બગદાણા, દ્વારકા, અંબાજી ગબ્બર, માતાનો મઢ અનેક મંદિરોમાં ભક્તિ સેવા કરે છે
પવિત્ર શ્રાવણ માસ ભગવાન ભોળાનાથ ભક્તિનો પાવનકારી મહિનો આવી રહ્યો છે. તે પૂર્વે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ બાપુનગર નિકોલના 350 થી વધુ સ્વયંસેવક ભક્તો વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર અને તેના હસ્તકના અન્ય મંદિરો, અતિથિ ગૃહો, ચોપાટી સહિતના સ્થળોએ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા યજ્ઞ કરી શ્રાવણ માસ શરૂ પૂર્વે ચોખ્ખું ચણક કરવાની અનોખી શિવભક્તિ કરશે.
સંસ્થાના પ્રમુખ હરેષભાઇ સોનીએ જણાવ્યું કે સોમનાથ ખાતે આ રીતની સેવા ભક્તિ છેલ્લા બાર વરસથી બજાવીએ છીએ. સાફ-સફાઇના તમામ સાધનો તથા અમારા જમવાના રસોડા વ્યવસ્થા પણ અમો જાતે લેતા આવીએ છીએ અને સવારે 9:00 વાગ્યા બાદ સોમનાથ મંદિર, તેના સંકુલમાં આવેલા મંદિરો, અહલ્યાબાઇ સોમનાથ મંદિર, ભાલકા, ભીડીયા, ગીતામંદિર, પ્રાચી, સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહો સહિત સ્થળોએ રાઉન્ડ ધ ક્લોક સફાઇ કરીશું.
હરેષભાઇ આગળ ઉમેરે છે કે આ રીતે અમે દર મહિને એકવાર જુદા-જુદા પાવનકારી મંદિરોમાં સ્વચ્છતા ભક્તિ કરીએ છીએ.સોમનાથ મંદિર ખાતે છેલ્લા બાર વરસથી આ પુનિત કાર્ય સેવા કરીયે છીએ. જેમાં સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સોમનાથ ટ્રસ્ટ સેનીટેશન શાખા-કર્મચારીઓ, વેરાવળ-પાટણ નગરપાલિકાનો સહકાર મળે છે. અમોએ બગદાણા, દ્વારકા, અંબાજી, ગબ્બર, માતાનો મઢ, ભુરખીયા હનુમાન, સતાધાર, મોમાઇ મોરાગઢ મંદિર સહિત અનેક મંદિરોમાં આ કાર્યથી ભક્તિ-સેવા કરીએ છીએ.