લોકોને સ્પર્શતી બાબતોને કેન્દ્ર સ્થાને લઈ ચૂંટણીલક્ષી ભાગદોડ શરૂ વિવિધ કામોની મંજૂરી આપવા મંત્રીઓને લેખિતમાં દરખાસ્તો
વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી હવે ધારાસભ્યોએ દોડધામ શ‚ કરી આટલા વર્ષો દરમિયાન રોડ રસ્તા પાણી વગેરેની સમસ્યાથી પીડાતા લોકોને રિઝવવા માટેની કવાયત શ‚ કરવામાં આવી છે. આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી અગાઉ પ્રચાર અને પ્રસારમાં કયા મુદા ઉઠાવવા તે અંગે પણ હવે બેઠકોનો દોર શ‚ થઈ ગયો છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પોતાના મત વિસ્તારમાં કામોની મંજૂરી કરાવવા માટે ધારાસભ્યો દોડતા થઇ ગયા છે. મંગળવારે ધારાસભ્યોને મંત્રીઓને મળવાનો દિવસ હોઇ લાંબા સમય પછી મોટી સંખ્યામાં ધારાસભ્યો ઉમટ્યા હતા અને છેલ્લી ઘડીએ રસ્તા-પુલ, પાણી પુરવઠાની યોજનાઓ સહિતના જે કામો થઇ શકાય તેની મંજૂરી આપવા માટે રજૂઆત કરી હતી. પક્ષ અને સરકારના અનેક કાર્યક્રમો છે વચ્ચે ધારાસભ્યોને મત વિસ્તારમાં હાજરી અનિવાર્ય થઇ રહી છે. તાજેતરમાં બનાસકાંઠામાં પૂરની સ્થિતિ અને તે પછી રાજયસભાની ચૂંટણી સાથે વિધાનસભાનું સત્ર હોઇ તેનો રાજકીય ધમધમાટ ચાલ્યો હતો. હવે ચૂંટણી નજીક આવતા જેટલા કામો કરાવી શકાય તે માટે સ્વર્ણિમ સંકુલ ખાતે ધારાસભ્યો નોંધપાત્ર સંખ્યામાં દેખાયા હતા. ઓકટોબરમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય તેમ છે અને તે સાથે જ આચારસંહિતા લાગુ પડી જશે તે પછી નવા કામોની મંજૂરી મેળવી શકાશે નહીં. મત વિસ્તારમાં જે કામો બાકી છે અને મતદારો તરફથી જે રજૂઆતો ધારાસભ્યોને આવે છે તેની રજૂઆત પણ મંત્રીઓને કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવા લેખિતમાં મોટાપાયે દરખાસ્તો કરવામાં આવી હતી.
તે સાથે મંત્રીઓ દ્વારા પણ તેમના વિભાગોની બેઠકોનો દોર મોડે સુધી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સચિવો-અધિકારીઓ સાથેની મિટિંગમાં બજેટલક્ષી કામોને અગ્રતા આપીને જે કામ સીધા લોકોને સ્પર્શતા હોય તેની વહેલી તકે મંજૂરી આપી દેવામાં આવે છે. જેથી તે વિસ્તારના શાસક પક્ષના ધારાસભ્યને પણ તેનો ફાયદો થઇ શકે. તે સાથે જે મોટી યોજનાઓ છે તેને કેવી રીતે લાગુ પાડી શકાય અને બજેટમાં જોગવાઇ હોય તેની જાહેરાત કરીને રાજકીય લાભ મેળવી શકાય તેને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા યોજવા માટે પણ તૈયારી ચાલી રહી છે. જો કે એકતરફ સરકારનો સૌથી મહત્વાકાંક્ષી કાર્યક્રમ નર્મદા યાત્રા જે રાજયભરમાં ફરશે ત્યારે ભાજપના ધારાસભ્ય અને મંત્રીઓ પણ તેમના વિસ્તારમાં તેમાં શક્ય હોય તેટલા સ્થળે હાજર રહેવાના છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નર્મદા બંધના લોકાર્પણનો મોટો કાર્યક્રમ સપ્ટેમ્બરમાં યોજાવાનો છે. ઉપરાંત પક્ષ તરફથી પણ અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે ધારાસભ્યોને મત વિસ્તારમાં હાજરી દર્શાવવી અને બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા દોડધામ શરૂ થઇ જવા પામી છે.