પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે મુસ્લિમ આગેવાનોની યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય: નમાજ મસ્જીદના બદલે ઘરે રહી પઢવામાં આવશે

કોરોના વાયરસના કારણે કરાયેલા લોક ડાઉન દરમિયાન મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ આગામી તા.૨૪ એપ્રિલથી શરૂ થતું હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને શહેરના મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. રમજાન માસ નિમિતે યોજાતી જુમાની અને તારાવી નમાજ ઘરે જ રહીને પઢવા અને ખુદાને બંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમજાન માસ આગામી તા,૨૪ એપ્રિલથી શરૂ થાય છે. રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા ખુદાને વિશેષ બંદગી કરવામાં આવે છે. નજીકની મસ્જીદમાં રાત્રે તારાવી નમાજ પઢવામાં આવે છે. અને દિવસ દરમિયાન રોજા રાખી રાત્રે રોજુ છોડતા હોવાથી મસ્જીદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થતા હોવાથી લોક ડાઉનનો ભંગ થાય અને કોરોના વાયરસ બેકાબુ બને તેવી દહેશત હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મુસ્લિમ સમાજ સાથે વીડિયો કોન્ફરનની મદદથી બેઠક યોજી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે યોજાયેલી બેઠકમાં માઇનોરેટી ચેરમેન યુનુસભાઇ જુણેજા, શહેર ભાજપ કારોબારી સભ્ય રજાકભાઇ જામનગર, ૧૫ મુદા અમલીકરણ સમિતીના ડીરેકટર ફારૂકભાઇ બાવાણી, મુસ્લિમ અગ્રણી હબીબભાઇ કટારી, આસિફ સલોત, મજીદ શમા અને મૌલાના શેર કે.એચ.ખતીબ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના વાયરસને ધ્યાને રાખી મુસ્લિમ બિરાદરોને ઘરે રહીને નમાજ અદા કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરાયેલા અનુરોધને તમામ મુસ્લિમ અગ્રણીઓએ દ્વારા સહમતી આપવામાં આવી હતી. આપતી સમયે ઘરમાં રહી સુરક્ષિત રહેવાનો મુસ્લિમ સમાજ દ્વારા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ યુનિર્વસિટી પોલીસ મથક ખાતે સ્થાનિક મુસ્લિ અગ્રણીઓ સાથે બેઠક યોજી ઘરે રહીને જ નમાજ પઢવાની સમજ આપી સુરક્ષિત રહેવાનું જણાવ્યું હતુ.

તેમજ પ્ર.નગર પોલીસ મથકે એસીપી પ્રમોદ દિયોરાએ મુસ્લિમ બિરાદરો સાથે બેઠક યોજી લોક ડાઉનનો ભંગ ન થાય તે રીતે પોતાના ઘરે રહી રમજાન માસની વિશેષ ઇબાદત કરવા જણાવ્યું હતુ. મુસ્લિમ સમાજે પણ પોલીસની અપીલને વધાવી ઘરે રહીને જ નમાજ પઢવામાં આવશે અને પોલીસને કામગીરીમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.