કોમેડી ડ્રામા ગુજરાતી ફિલ્મ ‘ચોર બની થનગાટ કરે’ની ટીમ બની ‘અબતક’ની મહેમાન
જાણીતા હિન્દી અને ગુજરાતી મ્યુઝિક કંપોઝર સચિન અને જીગરની ઉપસ્થિતિમાં આજે આગામી ગુજરાતી કોમેડી અને ડ્રામા ફિલ્મ ચોર બની થનગટ કરેના પ્રમોશન માટે રાજકોટની મુલાકાત લીધી હતી.
એકદમ નવી વાર્તા અને હાસ્યથી લોટપોટ કરી નાખતી કોમેડી સાથેની ફિલ્મ ચોર બની થનગટ કરેના ડિરેકટર રાહુલ ભોલે એક સ્વતંત્ર ફિલ્મમેકર અને રાઈટર છે, જેમણે ૧૫થી વધુ શોર્ટ ફિલ્મ, ડોકયુમેન્ટરી, એડ ફિલ્મ અને કોર્પોરેટ ફિલ્મ બનાવી છે. તેમણે ઘણી શોર્ટ ફિલ્મ્સ પણ લખી છે. ફિલ્મના મુખ્ય કલાકારો અમિત મિસ્ત્રી છે, જેમણે શોર ઈન ધ સિટી અને યમલા પગલા દિવાના જેવી હિટ હિન્દી ફિલ્મોની સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પોતાના મજબૂત અને અસરકારક અભિનયની છાપ છોડી છે.
આ ઉપરાંત બિજલ જોશી, પ્રેમ ગઢવી, ઓજસ રાવલ, મનન દેસાઈ, શરદ શર્મા, નિર્મિત વૈષ્ણવ, અન્નપૂર્ણા, જીનિતા રાવર અને પ્રશાંત બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ગીતો નિરેન ભટ્ટે લખ્યાં છે.
આ ફિલ્મની પટકથા પણ ખુબ અલજ છે. જેમાં તમારા નિયંત્રણમાં ન હોય તેવી આદાત પડી જાય તો તમે શું કરશો ? આ પ્રકારની સમાન સ્થિતિનો સામનો રાજુ કરે છે. રાજુ ઉર્ફે રોબીને પુજા કરવા દરમિયાન ભગવાનની મૂર્તિ ચોરી ત્યારે જ પિતાએ તેને ઘરમાંથી બહાર કાઢી મુકયો હતો. તેના બાળપણના મિત્ર લેંટી સાથે તે જીવનને નવેસરથી શ‚ કરવા માટે અમદાવાદ આવી પહોંચે છે. રોબીનને ખબર પડે છે કે તે ફિઝિકલ ડિસઓર્ડરને કારણે તે કેપ્ટોમેનિઆક (ચોરી કરવાનો માનસિક રોગ)થી પીડાય છે ત્યારે તે સારવાર કરાવવાનો નિર્ણય કરે છે. આ દરમિયાન તેની મુલાકાત ખુશ્બુ સાથે થાય છે.
રોબીનની ચોરી કરવાની આદતને કારણે એક ઘટના ઘટે છે અને ત્યારબાદ અમદાવાદની ચોર ટોળકી, પોલીસ, રોબીન, લેટી અને ખુશ્બુ વચ્ચે કોમેડીની સિરિઝ સર્જાય છે. સંખ્યાબંધ ટિવસ્ટ અને ટર્ન સાથે ફિલ્મ દર્શકોને નવી કોમેડીનો અહેસાસ કરાવશે અને તેમને હાસ્યથી લોટપોટ કરી નાખશે. શું રોબીન ચોરી ચાલુ રાખશે ? શું ખુશ્બુ રોબીન સાથે રહેશે ? આ તમામ પ્રશ્ર્નોના જવાબ માટે ફિલ્મ જોવી રહી.
ફિલ્મના કલાકારોએ પણ અબતકની મુલાકાત દરમ્યાન ફિલ્મ અંગે આશા વ્યકત કરવામાં આવી હતી અને ગુજરાતી ફિલ્મને નવી દિશા આપવાનો વધુ એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં પણ વધુ એક વખત કંઈક અલગ કરવાના ભાવ સાથે કલાકારોએ જીવ રેડયો છે. આ ઉપરાંત કલાકારોએ અબતકની મુલાકાતમાં ગુજરાતી ફિલ્મોમાં પ્રમોશન સહિતની બાબતોએ પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.