૯ માર્ચે હોળીના દિવસે હોળાષ્ટકની પૂર્ણાહૂતી
ફાગણ સુદ સાતમને સોમવાર તા.૨/૩/૨૦૨૦ના બપોરે ૧૨:૫૩ કલાકથી હોળાષ્ટકનો પ્રારંભ થશે. હોળાષ્ટકનું પૌરાણિક મહત્વ જોઈએ તો ભકત પ્રહલાદને ભસ્મ કરવા ફાગણ સુદ આઠમથી જ તૈયારી કરવામાં આવેલી અને હિરણ્ય કશ્યપે પોતાની બહેન હોલીકાની સાથે મળીને પ્રહલાદને સળગાવાનું ષડયંત્ર રચ્યું હતું. પ્રહલાદ વિષ્ણુ ભકત હતો પરંતુ હિરણ્ય કશ્યપ પોતાને જ ભગવાન માનતો હતો. આથી ભકત પ્રહલાદ તેમને ગમતો ન હતો આથી પોતાની બહેન હોલીકાને વરદાન હતું કે અગ્નિ તેને સળગાવી નહીં શકે આથી ફાગણ સુદ આઠમના દિવસથી જ એટલે તિથિ આઠમ બેસે ત્યારથી જ ભકત પ્રહલાદને સળગવાની તૈયારી કરી હતી.
તૈયારી એ રીતે કરી હતી કે હોલીકા ભકત પ્રહલાદને ખોળામાં લઈને અને હોળીમાં બેશે પરંતુ ગામ લોકોએ આજ દિવસથી ભય અને શોકના કારણે શુભ કાર્યો અટકાવી દીધેલા. આમ હોળાષ્ટકથી હોળી સુધીના દિવસોમાં શુભ કાર્યો થતા નથી. પ્રતિ વર્ષ પરંપરા મુજબ શાસ્ત્રોકત અનુસાર હોળીના સપ્તાહ પહેલા હોળાષ્ટક આવે છે અને હોળીના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ હોળાષ્ટક પૂર્ણ થાય છે. આ વર્ષે હોળીના દિવસે તા.૯/૩/૨૦૨૦ના રાત્રે ૧૧:૧૮ મીનીટે હોળાષ્ટક પૂર્ણ થશે. હોળાષ્ટક દરમ્યાન કોઈ નવું શુભ કાર્ય તથા માંગલિક કાર્ય કરવું ઉચિત ગણાતુ નથી. હોળાષ્ટકમાં વધુ સંસ્કારો વર્જત માનવામાં આવે છે. પરંતુ હોળાષ્ટક દરમ્યાન જપ, તપ, ગ્રહોની શાંતી, જન્મ નક્ષત્ર તથા યોગ શાંતી, લઘુરૂદ્ર, અભિષેક, કથા, ચંડીપાઠ વગેરે કરવા શુભ છે. લગ્નો, વાસ્તુ, જનોઈ, ખાતમુહૂર્ત, ઉદઘાટન વગેરે જેવા કાર્યો કરવા શુભ ગણાતા નથી.
ધુળેટી મંગળવારે તા.૧૦/૩/૨૦૨૦ના દિવસે છે ત્યારબાદ ૧૧/૩/૨૦૨૦ તથા ૧૨/૩/૨૦૨૦ના દિવસે લગ્નના મુહૂર્ત છે અને ત્યારબાદ લગ્ન પ્રસંગ માટે એક મહિનાનો વિરામ આવશે એટલે કે મીનારક કમુહૂર્તો તા.૧૪/૩/૨૦૨૦ થી શરૂ થશે. મીનારકમાં લગ્ન નથી થતા પરંતુ બીજા બધા શુભ કાર્યો થાય છે. મીનારક તારીખ ૧૪/૩/૨૦૨૦ થી ૧૩/૪/૨૦૨૦ એક મહિના સુધી ચાલશે અને ત્યારબાદ લગ્નગાળો પાછો શરૂ થશે.
હોળી પ્રગટાવવાનો શુભ સમય
ફાગણ સુદ પુનમને સોમવાર તા.૯/૩/૨૦૨૦ રાત્રે હોળી પ્રગટાવવાનો શુભ સમય છે. હોળી પ્રગટાવી પ્રદોષકાળમાં શુભ છે. પ્રદોષકાળ પ્રમાણે શુભ સમય સાંજે ૬:૨૬ થી ૮:૫૨ સુધીનો છે. ચોઘડિયા પ્રમાણે શુભ સમય રાત્રે ચલ ૬:૨૬ થી ૭:૫૭ કલાક સુધી શુભ છે તેમ શાસ્ત્રી રાજદિપભાઈ જોષી દ્વારા જણાવાયું છે.
હોળી-ધુળેટીમાં રાજમાર્ગો પર કલર ઉડાડવા પ્રતિબંધ
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું જાહેરનામુ
આગામી માર્ચ માસની તા. ૯ અને ૧૦ના રોજ હોળી અને ધુળેટીના તહેવાર આવતા હોઇ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ એ પોલીસ કમિશ્નરેટની હકુમત હેઠળ આવતા વિસ્તારમાં કોમી એખલાસ જળવાઇ રહે તથા ટ્રાફિક નિયમન અર્થે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાય છે.
આ જાહેરનામા મુજબ હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન પુરુષો, મહિલાઓ અને બાળકો દ્વારા જાહેર રસ્તા પર કે જાહેર સ્થળો પર આવતા જતાં રાહદારીઓ પર રંગ ન ફેંકવા, પાણી કે રંગવાળુ પ્રવાહી ભરેલા ફુગ્ગા ન ફેંકવા, કે તે માટેના સાધનો સાથે ન લઇ જવા, કાદવ કે તૈલી પદાર્થો ન ફેંકવા તેમજ જાહેર માર્ગો પર આમ તેમ ન દોડવું. આ ઉપરાંત કોમી એખલાસ જાળવવા અન્ય કોમની લાગણી દુભાય તેવું વર્તન ન કરવું. ટ્રાફીકને અડચણ થાય કે અન્ય કોઇને અકસ્માત કે ઇજા થાય તે રીતે વાહન ન ચલાવવા હુકમો કરાયેલ છે.
આ હુકમ પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળના વિસ્તારમાં તા.૯/૦૩/૨૦૨૦ થી તા.૧૦/૦૩/૨૦૨૦ના ૨૪ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શીક્ષાને પાત્ર થશે.