દેખ તેરે સંસાર કી હાલત, ક્યાં હો ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન
માનસિક રીતે લોકો ધીમે ધીમે પતી રહ્યા છે, એટલે જ દેશમાં વેલનેસ સેક્ટરનું કદ ચાર વર્ષમાં અધધધ 6 લાખ કરોડને આંબે તેવો અંદાજ. સોશિયલ મીડિયાનો અતિરેક, બાળપણથી જ પોપલાવેળા, નબળું મનોબળ સહિતના અનેક કારણોસર લોકોનું માનસિક સ્વાસ્થય જોખમમાં
આધુનિક યુગમાં હવે યોગ અને આયુર્વેદ તરફ વિશ્વના અનેક દેશો વળ્યાં છે, પણ આ પદ્ધતિના જન્મદાતા એવા ભારતમાં હજુ કરોડો લોકો તેનાથી અળગા
ઈશ્વર દ્વારા કરાયેલ સૌથી શ્રેષ્ઠ અને સુંદર નિર્માણ એ મનુષ્ય છે. પણ હવે મનુષ્ય જીવન પોતાની જાતે જ અનેક પડકારો ઉભું કરી રહ્યું છે. મનુષ્ય માટે તંદુરસ્ત રહેવું સૌથી મોટો પડકાર બની ગયું છે. માનસિક રીતે લોકો ધીમે ધીમે પતી રહ્યા છે, એટલે જ દેશમાં વેલનેસ સેક્ટરનું કદ ચાર વર્ષમાં અધધધ 6 લાખ કરોડને આંબે તેવો અંદાજ જાહેર કરાયો છે. સોશિયલ મીડિયાનો અતિરેક, બાળપણથી જ પોપલાવેળા, નબળું મનોબળ સહિતના અનેક કારણોસર લોકોનું માનસિક સ્વાસ્થય જોખમમાં મુકાઈ ગયું છે. આધુનિક યુગમાં હવે યોગ અને આયુર્વેદ તરફ વિશ્વના અનેક દેશો વળ્યાં છે. પણ આ પદ્ધતિના જન્મદાતા એવા ભારતમાં હજુ કરોડો લોકો તેનાથી અળગા છે એ વાસ્તવિકતા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના માનસિક આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ વિશ્વમાં અંદાજે 100 કરોડથી વધુ લોકો માનસિક બીમારીનો ભોગ બન્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વની વસતીના 13 ટકાથી વધુ લોકો માનસિક વ્યાધિથી પીડાતા હતા. કોરોનાના કપરા કાળમાં લોકડાઉન અને આર્થિક તણાવને કારણે માનસિક બીમારી ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. મહામારીના એક વર્ષ બાદ જ હતાશા અને તણાવના કેસમાં અનુક્રમે 28 ટકા અને 26 ટકાનો વધારો થયો હતો. જે દેશોમાં કોવિડ અને તેનાથી થતા મોતના સૌથી વધુ કેસ નોંધાયા હતા તે જ દેશોમાં માનસિક બીમારીના પણ વધુ કેસ નોંધાયા હતા. 15 કરોડ જેટલા ભારતીયો પણ આ ગણતરીમાં સામેલ છે. આ બધા જ મોટે ભાગે ડિપ્રેશન, એન્ક્ઝાઈટી, સ્ટ્રેસ, સાયકોસોમેટીક ડિસઓર્ડર, બાયપોલર મૂડ ડિસઓર્ડર, સિઝોફ્રેનીયા અને ડિમેન્શીયા જેવી અલગ અલગ પ્રકારની માનસિક બીમારીનો શિકાર બન્યા છે. આમાંના 1.6 કરોડને તો સારવારની તાતી જરૂર છે. પરંતુ અફસોસની વાત એ છે કે વિકાસશીલ દેશોમાં રહેલા દર ચારમાંથી ત્રણ મનોરોગીને સારવાર જ મળતી નથી. અને ભારતમાં તો 75 ટકા મનોરોગીને મનોચિકિત્સક નહિ પરંતુ બાબા, ફકીરો કે તાંત્રિકો પાસે લઈ જવામાં આવે છે. ભારતમાં 5.8 ટકા લોકો કેન્સરને કારણે અને 4.4 ટકા હૃદયરોગને કારણે અક્ષમ બની ગયા છે. પણ મનોરોગને કારણે કામકાજ ન કરી શકનારાની ટકાવારી સૌૈથી વધુ 8.1 ટકા છે.
નિષ્ણાંતોના મતે માનસિક બીમારીનો ઊંચો વ્યાપ આથક ઉત્પાદકતા ઘટાડી શકે છે અને બેરોજગારીનો દર વધારી શકે છે. 2030 સુધીમાં માનસિક બીમારી વૈશ્વિક અર્થતંત્રને કેન્સર, ડાયાબિટીસ અને શ્વસન સંબંધી બિમારીઓ કરતાં વધુ નુકસાન કરી શકે છે.
ભારતની લગભગ 5.2 કરોડ જેટલી પ્રજા જુદા જુદા માનસિક રોગોથી પીડાતી હોવાનું ઈન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટી (આઈપીએસ) દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. આ નિષ્ણાતોએ હાથ ધરેલા અભ્યાસમાં જોવા મળ્યું છે કે દર હજાર વ્યક્તિમાંના 5.2 ટકા લોકોને કોઈને કોઈ માનિસક બીમારી હોય છે.
આરોગ્ય નિષ્ણાંતોના મતે ગંભીર માનિસક બીમારી ધરાવતી વ્યક્તિઓમાં હૃદય અને શ્વસનતંત્ર સંબંધિત સમસ્યા થવાની સંભાવના વધુ હોય છે. સીઝોફ્રેનિયા અને બાઈપોલર જેવી ગંભીર માનસિક બીમારી ધરાવતા લોકો સરેરાશ કરતા 10થી 20 વર્ષ ઓછા જીવે છે.
ઉપરાંત માનસિક બીમારીના કારણે સ્વસ્થ જીવનનો 15 ટકા જેટલો હિસ્સો વેડફાઈ જાય છે જ્યારે તેની સારવાર માટે માળખુ ઊભુ કરવા પાછળ અત્યંત ઓછો ખર્ચ કરવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પૂરતી સુવિધા ઊભી કરવામાં આવે તો વિશ્વમાં દર વર્ષે પ્રતિ 10 લાખ લોકોએ 5થી 15 હજાર દરદીઓમાં ઘટાડો થઈ શકે છે.
મોટા ભાગના ભારતીયોને હતાશા, દારૂનું સેવન, માદક પદાર્થનું વ્યસન, મંદબુદ્ધિ, સીઝોફ્રેનિયા જેવા રોગોનો સામનો કરવો પડે છે. થોડાં સમય પૂર્વે યોજાયેલી એક પરિષદમાં ડોક્ટરે રજૂ કરેલા તેમના ’મેન્ટલ હેલ્થ સિનારિયો ઇન ઈન્ડિયા: સમ ફેક્ટસ એન્ડ ફિગર્સ’ના પેપર્સમાં જણાવ્યું છે કે કોઈ પણ માનસિક રોગના પ્રમાણ કરતાં માનસિક રોગીઓમાં હતાશાનું પ્રમાણ સૌથી વધારે જણાયું છે. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં આ પ્રમાણ બેથી ત્રણ ગણું વધારે હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હુ)ના અહેવાલમાં જણાવાયું હતું. 2025ની સાલ સુધીમાં સ્ત્રીઓમાં આ રોગનું પ્રમાણ વધી ગયું હશે. ’હુ’ એ અત્યારથી જ દેશના અલગ અલગ ભાગોમાં આ અંગેની ઝૂંબેશ આદરી દીધી છે. હતાશા બાદ સૌથી વધુ માનસિક બીમારી, દારૂ અને માદક પદાર્થોનું વ્યસન અને મંદબુદ્ધિતાનું પ્રમાણ લગભગ 6.9 ટકા જેટલું જોવા મળ્યું હતું. સામાન્ય વયનાં સ્ત્રી – પુરુષો કરતાં યુવાનો અને તરુણોમાં નશીલાં દ્રવ્યોના સેવનનું પ્રમાણ સાત ગણું વધારે જણાયું હતું, જ્યારે મંદબુદ્ધિતાની ટકાવારી સામાન્ય બાળકોના પ્રમાણમાં બમણી હોય છે.
એક તબીબના કહેવા પ્રમાણે મોટા ભાગના માનસિક રોગીઓને ફક્ત સીઝોફ્રેનિયા જેવા રોગોની સારવાર લેવા માટે જ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. સીઝોફ્રેનિયાઓની ટકાવારી હજાર માણસે 2.7 ટકા જેટલી છે. ઉશ્કેરાટ, ડર, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, હિસ્ટેરિયાનું પ્રમાણ હજારે છથી સાત ટકા જેટલું છે. આ સમસ્યાથી છૂટકારો અપાવવા ભારતભરમાં કુલ ત્રણથી સાડાત્રણ હજાર જેટલા મનોચિકિત્સકો, સાતસોથી આઠસો જેટલા મનોરોગવિશેષજ્ઞા છે. તે ઉપરાંત ચારસોથી પાંચસો જેટલા સમાજસેવકો છે. જેમણે મનોચિકિત્સાની તાલીમ મેળવી છે, પરંતુ આ સંખ્યા પૂરતી નથી. દેશભરમાં કુલ 37 મેન્ટલ હોસ્પિટલ છે.
2025ની સાલ સુધીમાં વિશ્વની 15 ટકા વસ્તી માનસિક રોગોનો ભોગ બની ચૂકી હશે. જે મુજબ 8 અબજ પૈકી દોઢ અબજ વ્યક્તિઓ મનોરોગી હશે. જેમાં, ભારતની પ્રજાનું પ્રમાણ સૌથી વધુ હશે તેવું ચોંકાવનારું તારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપ્યું છે. આ ઉપરાંત દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધુ છે. આનું મુખ્ય કારણ જે તે વ્યક્તિના પ્રશ્નો પાછળ કુટુંબ અને સમાજની સતત ઉપેક્ષા, આંખ આડા કાન, વ્યક્તિને પોતાનો મત રજૂ કરવામાં ક્ષોભિત કે અપમાનિત થવાનો કાલ્પનિક ભય અને મનોવૈજ્ઞાાનિક કાઉન્સેલીંગનો અભાવ છે. અહીં સામાન્ય રીતે કાઉન્સેલીંગ માટે જનારને ’ગાંડો’ ગણી લેવાની માનસિકતા આત્મહત્યા માટે જવાબદાર પરિબળો પૈકીનું એક મજબૂત પરિબળ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ભલામણ અનુસાર ભારત જેવા દેશમાં દરેક રાજ્યના દરેક જીલ્લામાં ઓછામાં ઓછું એક મોટું સાયકોલોજીકલ કાઉન્સેલીંગ સેન્ટર હોવું જોઈએ, જેને મેન્ટલ હોસ્પિટલ સાથે સાંકળવાની જરૂર નથી. આ ઉપરાંત તાલુકા મથકોએ પણ આવા નાના સેન્ટર સ્થાપવાની આવશ્યક્તા છે.
એક મનોવૈજ્ઞાાનિક કાઉન્સેલીંગ નિષ્ણાંતના જણાવ્યા મુજબ આજે સમાજમાં ડીપ્રેશનને લીધે જે મનોવૈજ્ઞાાનિક રોગો વ્યક્તિના મનનો કબજો લે છે તેમાં મુખ્યત્વે બેકારીને લીધે મહેણા-ટોણા અને હતાશા, પ્રેમમાં નિષ્ફળતા, ગળાકાપ ધંધાકીય સ્પર્ધા અને કાવાદાવા, હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલથી જીવવા માટે ટૂંકો પડતો ખર્ચાનો પન્નો અને કુટુંબની ઉંચી અપેક્ષા, વિદ્યાર્થીઓમાં ઊંચુ પરિણામ લાવવા કુટુંબનું દબાણ અને જો નીચું પરિણામ આવે તો ઘૂસી જતી લઘુતાગ્રંથિ, ધંધાર્થીઓમાં વ્યાજે પૈસા લઈને સમયસર પરત ન કરી શકવાનું સતત ટેન્શન, દેખાદેખીમાં ઉદ્ભવતા પ્રશ્નોે, જાતિય પ્રશ્નો, લગ્ન જીવનમાં જુદા જુદા પ્રકારના સ્વભાવને લીધે પતિ-પત્ની વચ્ચે ઊભો થતો ખટરાગ વગેરે છે. આમાંના 90 ટકા પ્રશ્નો વ્યક્તિએ જાતે ઊભા કરેલા હોય છે અને માત્ર ત્રણ કે ચાર કાઉન્સેલીંગ સીટીંગમાં ઉકેલી શકાય તેવા હોય છે.