કોરોના સામે લડવા કેન્દ્ર તરફથી ફાળવાયેલું 1299 કરોડ રૂપિયાનું ભંડોળ અણધડ આયોજનને કારણે વણવપરાયેલું!!
ઘાતકી નિવડેલી કોરોનાની બીજી લહેરથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સાથે સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને ભંડોળ ફાળવ્યું હતું. જે મુજબ ગુજરાત સરકારને પણ સ્વાસ્થ્ય માટે એમાં પણ ખાસ ગ્રામ્ય વિસ્તારમાં સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા કરવા માટે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ “ખાટલે મોટી ખોટ” પડી હોય તેમ આ ભંડોળમાંથી હજુ રૂપિયા 309 કરોડ વણવપરાયેલા પડ્યા છે.
કોરોનાના કપરા કાળમાં રૂપિયા હોવા છતાં પણ અણધડ આયોજનને કારણે 2000 કેન્દ્ર “સ્વાસ્થ્ય”થી વંચિત રહ્યા છે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ભંડોળનો જો આયોજનબદ્ધ ઉપયોગ થયો હોત તો રૂપિયા 309 કરોડના ખર્ચથી ગ્રામ્ય વિસ્તારમાં વધુ 2000 સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા થઇ ગયા હોત. અને કોરોનાની બીજી લહેરમાં જે સ્થિતિ સર્જાઇ તેની સામે વધુ મજબૂતાઈ લડત આપી શકત.
રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ કેન્દ્ર સરકાર તરફથી મંજુર કરવામાં આવેલા 309 કરોડના ભંડોળનો ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વિશ્લેષકો જણાવે છે કે જો રાજ્ય સરકારે આ ભંડોળનો સમયસર 2,000 આરોગ્ય કેન્દ્રો બનાવવા માટે ઉપયોગ કર્યો હોત તો કોવિડ-19 રોગચાળાને પહોંચી વળવા રાજ્ય વધુ સજ્જ હોત. તો બીજી તરફ આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે તેઓને સ્વાસ્થ્ય કેન્દ્રો બનાવવા માટે જરૂરી જમીન સમયસર મળી નહિ. તેથી ભંડોળનો સમયસર ઉપયોગ થઈ શકયો નહી. આરોગ્ય વિભાગ દ્વારા નાણાં વિભાગને જાણ કરાઈ કે તેઓએ આયોજિત 2,000 સ્વાસ્થ્ય કેન્દ્રો ઉભા કરવાની યોજનામાંથી 168 આરોગ્ય કેન્દ્રો બનાવ્યા નથી. બાકીના 1,141 જેટલા કેન્દ્રો ઉભા થયા.
જણાવી દઈએ કે માત્ર આરોગ્ય ક્ષેત્રે જ વણવપરાયેલુ ભંડોળ નથી પડ્યું, અન્ય વિભાગો પાસે પણ ભંડોળ પડ્યું છે. માહિતી મુજબ જળ સ્ત્રોત માટે 506 કરોડ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પાસે 236 કરોડ, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસે 78 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 89 કરોડ, ગ્રામ્ય વિકાસ માટે 33 કરોડ તેમજ શિક્ષણ ક્ષેત્રે 48 કરોડ એમ કુલ 1299 કરોડ રૂપિયાનું ભંડોળ ગુજરાત સરકાર પાસે વપરાયેલું પડેલું છે.