કોરોના પોઝિટિવ દર્દી એપ યુઝરની નજીક આવતા એલાર્મ વાગતું હોય એક અરજદારનું એલાર્મ રણકી ઉઠતા ગ્રાઉન્ડ ફલોરમાંથી લોકોને બહાર કઢાયા
જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે અચાનક આરોગ્ય સેતુ એપનું એલાર્મ વાગી ઉઠતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. પોઝીટીવ દર્દી એપ યુઝરનાં નજીક આવતા આ એલાર્મ વાગતું હોય પોઝીટીવ દર્દી નજીક હોવાની ભીતિથી અરજદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
બીજી તરફ કલેકટર કચેરીનો ગ્રાઉન્ડ ફલોર ખાલી પણ કરાવવામાં આવ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.
જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત અહીં ઈમરજન્સી કેસમાં અરજદારો પણ પોતાના પ્રશ્ર્નો લઈને આવી રહ્યા છે. આ દરમિયાન આજરોજ કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં એક અરજદારનાં મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઈનસ્ટોલ કરેલું હોય અને આ એપમાં બીપ..બીપ…નું સાયરન વાગી ઉઠયું હતું. હકિકતમાં જયારે કોઈ કોરોના પોઝીટીવ દર્દી એપ યુઝરની નજીક આવતો હોય છે ત્યારે આ એપમાં સાયરન વાગે છે. આમ કોરોનાં પોઝીટીવ દર્દી એપ યુઝરની નજીક આવ્યો હોવાની ભીતિએ ગ્રાઉન્ડ ફલોરમાં અફડા-તફડી મચી જવા પામી હતી.
ઉપરાંત ગ્રાઉન્ડ ફલોરને ખાલી પણ કરાવાયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એક ઉચ્ચ અધિકારીએ આ વાતનું ખંડન કર્યું હતું અને એવું જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ કલેકટર કચેરીથી ૫૦૦ મીટરનાં અંતરે હોય આ એપમાં સાયરન વાગવું સામાન્ય બાબત છે.