જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયા સહિતના અધિકારીઓની હાજરી: ૧૦ ફુટના કાગળનો ફોલ્ડ કરેલા પીસનો ફલેગ તૈયાર કરી વર્લ્ડ રેકોર્ડ બનાવાશે: કાગળને ફોલ્ડ કરવાના કામમાં જેલના કેદીઓ પણ આપશે શ્રમદાન
રાજકોટમાં પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી થવાની છે જે સંદર્ભે અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં એક કાર્યક્રમ ફલેગ ઓફ યુનિટીનો છે. આ આયોજન જિલ્લા કલેકટર કચેરી ખાતે ૧૦ ફુટનો કાગળના પીસ ફોલ્ડ કરીને ફલેગ તૈયાર કરવામાં આવનાર છે. આ ફલેગ ઓફ યુનિટીનાં નિર્માણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો જે વેળાએ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાની ઉપસ્થિતિ રહી હતી. પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણીમાં સતત બે અઠવાડિયા સુધી કાર્યક્રમોની ભરમાળ ચાલવાની છે જેમાં વહિવટીતંત્ર દ્વારા નવતર કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. જેમાં ફલેગ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ફલેગ ઓફ યુનિટીની ખાસીયત એ હશે કે તેમાં કાગળના ફોલ્ડ કરેલા પીસ ગુંદર કે અન્ય કોઈ પ્રવાહીની મદદથી ચોટાડયા વગર જ એકબીજા સાથે જોડવામાં આવશે. આ રીતે પીસ જોડીને તિરંગાની કલાકૃતિ તૈયાર કરવામાં આવનાર છે. આ કલાકૃતિ તૈયાર થયા બાદ તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલી દેવામાં આવશે.