તંત્ર દ્વારા તાકીદે રોડ કામની ગેરરીતિ રોકી સારૂ કામ થાય તેવી લોક માંગ ઉઠી
ઘણા લાંબા સમયની માંગ બાદ પાલીતાણા જેસર રોડનું કામ શરુ થતા લોકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ આ ખુશી ક્ષણિક હોય તેમ હજુ રોડનું કામ શરુ છે જ ત્યાજ રોડ તૂટવાનો ચાલુ થઈ જતા આ વિસ્તારના ગ્રામ્ય પંથકના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ રોડના કામમાં કામ કરતા કોન્ટ્રકટર દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ આ વિસ્તારના ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા તાકીદે આ કામ ની ગેરરીતી રોકી સારું કામ થાય તેવી માંગ ઉઠી છે.
પાલીતાણા અને જેસર તાલુકા ના ગામડાઓને જોડતો રોડ બનાવવવા માટે વર્ષો જૂની માંગ હતી, આ રોડ પર જૈનોનું પ્રસિદ્ધ યાત્રાધામ કદંબગીરી તીર્થ, પ્રસિદ્ધ ખોડીયાર માતાજીનું સ્થાનક અયાવેજ ખોડિયા આવેલ છે, આ ઉપરાંત આ વિસ્તારના ગામોનો જોડતો આ એકમાત્ર રોડ હોય વર્ષો ની માંગ ને લઈને સરકાર દ્વારા આ રોડને પહોળો કરી અને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા આહીના સ્થાનીકોમાં આનંદ ની લાગણી છવાઈ હતી, પાલીતાણા ડેમ નજીકની જેસર છોકડી થી જેસર સુધી આ રોડનું કામ શરુ કરવામાં આવું છે, આ રોડના રસ્તામાં આવતા વિવિધ નાળાઓ પહોળા કરીને રોડને પહોળો કરવાની કામગીરી ખાનગી કોન્ટ્રકટ કંપની ઓમ ક્ધટ્રકશન દ્વારા હાથ ધરવામાં આવી છે.
પરંતુ હજુ ડેમ જેસર ચોકડી થી વડાલ ગામ સુધી થોડા કિલોમીટર ડામર રોડ બન્યો છે ત્યાજ આ રોડમાં ગણતરીના દિવસોમાં જ મોટામોટા ગાબડાઓ પડી ગયા છે, રોડમાં જ્યાં ડામર પાથરી દેવામાં આવ્યો છે ત્યાં સો-દોઢસો ફૂટના વિસ્તારમાં રોડ તૂટી ગયેલો નજરે છડે છે, એકતરફ રોડનું કામ આગળ ધપી રહ્યું છે તો બીજી બાજુ પાછળ પાછળ રોડ તૂટી રહ્યો છે ત્યારે આ રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આહીના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.
હાલ આ રોડ પર ડામર પાથર્યા બાદ માત્ર રેતીના ઢગલા કરવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જે માત્રામાં ડામર વાપરવાનો હોય તે ના વાપરવામાં આવતા રોડ ખોખલો થઇ જતા તૂટી રહ્યો છે, રોડમાં બનાવવામાં આવેલા નાળાઓમાં પણ લોટ-પાણી ને લાકડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે વર્ષોની માંગને અંતે જ્યારે રોડ બની રહ્યો છે તો તાકીદે અધિકારીઓ દ્વારા રોડના કામમાં તપાસ કરીને રોડના કામમાં થઇ રહેલ ગેરરીતી અટકાવવામાં આવે અને સારી ગુણવતા નો રોડ બને તેવી અહીના સ્થાનિકોની માંગ ઉઠી છે.
જો કે આ રોડના કામમાં થઇ રહેલ ભ્રષ્ટાચાર બાબતે ના તો રોડના કોન્ટ્રાક્ટરો મીડિયા સામે આવી ને કશું કહેવા માંગતા નથી કે પછી અધિકરીઓ કશું કહેવા માંગતા નથી ત્યારે આમ જનતાના કરોડો રૂપિયા આમ જ ભ્રષ્ટાચાર માં જતા રહેશે અને આવા કામો થશે તો આ ઓળ કેટલો સમય ટકશે તે જોવાનું રહ્યું.