રાજકોટમાં નવા બંધાયેલા ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ પોલીસ મથકના બિલ્ડીંગની મુલાકાત લીધી
આટકોટ ખાતે આગામી તા.28મી મેના રોજ કે.ડી.પરવાડીયા હોસ્પિટલના લોકાપર્ણ અર્થે આવતા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમમાં કોઇ કચાસ ન રહે અને સલામતિ વ્યવસ્થાનું જાત નિરિક્ષણ અર્થે રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ અને આટકોટની મુલાકાત કરી છે. પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી છે.
આટકોટ ખાતે નવી બનેલી અધતન સગવડ અને સુવિધા ધરાવતી કે.ડી.પરવાડીયા હોસ્પિટલના લોકાપર્ણ માટે તા.28 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા હોવાથી તેમની સલામતિ વ્યવસ્થાની જાત માહિતી મેળવવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી આટકોટ આવ્યા હતા. તે પહેલાં હર્ષ સંઘવી અને રાજયપાલ આચાર્ય દેવવ્રત વિમાન માર્ગે રાજકોટ આવ્યા હતા.
ગૃહ મંત્રી હર્ષ સંધવીના સર્કીટ હાઉસ ખાતે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહ, ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મિણા, ડીસીપી ઝોન-2 સુધિર દેસાઇ, તમામ એસીપી, પોલીસ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર મળ્યા હતા.
જામનગર રોડ પર પોલીસ હેડ કવાર્ટર ખાતે નવા નિર્માણ થયેલા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ મથકના બિલ્ડીંગનું ટૂંક સમયમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા વર્ચ્યુલ લોકાપર્ણ થવાનું હોવાથી રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બંને પોલીસ મથકના બિલ્ડીંગનું નિરિક્ષણ કર્યુ હતું. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પરસોતમભાઇ રૂપાલા સહિતના ભાજપના અગ્રણીઓ તા.28મીએ આટકોટ આવતા હોવાથી તેમની સુરક્ષા વ્યવસ્થા અંગે જાત નિરિક્ષણ કરવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી આટકોટ ખાતે ગયા હતા. તેની સાથે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ જોડાયા હતા.