લઈ અંબાજી સુધીનો બેલ્ટ વિકસીત કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ સમગ્ર બેલ્ટને વિકસીત કરવામાં આવશે. રણનીતિક દૃષ્ટિએ ઍરપોર્ટ સ્ટેશન દેશ માટે ઘણો મહત્વપૂર્ણ બનશે. છેલ્લા બે દાયકાના પ્રયાસોથી બનાસકાંઠાની તસ્વીર બદલાઈ ચુકી છે. બનાસકાંઠામાં ક્યારેય દાડમ, દ્રાક્ષની ખેતી થશે એ થોડા વર્ષો પહેલા કોઈ વિચારી પણ નહોંતુ શક્તુ. બે દાયકા પછી બનાસકાંઠાની તસ્વીર બદલાઇ છે. આજે દુનિયાના લોકોમાં ભારત પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, નવલી નવરાત્રીના પાંચમાં નોરતે મા અંબાના ઘામથી ગુજરાતને રૂ.6 હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ વિકાસના કાર્યની ભેટ આપી છે. ગત આઠ વર્ષથી ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે જેના કારણે પ્રઘાનમંત્રી આવાસાને યોજનાથી ગુજરાતમાં ચાર લાખ ગ્રામીણ અને સાત લાખથી વઘુ શહેરી ગરીબ મધ્યમવર્ગના પરિવારને આવાસનો લાભ મળ્યો છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સૌના સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થી સત્તાને સેવાનું માધ્યમ બની ચાલતી સરકાર છે. રાજય સરકારે વડાપ્રઘાનના નેતૃત્વમાં અંબાજી સહિત અન્ય તીર્થ સ્થળોની કાયાપલટ કરી છે જેને કારણે ગુજરાત પ્રવાસીઓનું પહેલી પસંદગીનું સ્થળ બન્યું છે. ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવા બદલ અને વિકાસના કાર્યોની ભેટ આપવા બદલ વડાપ્રઘાનનો આભાર માનું છું.