વિધાતાએ પતિવિયોગની સાથે આપ્યો વાઉને મળવાનો પણ સંયોગ ! ખરે જ પ્રભુ કૃપા !
ભીખ માંગીને જીવતા બાળકો ફકત પોતાનું વર્તમાન જ નહીં, પરંતુ ભવિષ્યને પણ અંધકારમય કરી દેતા હોય છે. એમનાં માં-બાપ આ વાત જાણતા હોવા છતાં પોતાના સંતાનોને ભિક્ષાવૃતિમાં સપડાયેલા રહેવા દેવા માંગતા હોય તો ઈશ્ર્વરની દ્રષ્ટિએ એમનાથી મોટા ગુનેગાર બીજા કોઈ નથી. કોઈ મજબુરી એવી નથી હોતી.
જે પોતાના પેટે જણેલા હાડ-માંસનાં બનેલા સંતાનને બીજા પાસે હાથ લાંબો કરવા વિવશ કરે ! લોહાનગરનાં વિધવા મીતાબેન સોલંકીનો કિસ્સો જયારે વાઉ પ્રોજેકટનાં સ્વયંસેવકોની સામે આવ્યો, ત્યારે તેમણે એમને આ કીચડમાંથી બહાર કાઢવાનાં હતા ! દીકરીનું નામ: અમન જેની ઉંમર ફકત પાંચ વર્ષ !
વાઉ પ્રોજેકટ અંતર્ગત જયારે અમનને શાળામાં પ્રવેશ અપાવવાની વાત થઈ, ત્યારે મીતાબેનને એ બિલકુલ પસંદ ન પડયું. એકની એક દીકરી અગર ભીખ માંગવાનું બંધ કરી દે તો ઘરમાં થતી આવક પણ અટકી જાય ને ? એ વિચારથી જ તેઓ નનૈયો ભણતા રહ્યા પરંતુ સરકારની વિધવા સહાય યોજના અને નેશનલ ફૂડ સિકયોરિટી સ્કિમનાં લાભાર્થી જાણયા બાદ તેમનામાં પરિવર્તન આવ્યું. અમનને ભીખ માંગવાની ના પાડીને તેમણે વાઉને કારણે પોતાની દીકરીને રાજકોટ મહાનગરપાલિકાની શાળા નંબર ૭૫માં પ્રવેશ અપાવ્યો. વાઉનાં શિક્ષકો પાસેથી રમતો રૂપે કાંઈક અવનવું શીખવા માટે પાંચ વર્ષની અમન તત્પર રહે છે.