તા.૨૬ ફેબ્રુઆરીના જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓએ પોતાની બેઠક વ્યવસ્થા જે તે શાળાએ સવારના 9 થી 12 કલાક સુધી જઈને જોઈ લેવા તંત્રનો અનુરોધ
આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. 27 મી ફેબ્રુઆરી ને ગુરૂવારથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. ત્યારે આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિ ના અધ્યક્ષ અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના જે વિદ્યાર્થીઓ ને બોર્ડની પરીક્ષા આપવા માટે જે તે સ્કૂલ ખાતે પોતાનો નંબર આવ્યો છે, તે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ આજે તારીખ 26 મી ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકથી 12 કલાક દરમિયાન પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકે તે માટે શાળા ખુલ્લી રાખવામાં આવનાર છે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ આજે રજા ના દિવસે પોતાની બેઠક વ્યવસ્થા જોઈ લેવી હિતાવહ છે, જેથી પરીક્ષા ના દિવસે વિદ્યાર્થીઓને પોતાની બેઠક વ્યવસ્થા શોધવાની ચિંતા ન રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષાલક્ષી તકલીફ હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના હેલ્પલાઇન નંબર 02692-264153 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.