Abtak Media Google News
  • કાયદામાં સૂચિત સોસાયટીઓનું કોઈ અસ્તિત્વ જ નથી
  • સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવાનો મનસુબો મૂળ માલિકની સંમત્તિ વગર અશકય, સહમતી વગર ટાઇટલ હસ્તાંતરણની પ્રક્રિયા પણ જટિલ
  • રાજકોટના સૂચિત સોસાયટીના પ્રશ્નો વર્ષોથી ચાલતા આવ્યા છે. સરકાર સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઈઝ કરી રહી છે. પણ વાસ્તવિકતા એ છે કે સૂચિત સોસાયટીઓનું કોઈ અસ્તિત્વ જ નથી. માટે સૂચિત સોસાયટીમાં આવેલ જગ્યા લેતા અને વેંચતા પહેલા 100 વાર વિચારવુ જરૂરી છે.

રાજકોટમાં મોટી સંખ્યામાં સૂચિત સોસાયટીઓ આવેલ છે. સરકાર તેને રેગ્યુલરાઈઝ કરવા ખૂબ મથામણ કરી રહી છે. ભૂતકાળમાં આવી સોસાયટીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપ્યા બાદ હવે આવી સોસાયટીઓને કાયદેસર કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. પણ નિષ્ણાંતો માને છે કે સરકાર ધારે તો પણ સૂચિત સોસાયટીને કાયદેસર રીતે રેગ્યુલરાઈઝ ન કરી શકે. આના માટે મૂળ માલિકની સમતીની જરૂર પડે જ. મૂળ માલિક જે ખેડૂત ખાતેદાર છે તેનું ટાઇટલ હસ્તાંતરણ કરાવવું પડે.

  • જે સૂચિત સોસાયટીઓ છે તેના મૂળ માલિક ખેડૂત ખાતેદારો છે.
  • કાયદાની આટીઘુટીના કારણે આ મામલો વધુ હજુ ન્યાયીક પ્રક્રિયામાં ચાલવાનો છે.
  • વધુમાં કાયદાની દ્રષ્ટિએ ટાઈટલ બે વ્યક્તિ પાસે રહી ન શકે. પણ સૂચિત સોસાયટીના કિસ્સામાં ખેતીની જમીનનું ટાઇટલ બીજા પાસે રહે છે અને સૂચિત રેગ્યુલરાઈઝ થાય ત્યારબાદ ટાઇટલ કબ્જેદારને મળે છે.
  • સૂચિત સોસાયટી કેવી રીતે અસ્તિત્વમાં આવી ?

સરકારે વર્ષ 1999માં શહેરી જમીન ટોચ મર્યાદા એટલે કે યુએલસી એક્ટ પાછો ખેંચી લીધો હતો. આ કાયદા હેઠળ જો કોઈ 15000 મીટરથી વધુ જગ્યા બિનખેતી થાય તો સરકાર તેને ફાજલ કરીને લઈ લેતી હતી. પણ આનાથી બચવા માટે મોટી જમીન ધરાવતા ખેડૂતોએ બિનખેતી કરાવ્યા વગર જ ત્યાં પ્લોટિંગ પાડી સોસાયટીઓ બનાવવા માટે વેચી દીધી હતી. ખેડૂત તથા મૂળ જમીન માલિકે પોતાનું ટાઇટલ યથાવત રાખીને પાવર ઓફ એટર્ની તથા બાનાખતથી આ જમીન બીજાને સોંપી દીધી હતી. આવી જમીનોમાં સોસાયટીઓ અસ્તિત્વમાં આવી હતી. જેને સૂચિત સોસાયટી કહેવામાં આવે છે.

  • શહેરી જમીન ટોચ મર્યાદાના કાયદાએ રાજકીય ઓથ હેઠળ સુચિત સોસાયટીઓ બિલાડીની ટોપની જેમ ફુટી નિકળી હતી
  • ધારાસભ્ય-સાંસદના આશિર્વાદથી સોસાયટીઓમાં રોડ-રસ્તા, પાણી, વીજળી સહિતની સુવિધાઓ પણ મળી

સરકાર દ્વારા વર્ષ 1975 માં એએલસી અને યુએલસી અમલ આવ્યો હતો. જેમાં શહેરી વિસ્તારમાં એક વ્યકિત દીઠ 1500 ચો.મી. બિનખેતી પ્લોટ રાખવા પાત્ર હોય છે પરંતુ વર્ષ 1999માં કેશુભાઇ સરકાર દ્વારા યુ.એલ.સી. કાયદો ઉઠી ગયો છે. યુએલસીની અમલવારી દરમ્યાન રાજકોટ સહિત અનેક સ્થળે સુચિત સોસાયટીઓ આકાર થઇ છે. બંધારણમાં સુચિત સોસાયટીનું કોઇ અસ્તિત્વ ન હોવા ભૂમાફીયા દ્વારા કાયદાની છટકબારી હેઠળ રાજકોટ શહેરમાં અનેક સુચિત સોસાયટીમાં ઉભી થઇ છે. રાજકીય ઓથ હેઠળ ઉભી થયેલી સુચિત સોસાયટીઓમાં રાજકીય અગ્રણીઓ દ્વારા પાયાની સુવિધાઓ આપવામાં આવતા તેનો વ્યાપ વઘ્યો છે. શહેરમાં બિલાડીની ટોપની ફુટી નીકળેલી સુચિત સોસાયટીમાં ધારાસભ્ય અને સાંસદ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતા મહાપાલિકા દ્વારા રોડ-રસ્તા, ગટર, ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ મામલે સરકાર દ્વારા નકકર નીતી ઘડવા માટે માંગ ઉઠી છે.

  • મોટા મવાની કરોડોની જમીનના કેસમાં કલેકટર તંત્રને હાઇકોર્ટની લપડાક
  • અપીલના નીકાલ સુધી યથાવત પરિસ્થિત જાળવી રાખવાના વચગાળાનો હુકમ મોકૂફ રાખતી હાઇકોર્ટ, કલેકટર પાસેથી ખુલાસો મંગાવાયો

મોટા મવાના રેવન્યુ સર્વે નં. 50 પૈકી તથા રેવન્યુ સર્વે નં. 50 પૈકી 2 માંહેથી અવિભાજય હિસ્સાની જમીન ગીરધરભાઈએ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી જમીનના મુળ માલીક પાસેથી ખરીદ કરેલ છે. સદરહું વેચાણ દસ્તાવેજની ગામ નામુનામાં નોંધ દાખલ કરવાની કાર્યવાહી કરતા સદરહું વેચાણ દસ્તાવેજની નોંધ સંબંધે વાંધેદારોએ નાયબ કલેક્ટર સમક્ષ વાંધા અરજી દાખલ કરેલ. સદરહું વાંધા અરજી કાયદાકીય રીતે ટકવાપાત્ર ન હોઈ જેથી નાયબ કલેકટર ધ્વારા વાંધા અરજી નામંજુર કરવામાં આવેલ.

સદરહું હુકમથી નારાજ થઈ વાંધેદારો ધ્વારા કલેકટર, રાજકોટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલ. સદરહું અપીલના કામે કલેકટર, રાજકોટ ધ્વારા અરજદારની માલીકીની જમીનમાં વાંધેદારોનું હીત સમાયેલ હોઈ અને પીટીશનર જમીન અન્યને વેચાણ, ટ્રાન્સફર કરે તો મલ્ટીપ્લીસીટી ઓફ પ્રોસીડીંગ્સ થવાની શક્યતા રહેલ હોઈ જેથી અપીલ/કેસના નીકાલ થતા સુધી યથાવત પરિસ્થિત જાળવી રાખવા સંબંધેનો વચગાળાનો હુકમ કરવામાં આવેલ છે.

સદરહું હુકમથી નારાજ થઈ ખરીદનાર ધ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ. સદરહું કેસની સુનાવણી થતા નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્વારા કલેકટર, રાજકોટની ન્યાયીક કાર્યવાહીથી આશ્ચર્ય ચકિત થતા હુકમ કરેલ છે કે, જયારે કલેકટર, રાજકોટ ઘ્વારા રેકર્ડ ઉપર નિર્ણય લેવામાં આવેલ કે વાંધેદારોની સુચિત સોસાયટીને પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરવા માટેની અરજી ગ્રાહય રાખવાપાત્ર જણાતી નથી. તેમજ વાંધેદારોને સદરહું જમીન સંબંધે કોઈ કાયદેસરના હકક, હીત, હીસ્સા કે ટાઈટલ ન હોઈ અને વાંધેદારોએ ખરીદનારની માલીકીની જમીનમા ગેરકાયદેસર રીતે પેશકદમી, ઘુસણખોરી કરેલ હોવાનું રેકર્ડ પર હોવા છતા કલેકટર, રાજકોટ ધ્વારા એવા તો ક્યાં સંજોગોને આધીન થઈ અને અગમ્ય કારણોસર જમીનના કાયદેસરના માલીકના વેચાણ દસ્તાવેજને નજરઅંદાજ કરી, જે વાંઘેદારોનો જમીનમાં કોઈ હકક, હીત, હીસ્સો ન હોવા છતા તેઓની તરફેણમાં હુકમ કરવામાં આવેલ. તેમજ સદરહું હુકમ સંબંધે હાઈકોર્ટ ઘ્વારા ટીપ્પણી કરવામાં આવેલ છે કે, જયારે વાંધેદોરોનો જમીનમાં કોઈ હકક, હીત, હીસ્સો કે ટાઈટલ નથી તેમ છતા કલેક્ટર, રાજકોટ ધ્વારા કયાં સંજોગોવસાત અને કઈ હકીકતને ધ્યાને લઈ વાંધેદારોની અપીલ ગ્રાહય રાખવામાં આવેલ છે તે બાબતનું સોગંદનામું પોતાના કોઈ તાબાના અધિકારી ધ્વારા નહીં પરંતુ, રાજકોટ કલેકટર, એ જાતે રજુ કરવા સંબંધેનો હુકમ ફરમાવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.