3 મેચની ટી20 શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થશે : રિકુ સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું
ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં ટી20 શ્રેણી માટે આયર્લેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમના મુખ્ય ખેલાડીઓને પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જસપ્રીત બુમરાહ આ સિરીઝથી ક્રિકેટના મેદાનમાં કમબેક કરશે. તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 3 મેચની ટી20 શ્રેણી 18 ઓગસ્ટથી શરૂ થશે. આ પછી 20 અને 23 ઓગસ્ટે મેચ રમાશે.
જસપ્રીત બુમરાહ પ્રથમ વખત ટી-20માં ભારતીય ટીમની કપ્તાની કરશે. આ પહેલા તે ટેસ્ટ મેચોમાં ભારતની કમાન સંભાળી ચૂક્યો છે. બુમરાહે ભારત માટે છેલ્લી મેચ લગભગ 11 મહિના પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રમી હતી. તે ઈજામાંથી પરત ફરી રહ્યો હતો. પરંતુ એક મેચ બાદ જ ફરી ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે ટી20 વર્લ્ડ કપની સાથે આઇપીએલમાં પણ ભાગ લઈ શક્યો નહોતો.આ ટીમમાં કોઈ મુખ્ય ખેલાડીને સ્થાન મળ્યું નથી. જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સંજુ સેમસન સાથે રાખવામાં આવ્યો છે. જીતેશે IPLમાં પંજાબ કિંગ્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવી હતી. આ સાથે રિંકુ સિંહ અને તિલક વર્મા પણ ટીમમાં છે.