દેશના ખુણે-ખુણેથી બુથ લેવલની વિગતોનું વિશ્લેષણ કરશે કોંગ્રેસ!
પરિણામનાં વિશ્લેષણમાં અનુમાન અને મળેલા પરિણામો ઉપર પક્ષ દ્વારા કરાશે સર્વે
૨૦૧૯ લોકસભાની ચુંટણી પૂર્ણ થતાં જનાદેશ ભાજપ તરફનો આવ્યો છે ત્યારે પોતાની હારનું વિશ્લેષણ કરતાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાનાં ઉમેદવારોને આદેશ કર્યો છે કે, ૭ જુન પહેલાં ફોર્મ નં.૨૦ કે જે વિગતો દર્શાવે છે તે હાઈકમાન્ડમાં પહોંચાડવામાં આવે.
ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેકવિધ પ્રકારે ચુંટણી જંગ જામ્યો હતો પરંતુ વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ બુથ લેવલની કામગીરીમાં સતત કોંગ્રેસ પક્ષ કરતાં આગળ રહ્યું હતું અને તેને બુથ લેવલથી કાર્યકરોને તૈનાત કરી મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. જયારે કોંગ્રેસ પક્ષ બુથ લેવલ સુધી પહોંચવામાં પૂર્ણત: અસક્ષમ અને નિષ્ફળ નિવડયું હતું જેનાં પરીણામ સ્વરૂપે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કારમો પરાજયનો સામનો પણ કરવો પડયો હતો ત્યારે આ પરાજયનું કારણ જાણવા માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ફોર્મ નં.૨૦ કે જે મતોની ગણતરી અને પ્રારંભિક વિગતો આપતું હોય છે તે તમામ કોંગ્રેસનાં ઉમેદવાર કે જેઓ લોકસભામાં ચુંટણી લડયા હતા તેઓએ તેમનું ફોર્મ ૭ જુન સુધી પાર્ટી હાઈકમાન્ડને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા બુથ લેવલનું વિશ્લેષણ કરવામાં આવશે જેથી મતદાનનો ટ્રેન્ડ કયાં અને કેવી રીતનો રહ્યો હતો અને ગણતરી કયાં ખોટી પડી હતી તે પણ ખ્યાલ આવશે. કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભા લડેલાં તમામ ઉમેદવારોએ તેમનાં ફોર્મ નં.૨૦ કે જે ચુંટણીપંચ દ્વારા આપવામાં આવ્યા હતા તેને હેડકવાર્ટરમાં ૭ જુન સુધી પહોંચાડવાનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં ઉમેદવારોને બુથ વાઈઝ મળેલા મતદાનો અંગેનું વિશ્લેષણ કરવામાં આવશે. આ ફોર્મ મેળવ્યા બાદ પાર્ટી દ્વારા મતદાન પૂર્વે કરવામાં આવેલા અનુમાન અને ત્યારબાદ મતદાન બાદ જે મતો મળેલા છે તે બંને વચ્ચેનાં તફાવતને લઈ વિશ્લેષણ કરાશે અને સાચી હકિકત બહાર આવશે. વિશેષરૂપથી વાત કરવામાં આવે તો જે પ્રિ-પોલમાં જે અનુમાન લગાવવામાં આવ્યું હતું અને જે સર્વે કરવામાં આવ્યો હતો તેનાથી વિપરીત જ પરીણામ આવ્યું છે જેનાથી કોંગ્રેસ ચિંતિત થઈ જતાં આ પગલું લેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારો ચુંટણી લડયા છે તે તેમનાં ફોર્મ નં.૨૦ને પાર્ટી હાઈકમાન્ડને સુપ્રત કરે જેથી સાચી હકિકત સામે શકે.
કોંગ્રેસ પક્ષ દ્વારા આજે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તેને જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, આગામી વિધાનસભાની ચુંટણી હોય કે આવનારી બીજી લોકસભાની ચુંટણી હોય તેમાં ભાજપ જે રીતે બુથ લેવલ પર કાર્ય કરી રહ્યું છે તેવી જ રીતે હવે કોંગ્રેસ પણ બુથ લેવલ ઉપર કાર્યરત થશે અને મતદારોને રીઝવવાનાં તમામ પ્રયત્નો હાથ ધરશે. આ એક હકારાત્મક અભિગમ કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાઈ રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે, આ પ્રયોગ કેટલા અંશે યોગ્ય પુરવાર થશે કે કેમ ? પરંતુ કોંગ્રેસને મળેલા પરાજયથી કોંગ્રેસ પક્ષ તેના દ્વારા થયેલી ભુલોનું વિશ્લેષણ કરવા માટે આગળ આવી છે તે એક હકારાત્મક અભિગમ માની શકાય.
ચુંટણી પૂર્વે કોંગ્રેસનાં ઉમેદવાર કે જેઓ તેમની જીતનો દાવો કરતા હતા અને મતદાન કેટલાઅંશે કોંગ્રેસનાં તરફેણમાં થશે તેવી આગાહી જે કરતા હતા તેનાથી વિપરીત જ પરીણામ સામે આવતા પક્ષ સ્તબ્ધ થઈ ગયું છે અને કયાં કચાશ રહી છે તે જોવા માટે આ તમામ પ્રયોગો હાથ ધરી રહ્યું છે. ફોર્મ નં.૨૦નું વિશ્લેષણ થતાની સાથે જ એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે જે ઉમેદવારો દ્વારા જે પક્ષને ચિત્ર દેખાડવામાં આવ્યું હતું અને જે મતો વિશે માહિતી આપવામાં આવી હતી તે શું કામ ન સાચી સાબિત થઈ તે પક્ષ માટે એક મોટો પ્રશ્નાર્થ સાબિત થયો છે ત્યારે અંતમાં કહી શકીએ કે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જે ફોર્મ નં.૨૦ને લઈ પ્રક્રિયા હાથ ધરાશે તેનાથી સાચી હકિકત પણ સામે આવશે અને ઉમેદવારો સામે શું પગલા લેવા તે પણ સ્પષ્ટ થઈ જશે.