- સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડાની રાહતનો છેદ ઉડાડી રાજય સરકારે રૂ.3300 કરોડની ‘તિજોરી’ મજબુત કરી
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની તૈયારીઓ કરી લીધી છે. ગમે ત્યારે જંત્રીના દરમાં વધારો કરવાની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે. જોકે નવો જંત્રી દર અમલમાં આવે તે પહેલા રાજયની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 20 ટકા ‘અળસટો’ લગાવી દીધો છે. વર્ષ 2025-26ના વર્ષમાં રાજય સરકારને સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીથી થતી આવકમાં રૂ.3300 કરોડનો વધારો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
રાજયમાં જંત્રી દરમાં છેલ્લા ઘણા સમયથી વધારો કરવામાં આવ્યો ન હોય સરકાર દ્વારા જંત્રીદરમાં વધારો કરવા માટે સર્વ હાથ ધરવામાં આવ્યોહતો. ત્યારબાદ નવા સુચિત જંત્રીદર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં હયાત જંત્રી દરમાં 900 ટકા સુધીનો તોતીંગ વધારો કરવામાં આવતા રાજયભરમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો જનતા સાથે બિલ્ડરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જેના કારણે રાજય સરકાર દ્વારા સુચિત જંત્રી દર સામે વાંધા-સુચનો રજૂ કરવાની અવધીમાં વધારો કરવામાં આવ્યો હતો. હાલ સરકાર હજારો વાંધા અરજી પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સંભવત: 1 એપ્રિલથી રાજયમાં નવા જંત્રી દર લાગુ કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ વર્તાય રહી છે.
ચાલુ નાણાંકીય વર્ષમાં રાજય સરકારે બજેટમાં સ્ટેમ્પ ડયુટી અને નોંધણીમાંથી થનારી આવકનો અંદાજ રૂ. 16500 કરોડ રાખવામાં આવ્યો હતો. દરમિયાન નવા નાણાકીય વર્ષ અર્થાંત વર્ષ 2025-26માં રાજય સરકારને સ્ટેમ્પ ડયુટી અને નોંધણીમાંથી થનારી આવકનો અંદાજ રૂ. 19800 આંકવામાંઆવ્યો છે. જે ચાલુ વર્ષની આવક્થી 20 ટકા એટલે કે 3300 કરોડ જેટલો વધુ છે.
આ વાતનો બીજો અર્થ કાઢવામાં આવે તો રાજય સરકાર દ્વારા વર્ષ 2025-26માં જંત્રીના વર્તમાન દરમાં વધારો કરવામાં આવે તે વાત ફાઈનલ થઈ ચૂકી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અંદાજપત્રમાં સ્ટેમ્પ ડયુટીમાં રાહત જાહરે કરી છે. આ રાહતના છેદ ઊડાડી દીધા છે. સ્ટેમ્પ ડયુટીમાં રાહત આપવામાં આવી હોવા છતાં રાજય સરકારની આવકમાં 20 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “2025-26 માટે બજેટ અંદાજ તૈયાર કરતી વખતે, અમે ફક્ત ચાલુ આવકના વલણો અને હાલના જંત્રી દરોને ધ્યાનમાં લીધા છે, કારણ કે રાજ્ય સરકારે હજુ સુધી પ્રસ્તાવિત નવા જંત્રી દરો અંગે અંતિમ નિર્ણય લીધો નથી. જો સરકાર વધેલા જંત્રી દરો લાગુ કરે છે, તો સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી થતી આવક વર્તમાન બજેટ અંદાજ કરતાં વધી શકે છે.”
રાજ્યના મહેસૂલ વિભાગે જાન્યુઆરીમાં નવા સૂચિત સુધારેલા જંત્રી દરો માટે વાંધા અને સૂચનો એકત્રિત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. “મહેસૂલ વિભાગે હાલના જંત્રી દરોને ઓછામાં ઓછા બમણા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને કેટલાક કિસ્સાઓમાં, સૂચિત વધારો 2,000 ગણો છે. સરકાર અંતિમ નિર્ણય લેશે અને સુધારેલા દરો જાહેર કરશે,” એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, “એવી અપેક્ષા છે કે સરકાર નવા નાણાકીય વર્ષથી જંત્રીમાં ઓછામાં ઓછા 25% નો વધારો જાહેર કરશે. 2023 માં, રાજ્યભરમાં જમીનના પ્રવર્તમાન બજાર ભાવોના વ્યાપક સર્વેક્ષણ પછી જંત્રીના દરો બમણા કરવામાં આવ્યા હતા.”
ગુજરાત એક વિકસીત રાજય છે. વિકાસને વેગ આપવા માટે સરકારને નાણાંની આવશ્યકતા પડે છે. આવામાં વિકાસને વેગવાન બનાવવા માટે સરકાર દ્વારા આવકના નવા સ્ત્રોત ઉભા કરવા જરૂરી છે. જે રીતે રાજય સરકારે બજેટમાં સ્ટેમ્પ ડયુટીની આવકમાં 3300 કરોડનો વધારો થવાનો અંદાજ લગાવાયો છે તેના પરથી એકવાત નિશ્ર્ચિત બની ગઈ છે કે નવા નાણાંકીય વર્ષ અર્થાંત 1 એપ્રિલ બાદ ગમે ત્યારે જંત્રીના હયાતદરમાં વધારો કરવાની ઘોષણા રાજય સરકાર દ્વારા કરવામાં આવી શકે છે.