આધ્યાત્મિક, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ આયંબિલનું તપ આરોગ્ય માટે શ્રેષ્ઠ
કોરોના વાયરસની મહામારી વચ્ચે શહેરના તમામ દેરાસરો અને ઉપાશ્રયો બંધ રહેશે: ચૈત્યવંદન, સાથિયા, ખમાસણા અને પ્રતિક્રમણ સહિતની આયંબીલ ભવનોની ક્રિયાઓ મોકૂફ: આરાધકો નિવાસ સ્થાને જ શકિતમુજબ આયંબિલ તપ કરશે
જૈનોમાં ચૈત્રી આયંબીલ ઓળીનું વિશેષ મહત્વ છે. ચૈત્રી સુદ ૧૫ સુધી યોજાનારી શાશ્ર્વતી નવપદઓળીનો દેરાવાસી (મૂર્તિપૂજક) જૈન સમાજમાં આજથી પ્રારંભ થયો છે. જયારે સ્થાનકવાસી જૈનોએ ગઈકાલથી આયંબીલ ઓળીની આરાધના આરંભી હતી. આયંબીલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષમા કરવાની શ્રેષ્ઠ સાધના છે. જૈન ધર્મ સિવાયના અન્ય શ્રધ્ધાળુઓ પણ આ નવ દિવસની આરાધનાનો લાભ લે છે.
આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ આયંબીલનું તપ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાશ્ર્વતી નવપદ ઓળીના તપમાં માત્ર એક વખત એક જ જગ્યાએ બેસીને તેલ, ઘી, દહી, ગોળ, સબરસ અને સાકર વગરનો રસ અને સ્વાદરહિત આહાર કરવાનો હોય છે. તેમજ અચેત પાણીનો જ ઉપયોગ કરવામાંઆવે છે. આ દિવસોમાં તપ કરવાથી રોગપ્રતિકારક શકિત વધે છે. તેલ ઘી વગરનો ખોરાક ખાવાથી લીવરને રાહત મળે છે. અને મન પ્રસન્ન રહે છે. જે સાધનામાં સહાયક બને છે.
પ્રવર્તમાન સંજોગોને લીધે ઈતિહાસમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે આયંબિલ ઓળીમાં જૈન દેરાસરો અને ઉપાશ્રયો બંધ રહેશે આ વખતે આયંબીલ તથા ઓળીની આરાધના તપસ્વીઓ, ઘરે બેસીને જ કરશે હાલના સંજોગોમાં ઓળી દરમિયાન થતી ક્રિયાઓ જેવી કે ચૈત્યવંદન, સાથિયા ખમાસણ, કાઉસસ્સગ, દેવવંદન અને પ્રતિક્રમણ સહિતની ક્રિયાઓ લોકો ઘરે રહીને જ કરશે. આયંબિલ ભવનમાં પણ હાલ આયંબિલના તમામ કાર્યક્રમો બંધ રખાયા છે. આરાધકો શકિત મુજબ પોત પોતાના નિવાસ સ્થાને જ આયંબિલ તપની આરાધના કરી સાત એપ્રીલે પૂર્ણાહુતિ કરશે.
જીવનમાં તપનું મહાત્મ્ય
આ પર્વ વર્ષમાં બેવાર ચૈત્ર તથાક આસો માસમાંઆવે છે. આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત, પિત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે.તેથી આ દિવસોમાં તપ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે.તેથી જ તમામ દર્દનું ઔષધ તપને ગણવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિની સાથે આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ આયંબીલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામા આવે છે. શ્રી ઉતરાધ્યયન સૂત્રમાં પ્રભુ મહાવીરે પણ કહ્યું છે કે કરોડો ભવોનાં બાંધેલા કર્મો તપ કરવાથી નિર્જરી અને ખરી જાય છે. હિન્દુધર્મમાં પણ ગાયત્રી ઉપાસકો પણ ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાનોની સાથે પાંચ તપશ્ર્ચર્યા કરે છે. જે અંતર્ગત ઉપવાસ, બ્રહ્મચર્ય, ભૂમિ શયન, પોતાની સેવા પોતે જ કરવી તથા ચામડાની વસ્તુનો ત્યાગ કરે છે કહેવાય છે કે તપ કરવાથી લોહી શુધ્ધ થાય છે. લાલ રકતકણો વધે છે અને કાયા કંચન વર્ણી બને છે.