રાજકોટ બેડી યાર્ડ છેલ્લા ત્રણ દિવસથી શરૂ થતા ધીમેધીમે તમામ જણસીથી છલકાય રહ્યું છે. વાવાઝોડા બાદ બેડી યાર્ડ ગત શનિવારથી શરૂ થતા પ્રથમ પાંચ જણસી આવી હતી. ત્યારબાદ ગઈકાલથી અન્ય જણસીની આવક માટે છૂટ અપાઈ હતી. જેથી હાલ બેડી યાર્ડ કપાસ, મગફળી, મગ, તલ, એરંડા ઉપરાંત જીરૂ, રાયડો, લસણ,મેથી વગેરેથી ઉભરાઈ રહ્યું છે. જેમાં સૌથી વધુ લસણની આવક થઈ હતી ગઈકાલે 30000 ગુણી લસણની આવક થઈ છે. અને લસણના રૂ.1000 થી 1300 સુધીનાં ભાવ બોલાઈ રહ્યા છે.
આ ઉપરાંત કપાસની પણ આવક થઈ છે. હાલ કપાસની ડિમાન્ડ વધુ હોય ભાવ પણ ખૂબ સારા બોલાઈ રહ્યા છે. આજથી અન્ય જણસી ચોરી, જુવાર, વાલ, ધાણા વગેરેની આવક પણ શરૂ કરવામાં આવશે.
કપાસના રેકોર્ડબ્રેક પ્રતિમણના રૂ.1486 ભાવ બોલાયા
કપાસની ડિમાન્ડ વધુ અને ઓછી આવકના કારણે આજે રેકોર્ડબ્રેક ભાવ બોલાયા છે. આજે કપાસના સૌથી ઉંચામાં પ્રતિમણના રૂ.1486 ભાવ બોલાતા ખેડૂત ખુશખુશાલ થયા છે. રૂ.1400ની ઉપર અનેક ખેડુતોના કપાસની હરરાજી થઈ છે. કપાસના આવા ભાવ છેલ્લા 4 થી 5 વર્ષનાં કયારેય ઉપજયા નથી. કપાસની સીઝન અત્યારે પૂર્ણ થઈ ગઈ છે.તેમ છતા ડિમાન્ડ રહેતા સારા ભાવ બોલાયા હોવાનું જાણવા મળ્યુ છે.
વિપુલ આવકથી ઉનાળુ શાકભાજી સોંઘુ
હાલ શાકભાજી યાર્ડમાં ઉનાળુ શાક ગુવાર,ભીંડો, દુધી ઉપરાંત ટમેટા, રીંગણા વગેરેની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. સારી આવકને કારણે ભાવ પણ સસ્તા બોલાઈ રહ્યા છે. મહારાષ્ટ્રથી ખાસ રાજાપુરી કેરી આવી રહી છે તો બેંગ્લોર,નાસિકથી ટમેટાની પુષ્કળ આવક છે. પ્રતિકિલો દુધી, કોબી, લીંબુના રૂ.10 થી 15, રીંગણા, ભીંડો રૂ.25 થી 30, ગુવાર 30 થી 35 તેમજ રાજાપુરી કેરીના રૂ.35 થી 40 બોલાય રહ્યા છે. દર વર્ષની સરખામણીએ હાલ શાકભાજી સોંઘુ છે.