રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં ચણા, ધાણા, જીરૂ, ઘઉંની પુષ્કળ આવક થઈ રહી છે. ત્યારે રાજકોટના બેડી યાર્ડમાં પણ દિનપ્રતિદિન ઉપરોકત જણસીની મબલખ આવક થઈ રહી છે. ચાલુ વર્ષે ચણાનું સૌથી વધુ વાવેતર થતા હાલ હજારો બોરી ચણાની આવક આવી રહી છે. આવકની સાથોસાથ ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને તમામ જણસીનાં ખુબ સારા ભાવો મળી રહ્યા છે.
રાજકોટ યાર્ડમાં ચણા, ધાણા,જીરૂ, ઘઉંની પુષ્કળ આવકને પગલે અન્ય રાજયોમાં પણ માલ મોકલાઈ રહ્યો છે. ધીમે-ધીમે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે મસાલા પાકો જેવા કે જીરૂ, ધાણી-ધાણા, સુકા મરચા વગેરેની આખા વર્ષની ખરીદી ગૃહિણીઓ કરવા લાગશે.
ઉપરોકત તમામ જણસીની આવક જોઈએ તો જીરૂની દરરોજ સરેરાશ 8000 બોરી, ધાણા-ધાણીની 45000 બોરી, ઘઉંની 8000 બોરી, ચણાની 25000 બોરી જેવી આવક થઈ રહી છે.
તમામ જણસીની આવકમાં દિન પ્રતિદિન વધારો થશે તેમ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વધુ આવકની સાથોસાથ ભાવો ખુબ સારા બોલાઈ રહ્યા છે. જીરૂના રૂ.2300 થી 2825, ધાણાના રૂ.1100 થી 1550, ધાણીના રૂ.1300 થી 2100, ચણાના રૂ.850 થી 950તા ઘઉંના રૂ.350 થી 360 જેવા ભાવો ખેડુતોને ઉપજી રહ્યા છે. હાલ જીરૂ અને ધાણા-ધાણી સૌથી સારા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. તમામ જણસીની આવક રાજકોટ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાંથી થઈ રહી છે.