મધ્યપ્રદેશનું અફીણ ગોધરા આવે એટલે તેમાં બળેલી ખાંડ, પોસ ડોડવાનો ભુકો અને ઘેનની ગોળીઓ નાખી વજનમાં ચાર ગણો વધારો ગુનેગારો કરતા !
ફોજદાર જયદેવે રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાંથી રેલવે રસ્તે ગુજરાતમાં આવતા ઈગ્લીશદારૂ, અગ્નિશસ્ત્રો (કટા) અને અફીણનાં જથ્થાને પકડવા વ્યવસ્થિત આયોજન પૂર્વક ઝુંબેશ શરૂ કરી ઈગ્લીશ દારૂ વાળા તો સહેલાઈથી ઝડપાઈ જતા હતા પરંતુ હથીયારો (કટા)ને અફીણનો જથ્થો કદમાં પ્રમાણમાં ઓછો અને નાનો હોઈ સહેલાઈથી ચોરી છૂપીથી સંતાડી શકાય તેવો હોય પકડવામાં મુશ્કેલી રહેતી.
જેથી ડી સ્ટાફના નિષ્ણાંત અને અનુભવી કોન્સ્ટેબલ છત્રસિંહ ચૌહાણને જયદેવે બરાબર પાનો ચડાવ્યો અને તેમણે મહેનત પણ સારી કરી પરંતુ પરિણામ મળતુ નહતુ જેથી જયદેવે ચર્ચા વિચારણાને અંતે જાણ્યું કે અફીણના કેરીયર તરીકે મધ્યપ્રદેશના ગરીબ આદિવાસીઓનો ઉપયોગ થાય છે.આથી જયદેવે મધ્યપ્રદેશમાંથી દિવસે પસાર થતી હોય અને રાત્રીનાં ગોધરા રેલવે સ્ટેશને આવતી હોય તેવી ટ્રેનોનું લીસ્ટ બનાવવા સ્ટેશન માસ્તર માર્તંડને મળ્યો.
સ્ટેશન માસ્તર માર્તંડે કહ્યુંકે સાંજે સાડા સાત વાગ્યે ગોધરા આવતો દહેરાદૂન એક્ષપ્રેસ દિવસના લોકલ હોય છે. અને રાત્રીનાં ગોધરા પછી મુંબઈ સુધી સુપરફાસ્ટ છે. તે મધ્ય પ્રદેશના તમામ નાના નાના સ્ટેશનોએ ઉભો રહેતો આવે છે. ચંબલઘાટી વિસ્તારનાં સાવ નાના સ્ટેશનએ પણ ઉભો રહે છે. બીજી ઈન્દોરથી મુંબઈ જતી રાત્રે ત્રણ વાગ્યે આવતી અમરાવતી એકસપ્રેસ અને સવારે પાંચ વાગ્યે ભોપાલથી આવી રાજકોટ જતી ભોપાલ એક્ષપ્રેસ ટ્રેનો મધ્યપ્રદેશમાંથી આવે છે.
જયદેવે અફીણના કેરીયરને પકડવા માટે સૌરાષ્ટ્રમાં જેમ શિકારીઓ સસલાને ઝડપવા માટે મવટો બાંધે તેમ મવટા વ્યુહ અપનાવ્યો. શિકારીઓ જે વિસ્તારમાં સસલા વધારે આવતા હોય તેના આવવા સિવાયના ભાગવાના જેટલા રસ્તા હોય તે રસ્તા ઉપર મજબુત પણ પાતળી જાળીની ઝાળ બાંધી દે છે.
અમુક સમયે સસલા ચારો ચરવા આવી ગયાનું જાણી શિકારી સસલા જે માર્ગે આવ્યા હોય ત્યાં આવીને સીસકારે અને હાંકલા પડકારા કરે એટલે સસલાઓ બચવા માટે અવાજની વિરૂધ્ધ દિશામાં બચવા માટે આંધળી અને ઝડપી દોટ મૂકે અને આગળ શું છે તે બારીકાઈથી જુએ નહિ અને ઝાળમાં ફસાઈ જાય અને બચવા માટે સસલુ જેમ તાકાત કરતુ જાય તેમ ઝાળમાં ફસાતું જાય ત્યાંતો શિકારી ત્યાં પહોચી ને સસલાની ડોક મરડી નાખે આ પધ્ધતિને મવટો બાંધ્યો કહે છે. સૌરાષ્ટ્રમાં જયદેવે આવી કેટલીય ઝાળો સીમ વિસ્તારમાં પકડી ને સળગાવી ને નાશ કરેલો.
દિલ્હી રતલામ બાજુથી ગોધરા આવતી તમામ ટ્રેનો નિયમિત રીતે પ્લેટ ફોર્મ નંબર એક ઉપર જ ઉભી રહેતી જેથી જયદેવે અમુક જવાનોને પૂરા યુનિફોર્મમાં પ્લેટફોર્મ નંબર એક ઉપર જયાં મુસાફરો ચડ ઉતર કરતા હોય ત્યાં ટ્રેનમાં બેઠેલા મુસાફરી જોઈ શકે તે રીતે ગોઠવ્યા અને અમુક મજબુત અને દોડાદોડી કરી શકે તેવા યુવાન જવાનોને પ્લેટ ફોર્મ નંબર એકની ઓફ સાઈડ એટલે કે બીજી બાજુ પ્લેટ ફોર્મ નંબર બે તરફ સાદા કપડામાં ગોઠવી દીધા. જયદેવે જવાનોને ખાસ સુચના કરી કે જે મુસાફર ઓફ સાઈડમાં ઉતરે તેને અવશ્ય રીતે પકડી જ લેવાનો અને પોતાની પાસે રજૂ કરવાનો છે.
દહેરાદુન એક્ષપ્રેસ ટ્રેન થોડી મોડી હતી એટલે સવા આઠ વાગ્યે ગોધરા સ્ટેશન ઉપર આવી અને આયોજન મુજબ પોલીસ જવાનોએ ચપળતા અને સતર્કતાથી કામ કરતા ટ્રેનની ઓફ સાઈડમાં ઉતરીને નાસવા જતો એક ઈસમ પકડાઈ ગયો અને તેને પકડીને પ્લેટફોર્મ નંબર એક ઉપર જયદેવ હતો ત્યાં લાવ્યા ટ્રેન રવાના થઈ ગઈ અને પ્લેટ ફોર્મ ખાલી થઈ ગયા પછી જયદેવે આરોપી ને એક ચા ના સ્ટોલ ઉપર લાવી લાઈટના અજવાળામાં પંચો રૂબરૂ આ પકડાયેલા વ્યકિતની ઝડતી તપાસ કરતા તેણે શરીર ઉપર ધોતી અને કડીયું પહેર્યું હતુ આ કડીયું એટલે ગુજરાતમાં માલધારીઓ રબારી ભરવાડો જે શર્ટની જગ્યાએ આખી બાંયનું અને કમ્મરે ઘેર વાળુ વસ્ત્ર પહેરે છે. તે કડીયા નીચે અન્ડર વેર કે ગંજી લાંબી ચાળ વાળુ હતુ અને તેની નીચે ધોતી બાંધેલી હતી.
પરંતુ ધોતીનાં નેફામાં કાંઈક વિચિત્ર રીતે કાપડનો પાટો બાંધ્યો હતો. તે ખોલવાનું કહેતા તેણે કહ્યું કે સાહેબ કમર દુ:ખે છે. માટે પાટો બાંધ્યો છે. પરંતુ પાટા ઉપર હાથ ફેરવતા પાટામાં પ્લાસ્ટીકની કોથળીઓ જણાઈ તેથી પાટો પરાણે પંચો રુબરૂ ખોલાવ્યો જે પાટો પાંચેક ઈંચ પહોળો બે પડ વાળો અને વચ્ચે ઉભી સીલાઈ કરી પાંચ ખાના બનાવેલા તે એક ખાનામાં એક પ્લાસ્ટીકની કોથળી હતી જેમાં તાજા અફીણનો માવો કે ઘાટો રસ ભરેલો હતો. આ પટ્ટો પેટે એવી રીતે બાંધ્યો હતો કે તેની ઉપર ધોતી નો નેફો ગંજી અને ઘેરદાર કડીયું તેની ઉતર હાથ ફેરવો તો પણ પ્રથમ દ્રષ્ટીએ આ પાટો છે તેની ખબર પડે નહિ.
આ પાંચ પેકેટનું કુલ વજન અઢી કિલો થયું અને એક કોથળી તોડતા જ કથ્થાઈ કાળા ઘાટા અને તિવ્ર વાસ વાળા પણ શુધ્ધ અફીણની વાસ આવી. કોન્સ્ટેબલ છત્રસિંહે કહ્યું અરે વાહ આતો ૧૦૦ ટચનો શુધ્ધ માલ છે. આ રસ ને કમાવીને (પ્રોસેસ કરીને) હજુ બીજો દસ કિલો માલ (અફીણ) આ લોકો બનાવશે. જયદેવને નવાઈ લાગી કે એવી તે કેવી ભેળસેળ અફીણ ચાર ગણું બને? આથી છત્રસિંહે કહ્યું ‘સાહેબ આ અફીણ પેલા અમેરિકાના કોકા કોલા પીણાની ‘ફોર્મ્યુલા’ (મુળ રસાયણ) જેવું છે.
જેમ કોકાકોલાનું મુખ્ય ફોર્મ્યુલા રસાયણ અમેરિકાથી આયાત થઈ ભારત આવે અને અહિં ભારતમાં તેને, ડીસ્ટીલ વોટર (શુધ્ધ ફીલ્ટર કરેલુ પાણી) ખાંડ વિગેરેનું પ્રવાહી તૈયાર કરી તેમાં થોડા જ પ્રમાણમાં ફોર્મ્યુલા રસાયણનો ઉમેરો કરી બોટલોમાં ભરી પેક કરી વેચવામા આવે છે. તે રીતે’ પણ છતા જયદેવ સમજયો નહિ તેથી છત્રસિંહે ચોખવટ કરી કે આ અફીણ અહી સ્ટેશનની બહાર શહેરની હદમાં આવેલ ખાડી ફળીયામાં ગમે તે રીસીવર ને આપ્યા પછી અહીનો રીસીવર તેની લેબોરેટરી (રસોડા)માં તૈયાર રાખેલ પોસ ડોડવા કે જે લાયસન્સ ઉપર મળે છે.
અને તે અફીણના ઝાડની સુકાવેલા છાલો અને ડાંખળા જ હોય છે અને તેમાં પણ જુદા જ પ્રકારનો પણ ખતરનાક નશો હોય છે તેનો બારીક ભૂકો અર્ધ બળેલી ખાંડની તૈયાર કરેલી પેસ્ટ અને બજારમાં જે ઉપલબ્ધ હોય તે ઘેન કે ઉંઘની ગોળીઓનો ભૂકો જરૂરીયાત મુજબ ભેળવી ને કદ ચાર ગણુ બનાવી દે છે. સહજ રીતે મધ્યપ્રદેશમાંથી અફીણની ખરીદી તો મફતના ભાવે જ હોય અને આ ભેળ સેળવાળાની કિંમત અનેકગણી છતા બંધાણીઓ તે ખરીદવા પડાપડી કરતા હોય છે. પછી ભલે તે મોતનો સામાન હોય ! આ ભેળસેળ પછીનો માલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેરીયરો આવી ને લઈ જાય છે.
પણ આ કેરીયરો પણ રસાયણ શાસ્ત્રીના દિકરા જ હોય છે. તેઓ પણ ગોધરાથી આવેલ ભેળસેળ વાળા અફીણને પાકો માલ કહે છે તેથી તેઓ વળી તેમના ઘેર દેશી ગોળ ઉકાળી પોણા ભાગ જેટલો બાળી કાળો માવો થાય એટલે પાકા માલનો ડબલ કરે અને તે પછી તે માલ માર્કેટમાં ચોરી છુપીથી ગ્રાહકો ને મુળીના લીયાગામના એજન્ટ ગારા વજસી જેવાઓ (જુઓ પ્રકરણ ૭૧ ‘નશાનું બળ-૧’) બંધાણીઓને ઉંચા ભાવે વેચે છે.
અને બંધાણીઓ પણ તેમના પોતાના આ મોતના સામાનને ગરજ ના ભાવે હોંશે હોંશે ખરીદીને ડાયરા અને મહેફીલો જમાવીને જમે છે. વળી આ મોતનો સામાન અમુક જ્ઞાતિઓમાં તો લગ્ન સમયે પીરસાય છે. પણ કોઈના મૃત્યુ પછી પણ બાર દિવસ આની જમાવટ થાય છે!
તે સમયે હજુ અફીણના કેસો પ્રોહીબીશન એકટ નીચે જ નોંધાતા હતા. પોલીસ ખાતામાં હજુ નવો સેશન્સ કોર્ટ ટ્રાયલ કાયદો ‘નારકોટીકસ ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપીક સબ સ્ટન્સ એકટ’ અમલ કરવાના પરિપત્રો ચાલુ હતા. આ કાયદાના હજુ પુસ્તકો પણ આવ્યા ન હતા. કયાંય તેનો અમલ શરૂ થયો ન હતો
. જયદેવે આ કાયદા અંગેના ઈગ્લીશમાં આવેલા પરિપત્રો વાંચેલા તેમાં જણાવેલ હતુ કે આ કાયદા મુજબ ઓછામાં ઓછી દસ વર્ષની સજા અને એક લાખ રૂપીયા દંડની જોગવાઈ જાણેલી. તેથી જયદેવે પોલીસ સ્ટેશનમાંથી ઓફીસ પરિપત્ર ફાઈલમાંથી આ નારકોટીક કાયદાનો પરિપત્ર કાઢી જરૂર પૂરતી કલમો નકકી કરી જયદેવે પ્રોહીબીશન એકટની કલમો મુજબ તો કાર્યવાહી દર્શાવી પણ સાથે આ નવા નારકોટીક ડ્રગ્ઝના કાયદાની કલમોનો પણ ઉમેરો કરીને પંચનામા, એફ.આઈ.આર.ની કાર્યવાહી કરી. આમ ગુજરાતમાં સર્વ પ્રથમ નારકોટીક ડ્રગ્ઝના કાયદા મુજબ પહેલો ગુનો નોંધનાર અને ફરિયાદી તરીકે જયદેવે શરૂઆત કરી.
ગુન્હો નોંધી ને આ ગુન્હાની તપાસ જયદેવે ચીલાચાલુ રીતે જાતે જ સંભાળી લીધી કેમકે ત્યારે હજુ પરિપત્રો કે રૂલીંગો મેન્ડેટરી પ્રોવીઝન (અમુક ચોકકસ પાળવાના નિયમો) માટે આવ્યા નહતા કે રેઈડ કરનાર અધિકારી જાતે જ આ ગુન્હાની તપાસ ન કરી શકે.
જયદેવ તેના માણસો અને આરોપી ને સાથે લઈને ખાડી ફળીયામાં જેને અફીણ પહોચાડવાનું હતુતેના ઘેર આવ્યા. પોલીસની જીપ આવેલી જોઈને શેરીમાં ખરીદી માટે આવેલા અને રાહ જોઈ ઉભેલા કાઠીયાવાડી માલધારીઓ બુટ કાઢીને ત્યાંથી ‘બાંડા રોઝની જેમ નાઠયા’ ઘરધણી બહાર શું દેકારો થયો તે જોવા બિન્દાસ્ત પણે બહાર નીકળતા પોલીસે તેને ઝડપી લીધો અને કાયદેસરની કાર્યવાહી કરી.
કબ્જે થયેલો મુદામાલ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં રાસાયણીક પૃથ્થકરણ અને અભિપ્રાય માટે મોકલ્યો. આરોપીઓના રીમાન્ડની માંગણી કરતા એક મધ્યપ્રદેશના આરોપીની જ બે દિવસની રીમાન્ડ મળી પરંતુ સમય મર્યાદામાં મધ્યપ્રદેશના આરોપીની પૂછપરછ કરી આ ગુન્હાની પુરી વિગત જાણવી જે વિગત નીચે પ્રમાણે હતી.
તેઓને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અમુક તાલુકાઓમાં તે રાજયના નશાબંધી અને આબકારી ખાતા દ્વારા કડક શરતોને આધીન ખેડુતોને અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવતી હતી જેનો હેતુ દવાઓ અને ઔષધો બનાવવા માટે અફીણ મેળવવાનો સારો હોય છે.
જેમાં અફીણનું તમામ ઉત્પાદન તલાટી કમ મંત્રીની નીગરાનીમાં કરી સરકારમાં જમા કરાવવાનું હોય છે. પરંતુ જેમ તમામ ધંધામાં તેમ આ અફીણની ખેતીમાં પણ ટુંકા રસ્તે મોટો ફાયદો થતો હોય ખેડુતો પોતાના ખેતરોમાં પેદા થતા અફીણનાં જથ્થામાંથી અમુક જથ્થો ચોરી છુપીથી કાઢી લઈ ગરીબ માણસોકે જેઓ સાવ કંગાળ હોય તેમને આર્થિક લાલચ આપી કેરીયર તરીકે ઉપયોગ કરી આ રીતે અફીણ ગુજરાત પહોચાડતા ખેડુતોમાં પણ સજજન અને સધ્ધર ખેડુતો આ બે નંબરનો ધંધો કરતા નહિ.
જયદેવે પકડાયેલા આરોપીથી પૂછપરછ કરી મુળ ખેડુત આરોપીનું નામ ઠામ મેળવતા તે દુર્જનસિંહ ચૌધરી મધ્યપ્રદેશના કુખ્યાત ચંબલઘાટીમાં આવેલ પંતબરોલી પોલીસ સ્ટેશનનાં બીનપૂરા ગામનો હતો. આ પંત બરોલી જવા માટે મધ્યપ્રદેશના વિક્રમગઢ (આલોટ) રેલવે સ્ટેશને ઉતરવું પડે. આ વિક્રમગઢ રેલવે સ્ટેશન પણ સાવનાનું હતુ ત્યાં કોઈ એકસપ્રેસ ટ્રને ઉભી રહેતી નહિ પણ દહેરાદૂન એકસપ્રેસ જે દિવસનો લોકલ પેસેન્જર બનતો હોય તે આવતા અને જતા વિક્રમગઢ ઉભો રહેતો.
જયદેવે સ્ટેશન માસ્તરથી જરૂરી પાસ મેળવી ખાતાની મંજૂરી મેળવી બીનપૂરાના ખેડુત આરોપીને પકડવા બે ચાર જવાનો ને લઈને દહેરાદૂન ટ્રેનમાં જ જવાનું નકકી કર્યું પરંતુ અનુભવી કોન્સ્ટેબલ છત્રસિંહે કહ્યું ‘સાહેબ મધ્યપ્રદેશની પોલીસ પાસે વધુ અપેક્ષા રખાય નહિ વળી વિસ્તાર પણ દુર્ગમ અને ખતરનાક છે.
વાહન વગર જવું જોખમી છે. ‘જયદેવે કંહ્યું’ કાંઈ વાંધો નહિ જુઓ તો ખરા!’ પરંતુ રેલવે પોલીસને તો જયદેવની ધોકા છાપ અધિકારીનીજ છાપ હતી અને કદાચ ત્યાં એવું થાય તો માર ખાવાનો જ વારો આવે તેથી થોડા ગભરાયા પણ જયદેવે કહ્યું કે આરોપીને કયાં કોઈ ઓળખે છે. અને તે કાંઈ સામેથી તો આવશે નહિ આ તો કાગળની કાર્યવાહી છે. અને તે પુરી કરવાની છે. તેમ કહી તમામ ને સમજાવ્યા પરંતુ જયદેવના મનમાં કાંઈક જુદો જવિચાર ચાલતો હતો.
ગોધરાથી જયદેવ તેની ટીમ લઈને સવારની દહેરાદૂન એક્ષપ્રેસનાં ફર્સ્ટકલાસના કુપેમાં રવાના થયો ફર્સ્ટ કલાસમાં આ કૂપે એટલે ઉપર નીચે ફકત એક સીટનો અલાયદો વિભાગ હોય છે. ગોધરાથી પીએસઓએ દાહોદ આઉટ પોસ્ટના જમાદારને આ ટીમ રવાના થઈ તેના સમાચાર આપેલા હશે તેથી બે કલાક પછી દહેરાદૂન દાહોદ પહોચ્યો ત્યારે દાહોદના પ્લેટફોર્મ ઉપર તેઓ હાજર હતા અને જયદેવ તથા તેની ટીમની વાના ખાતરી અંગ્રેજી ગવર્નર જેવી કરી.
અંગ્રેજોના ભારતના શાસન દરમ્યાન અંગ્રેજ અધિકારીઓ માટે અકેસપ્રેસ ટ્રેનોમાં સ્પેશ્યલ અલગ ડબ્બો જ જોડાતો જેને સલુન કહેવાતું તે સલુમાં પંચતારક હોટલ જેવી જમવાથી લઈ તમામ સગવડો રહેતી વળી જયા આ ટ્રેન ઉભી રહે ત્સલુન ઉપર ભારતીય અધિકારીઓ તેમનું ખાસ અભિવાદન કરવા હાજર રહેતા. તે સમયે રેલવે પોલીસ અધિકારીની ટ્રેનની સફર એટલે ગવર્નર જેવી જ હોય. સાથેના માણસો પાણી માગે ત્યાં દુધ હાજર કરે. તમામ પ્રકારનાં ન્યુઝ પેપરો, મેગેજીનો હાજર થઈ જાય તમામ સ્ટેશને કુપેમાં આવી મોઢુ બતાવી જાય કે કાંઈ જરૂરત કે તકલીફ તો નથીને?
દહેરાદૂન એકસપ્રેસ દિવસના તો લોકલ જ હ તો. ગુજરાતના દાહોદ સ્ટેશન પછી ટ્રેન ગાઢ જંગલોમાં પ્રવેશી અને રાજસ્થાનના નહારગઢ અને રતલામ સ્ટેશનો પછી ટ્રેન મધ્યપ્રદેશમાં પ્રવેશી અલગ અલગ પ્રદેશો અલગ અલગ પ્રજા અને અલગ સંસ્કૃતી સ્ટેશને સ્ટેશને જોવા મળતી હતી બપોરના બે વાગ્યે દહેરાદૂન ટ્રેન મધ્યપ્રદેશના વિક્રમગઢ આલોટ રેલવે સ્ટેશને આવી સાવ નાનુ સ્ટેશન હતુ ટ્રેન રવાના થયા પછી બે ત્રણ રેલવે કર્મચારી જ હતા.
બાકી તમામ સુમસામ ઉજજડ શાંતિ, અહીથી પંતબરોલી પોલીસ સ્ટેશને જવાનું હતુ જોગાનું જોગ એક પેસેન્જર બસ મળી ગઈ તે ખાલી જ હતી. પણ સીટમાં બેસવા માટે ગાદીને બદલે ફકત લાકડાના પાટીયા હતા. ગુજરાત પોલીસે આ પહેલી વખત જોયું હતુ વિક્રમગઢથી પંતબરોલી ગામ પાંત્રીસ કિલોમીટર દૂર હતુ.
જયદેવે ટીમ લઈને પંતબરોલી પોલીસ સ્ટેશને આવ્યો ગુજરાત પોલીસ જેવી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ત્યાં ફળીયામાં લીંબડાના ઝાડ નીચે એક સંત્રી (હથીયાર ગાર્ડ) હતો. તેણે સાવધાન થઈ મોટેથી હુકમ બોલ્યો ‘ગાર્ડ સાવધાન’ અને ફરથીથીગુજરાત પોલીસ સામે જોઈને બોલ્યો ‘થં…ભ, કૌન આતા હૈ?’ આથી બીજા ત્રણ ગાર્ડ પણ બેરેકમાંથી દોડીને આવીને તેની લાઈનમાં ફોલઈન (ઉભા) થઈ ગયા.
ગુજરાત પોલીસ ઉભી રહી ગઈ. પણ જયદેવને પોલીસ ખાતાની આ પધ્ધતિની ખબર હતી કે જે તે જગ્યાના રક્ષણ માટે તહેનાત ગાર્ડો પૈકી એક ગાર્ડ કે સંત્રી જ સામાન્ય રીતે હોંશીયાર કે સજાગ હોય છે. જયારે કોઈ અજાણ્યા માણસો કે ભયજનક વ્યકિત આવે ત્યારે બેરેકમાં બેઠેલા બીજા ગાર્ડને આ રીતે તૈયાર કે હોંશિયાર કરવા આ કાર્યવાહી કરવામાં આવે છે.
જયદેવે પોતાનું ઓળખ પત્ર સંત્રીને બતાવતા, ગાર્ડ કમાન્ડરે ઓળખ પત્ર જોઈ ખરાઈ કરી એક સંત્રીને થાણામાં સંદેશો આપવા મોકલ્યો, થાણામાંથી એક જવાન આવી જયદેવ તથા તેની ટીમે પોલીસ સ્ટેશનમાં થાનેદાર પાસે લઈ ગયો. થાણેદારે જયદેવને આવકાર આપી બેસાડયો.
જયદેવને નવાઈ લાગતા થાણેદારને પૂછયું કે પોલીસને જોઈને પણ આ ગાર્ડ આવી રીતે સાવધાન થઈ આટલી ચીકાશ કરે? થાણેદારે જવાબ આપ્યો કે અહી અગાઉ ચંબલના ડાકુઓ પોલીસના વેશમાં આવી ગાર્ડ સહિત તમામ પોલીસને બાન કરી પોલીસ સ્ટેશનના તમામ હથીયારો અને દારૂગોળો લૂંટી ગયા હતા તેથી આટલી ખાત્રી કરવામાં આવે છે!