ઉનાળાની સીઝનમાં તા. ર/5/1905 અને તા. 13/5/1977 ના રોજ રાજકોટમાં મહત્તમ તાપમાન 47.9 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટવાસીઓ ત્રણ-ત્રણ મહિના ગરમીમાં શેકાયા પણ છે
તડકા તો જો પડે પહેલા આવા આકરા તાપ પડતા ન હતા. ગ્લોબલ વોમિંગે તો વાતાવરણની પથારી ફેરવી દીધી છે.
તેવી વાતો હાલ લોકોના મોઢે સંભળાય રહી છે. છેલ્લા એકાદ દશકામાં ગરમીનું જોર વઘ્યું છે.
તેમાં કોઇ શંકા જ નથી પરંતુ છેલ્લા 118 વર્ષમાં રાજકોટમાં બે વખત ઉનાળાની સીઝનમાં મહત્તમ તાપમાનનો પારો 47.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અત્યારે પંખા, એસી, વોટર કુલર જેવા ઠંડક આપતા ઉપકરણોની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તાપમાન 40 ડિગ્રીથી વધે તો લોકોની રાડ ફાટી જાય છે. 118 વર્ષ પહેલા આવા કોઇ સાધનો ન હતા. મકાનો પણ કાચા હતા ત્યારે 47.9 ડિગ્રી તાપમાનમાં લોકોના કેવા હાલ હવાલ થયા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આ વર્ષ ઉનાળાના આરંભ બાદ સતત ત્રણ વખત વાતાવરણમાં પલટો નોંધાયો હતો. જેના કારણે જોઇએ તેવી ગરમી પડતી ન હતી. છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી અગન વર્ષા થઇ રહી છે.
હજી તો તાપમાન 44 ડિગ્રીએ પણ નથી પહોચ્યું ત્યાં લોકો તોબા પોકારી ગયા છે. આજથી 118 વર્ષ પૂર્વ બીજી મે 1905 ના રોજ રાજકોટનું મહત્તમ તાપમાન રેકોર્ડ બ્રેક 47.9 ડિગ્રી નોંધાયું હતું.
ત્યારબાદ 72 વર્ષ પછી ફરી મેં માસમાં આ ઘટનાનું જાણે પુનરાવર્તન થયું હોય તેમ આજના દિવસે અર્થાત 13 મે 1977 ના રોજ પણ રાજકોટમાં મહત્તમ તાપમાન 47.9 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટમાં ઉનાળાની સીઝનમાં નોંધાયેલા હાઇએસ્ટ ટેમ્પચર પર નજર કરવામાં આવે તો ર0 મે 2016ના રોજ તાપમાન 46 ડિગ્રીએ પહોંચી જવા પામ્યું હતું. પ મે 2004 ના રોજ મહત્તમ તાપમાન 45.8 ડિગ્રી, 7 જુન 1897 ના રોજ 45.7 ડિગ્રી, રર મે 2010 ના રોજ તાપમાન 45.5 ડિગ્રી, 9 જુન 1991 ના રોજ 45.3 ડિગ્રી, 30 એપ્રિલ 2002 ના રોજ 45.1 ડિગ્રી, 30 મે 1995 ના રોજ 44.9 ડિગ્રી, ર8 મે 2014 ના રોજ 44.8 ડિગ્રી, ર8 એપ્રીલ 2009 ના રોજ 44.7 ડિગ્રી, ર4 મે 2018 ના રોજ 44.4 ડિગ્રી અને 17 મે 2017 ના રોજ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દર વર્ષે સતત ગરમીનું જોર વધી રહ્યું છે.ગ્રીનરીનું પ્રમાણ ઘટી રહ્યું છે.
જેના કારણે સૂર્ય નારાયણ આગ વરસાવી રહ્યા છે.માનવ જાત પાસે હજી સમય છે.
પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવી વૃક્ષાપોરણ વધારવું જોઈએ.જો આજે વૃક્ષનું વાવેતર કરવામાં આવશે તો આગામી દિવસોમાં ગરમીમાંથી મુક્તિ મળશે.છેલ્લા એક દશકામાં સતત ઉનાળો આકરો બની રહ્યો છે.
2016માં પણ ઉનાળો રહ્યો હતો આકરો: પારો 46 ડિગ્રીએ આંબ્યો હતો
આજથી સાત વર્ષ પૂર્વ એટલે કે વર્ષ 2016 માં પણ ઉનાળો આકરો રહ્યો હતો. આ વર્ષ પણ આકાશમાંથી સુર્યનારાયણે અગન વર્ષા કરી હતી. તા. 20-5-2016 ના રોજ રાજકોટનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું.
ગ્લોબલ વોમીંગના કારણે દર વર્ષ ઉનાળાની સીઝનમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યા છે. 2016માં ઉનાળો આકરો રહેવા છતાં વરસાદ ઓછો પડયો હતો. શહેરમાં માત્ર 559 મીમી, અર્થાત 22.36 મીમી જ વરસાદ વરસ્યો હતો.ઉનાળામાં સારા તડકા પડે એટલે વર્ષ સારુ રહે અને અનરાધાર વરસાદ પડે તે માન્યતા ખોટી પડી હતી.
સવા બે દાયકામાં 2006 નો ઉનાળો ‘રાહત’ વાળો રહ્યો
છેલ્લા ર3 વર્ષમાં ઉનાળાની સીઝનમાં પ્રતિ વર્ષ ગરમીનું જોર સતત વધી રહ્યું છે. સવા બે દાયકાના સમયમાં વર્ષ 2006 નો ઉનાળો પ્રમાણમાં રાહત આપનારો રહ્યો હતો. આ વર્ષ ઉનાળાની સીઝનમાં 30 એપ્રિલ 2006 ના રોજ રાજકોટનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું. જે આ વર્ષનું સૌથી વધુ તાપમાન હતું. ઉનાળો સરેરાશ રહેવા છતાં રાજકોટમાં ચોમાસુ સારુ રહ્યું હતું. 2006 માં રાજકોટમાં ચોમાસાની સીઝનમાં 1055 મીમી અર્થાત 42.20 મીમી વરસાદ પડયો હતો.
2009માં એપ્રિલ માસમાં જ તાપમાન 44.7 ડિગ્રીએ આંબ્યુ હતું
સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં મે માસમાં આકરા તડકા પડતા હોય છે. સીઝનનું હાઇએસ્ટ તાપમાન પણ મે માસમાં નોંધાતું હોય છે. પરંતુ આજથી 14 વર્ષ પહેલા વર્ષ 2009 માં રાજકોટમાં એપ્રીલ માસમાં તાપમાનનો પારો 44.7 ડિગ્રીએ પહોચી ગયું હતું. ર8 એપ્રિલના રોજ આ તાપમાન નોંધાયું હતું. જે ઉનાળાની સીઝનનું સૌથી વધુ રહ્યું હતું.આ વર્ષે એપ્રિલ માસમાં સતત માવઠા પડવાના કારણે વાતાવરણ ઠંડું રહ્યું હતું.સામાન્ય રીતે રાજકોટવાસીઓ અઢીથી ત્રણ મહિના સુધી આકરા તાપમાં શેકતા હોય છે.આ વર્ષે એપ્રિલ શાંત રહેતા થોડી રાહત મળી હતી.
આ વર્ષ ગરમીનો 3ર વર્ષ જુનો રેકોર્ડ તુટે તેવા અણસાર
આ વર્ષ સુર્યનારાયણ જે રીતે છેલ્લા આઠ દિવસથી આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યા છે. તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ઉનાળો આ વર્ષ પાછલા 3ર વર્ષનો રેકોર્ડ તોડશે 9 જુન 1991ના રોજ રાજકોટમા ઉનાળાની સીઝનમાં સૌથી ઉંચુ તાપમાન 45.3 ડિગ્રી નોંધાયું હતું. આ વર્ષ મે માસના પ્રથમ પખવાડીયામાં તાપમાન પારો 44 ડિગ્રીને લગોલગ પહોચી ગયો છે. હજી મે માસના 18 દિવસ અને જુનનું પ્રથમ પખવાડીયું ગરમીનું માઠી છે. આવામાં શહેરમાં ગરમીનો 4ર વર્ષ જુનો રેકોર્ડ તુટવાના પણ અણસાર દેખાય રહ્યા છે.